જામનગર જિલ્લાના વરણા ગામના વતની એવા યુવાને દુબઇ ટ્રાન્સફર કરવા આપેલા 60 લાખની રકમ ચેનઇના શખ્સે પચાવી પાડી વિશ્વાસઘાત આચર્યાના બનાવમાં સાઈબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ સુરતના કાપોદરા વિસ્તારમાં શાંતિનિકેતન સોસાયટીમાં રહેતાં અને મૂળ જામનગર જિલ્લાના વરણા ગામના વતની કેયુર રમેશભાઈ બુસા નામના યુવાને સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં ટીમ આઈટેક પ્રાઈવેટ લિમિટેડ નામની સોફટવેર ડેવલપમેન્ટની કંપની શરૂ કરી હતી તેમજ એક માસ અગાઉ દુબઇમાં મેગ્નેટો ઈર્ન્ફોમેશન ટેકનોલોજી (એલ એલ સી) નામની સોફટવેર કંપની શરૂ કરી હતી. જેનું સંચાલન તેનો ભાગીદાર અભિષેક પાનસેરીયા કરી રહ્યો હતો. આ કંપનીમાં નાણાં રોકવાના હોવાથી દુબઇમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે કેયુરના મિત્ર ઈરફાન ગુલામ બાસા (રહે.ચેન્નાઇ) નો સંપર્ક કર્યો હતો.
ઈરફાન સાથે સંપર્ક થયા બાદ કેયુરે એક વખત રૂપિયા સાડા સાત લાખ અને બીજી વખત પંદર લાખ ઈરફાન દ્વારા દુબઈની કંપનીમાં દીરહામમાં ટ્રાન્સફર કરાવ્યાં હતાં અને ઈરફાને આ રકમ ટ્રાન્સફર પણ કરી દીધી હતી. ત્યારબાદ ગત તા.20 અને 21 ના રોજ કેયુરે ઈરફાનને રૂા.60 લાખ ટ્રાન્સફર કરવા આપ્યા હતાં. જે માતબર રકમ ઈરફાને ટ્રાન્સફર કરી ન હતી અને ત્યારબાદ તેણે મોબાઇલ બંધ કરી દીધો હતો. બાદમાં કેયુર દ્વારા ઈરફાનનો સંપર્ક ન થતા તેણે સુરત સાયબર ક્રાઈમમાં અરજી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પીઆઈ જી.એમ. હડિયા તથા સ્ટાફે ચેન્નાઈના ઈરફાન વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.