રાહુલ ગાંધીનું સાંસદ પદ જવા મુદે્ કોંગ્રેસે આજથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે. કોંગ્રેસના સાંસદો આજે કાળા કપડાં પહેરીને સંસદમાં ઉપસ્થિત રહયા હતા. સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી શરૂ થતાં જ હોબાળો મચાવ્યો હતો. પરિણામે રાજયસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી ચાર વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ કોંગ્રેસના સાંસદોએ બેનરો, પોસ્ટરો સાથે ગાંધી પ્રતિમા તરફ કુચ કરી હતી.અદાણી જૂથના મુદ્દે વિપક્ષી સાંસદોએ કાળા કપડા પહેરીને સંસદમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. તેલંગાણામાં કોંગ્રેસના હરીફ કે.ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ, તૃણમૂલના સાંસદો અને શિવસેનાએ પણ કાળા કપડા પહેરી વિરોધમાં જોડાયા હતા. કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું કે, લોકશાહીનો અવાજ દબાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.
તમે લોકસભામાંથી વિપક્ષના અવાજને દબાવી રહ્યા છો. વિપક્ષ કૌભાંડની વાત શું કામ ન કરે. આ સરકારને રાજાશાહી જોઈએ છે. સરકાર આજે વિપક્ષથી ડરી ગઈ છે. કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે, કોંગ્રેસથી લોકશાહીને જોખમ નથી, તેથી તેમણે કોંગ્રેસ બચાવો ના નામે ભારત જોડો યાત્રા કાઢી હતી. તેઓ લોકશાહીની વાત કરી રહ્યા છે, પરંતુ તેમને બોલવાનો કોઈ અધિકાર નથી કારણ કે કોંગ્રેસે ઈમરજન્સી દરમિયાન લાખો લોકોને જેલમાં ધકેલી દીધા હતા.