જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર ડીફેન્સ કોલોની સામેના વિસ્તારમાં યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. તેમજ અન્ય યુવાનને છૂટા પથ્થરમારો કરી ઈજા પહોંચાડી ખારા બેરાજાનો રસ્તો બંધ કરી દેવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ 1 માં નોકરી કરતા દિપક પ્રેમજીભાઈ ખીમસુરિયા નામના યુવાનને કાનો ચારણ નામનો શખ્સ ફોન કરતો હતો. જેથી દિપકે ઠપકો આપતા ગત તા.22 ના એરફોર્સ રોડ નજીક કાનો ચારણ, હરભમ ગઢવી અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનને આંતરીને અપશબ્દો બોલી કડા વડે અને લાકડાના ધોકા હુમલો કર્યો હતો ઉપરાંત દિનેશભાઈ નામના યુવાન ઉપર છૂટા પથ્થરનો ઘા કરી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ ચારેય શખ્સોએ ખારાબેરાજાનો રસ્તો બંધ કરી દેશું તો તમારે પગે પડવા આવું પડશે તેમ કહી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતાં. હુમલો કરી અપમાનિત કરવાના બનાવમાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા ડીવાયએસપી દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.