મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝન પૂર્ણ થઈ છે. ફાઈનલની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવી દીધું છે. હરમનપ્રીત કૌરની ટીમે કમાલ કરી પ્રથમ સિઝનનો ખિતાબ પોતાના નામે કરી દીધો છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 134 રન બનાવીને મેચ જીતી લીધી છે.
ઈંગ્લેન્ડની અનુભવી ખેલાડી નતાલી સીવર બન્ટે મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સિઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવ્યું છે. તેણે 55 બોલમાં અણનમ 60 રન બનાવીને ટીમને ખિતાબ જીતાડ્યો છે. દિલ્હીની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19.3 ઓવરમાં ત્રણ વિકેટે 134 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ ફ્રેન્ચાઈઝીના ખાતામાં આ છઠ્ઠી ટ્રોફી છે. તેની મેન્સ ટીમ આઈપીએલમાં 5 વખત ચેમ્પિયન બની છે. નતાલી સીવરે અમેલિયા કેર સાથે ચોથી વિકેટ માટે 20 બોલમાં અણનમ 39 રનની પાર્ટનરશીપ નોંધાવી હતી. અમેલિયા કેર 8 બોલમાં 14 રન બનાવીને અણનમ રહી હતી.