ભાણવડ પંથકમાં મજૂરી કામ માટે આવેલા અને લાલપુર તાલુકાના રહીશ એવા ત્રણ યુવાનો પર છરી, ધોકા તથા પાઇપ વડે હુમલો કરી, લૂંટ ચલાવવા બદલ એક અજાણ્યા સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંજપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા દિલીપભાઈ બાબુભાઈ વસરા નામના 25 વર્ષના યુવાન થોડા દિવસ પૂર્વે ભાણવડ તાબેના ધારાગઢ ગામની સીમમાં આવેલા રીન્યુ પાવર પ્લાન્ટ નામની સોલાર પ્લાન્ટની કંપનીના કોન્ટ્રાક્ટર સાથે કામ કરતા હોય, તેઓ તેમના નાનાભાઈ પ્રકાશભાઈ તથા અન્ય એક યુવાન રાજુભાઈ ગોંડલીયા સાથે મજૂરી કામે આવ્યા હતા.
તેઓને આ કામ દરમિયાન ધારાગઢ ગામના કેટલાક શખ્સો ધાક ધમકી આપીને પોતાના વાહનો ધોવડાવતા હોય, તેમના કોન્ટ્રાક્ટરે આમ કરવાની ના કહેતા શનિવારે સવારના સમયે ધારાગઢ ગામના સિક્યુરિટી મેનના ભાઈ એવા મામદ ઓસમાણ તથા હાજી હાસમ નામના બે શખ્સો ફરિયાદી દિલીપભાઈ પાસે પોતાનું મોટરસાયકલ ધોવડાવવા માટે આવ્યા હતા. જેથી તેઓએ આમ કરવાની ના કહી દીધી હતી.
આનાથી ઉશ્કેરાયેલા આરોપી અસગર ઓસમાણ શેઠા, મામદ ઓસમાણ શેઠા, હાજી હાસમ શેઠા તથા અને અન્ય એક અજાણ્યો શખ્સ મળી કુલ ચાર શખ્સો બે મોટરસાયકલમાં છરી, લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે ઘસી આવ્યા હતા.
આ શખ્સોએ ફરિયાદી દિલીપભાઈ તથા તેમના ભાઈ પ્રકાશભાઈને બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા દિલીપભાઈના ખિસ્સામાં રહેલું રૂપિયા 4,500 ની રોકડ રકમ ભરેલું પાકીટ આરોપી અસગર ઓસમાણે કાઢી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ બઘડાટીમાં ઘવાયેલા દિલીપભાઈ તથા પ્રકાશભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ પ્રકાશભાઈને વધુ સારવારની જરૂરિયાત જણાતા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ, મજૂરોએ ગાડી ધોવાની ના કહેતા આરોપી શખ્સોએ હથિયારો વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા મારી નાખવાની ધમકી આપી રૂપિયા 4,500 ની રોકડ રકમની લૂંટ ચલાવવા સબબ ભાણવડ પોલીસે દિલીપભાઈ બાબુભાઈ વસરાની ફરિયાદ પરથી ધારાગઢ ગામના અસગર ઓસમાણ, મામદ ઓસમાણ, હાજી હાસમ તથા અન્ય એક અજાણ્યા સામે આઇપીસી કલમ 397, 504, 506 (2), 34 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ભણવડના પી.એસ.આઈ. પી.ડી. વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે.