જામનગર શહેરમાં ભીમવાસ વિસ્તારમાં રહેતો યુવાન વિરલબાગ નજીક આવેલી દુકાને મસાલો લેવા ગયો હતો તે દરમિયાન બીડીના પૈસા ધરારથી દુકાનદારને આપતા સમયે બાજુમાં ઉભેલા શખ્સે યુવાન સાથે બોલાચાલી કરી અને ત્યારબાદ યુવાન ઉપર છરીના બે ઘા ઝીંકી ઈજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ભીમવાસ વિસ્તારમાં રહેતો અઝરુદીન પઠાણ નામનો મજૂરી કામ કરતો યુવાન ગત તા.21 ના રોજ મધ્યરાત્રીના સમયે વિરલબાગ પાસે આવેલી પાનની દુકાને મસાલો લેવા ગયો હતો તે દરમિયાન યુવાને એક બીડી લીધી હતી. જેના પૈસા દુકાનદાર લેતા ન હોવાથી યુવાન ધરાર પૈસા આપતો હતો. તે સમયે બાજુમાં ઉભેલા દિવ્યરાજસિંહ જાડેજા એ ‘એ ભાઈ શાંતિ રાખ’ તેમ કહેતા યુવાને ‘હું તમારી સાથે વાત નથી કરતો દુકાનદાર સાથે કરું છું.’ તેમ કહી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વિરલબાગના મેઈન ગેઈટ પાસે પહોંચ્યો ત્યારે પાછળથી આવેલા દિવ્યરાજસિંહે શર્ટનો કોલર પકડી અઝરુદીનને અપશબ્દો કહ્યા હતાં અને છરીનો ઘા ઝીંકી આંતરડામાં ગંભીર ઈજા તથા જમણા હાથમાં ઈજા પહોંચાડી ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલામાં ઘવાયેલા અઝરુદીનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ બી.બી.કોરીયાતર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ગંભીર ઘવાયેલા અઝરુદીનના નિવેદનના આધારે દિવ્યરાજસિંહ જાડેજા વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


