જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન 78 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગરના દિગ્વીજય પ્લોટ પાછળ આવેલા કાનાનગર વિસ્તારમાં ખંઢેર મકાનમાંથી સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન બે શખ્સોને રૂા.36000 ની કિંમતની 72 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. જામનગરની જી. જી. હોસ્પિટલમાં ગેઈટ પાસેથી પસાર થતા શખ્સને પોલીસે દારૂની ત્રણ બોટલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાછળના કૃષ્ણનગર શકિત સોસાયટીમાં રહેતાં યુવરાજસિંહ અનોપસિંહ ભટ્ટી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે રેઈડ કરી હતી અને તલાસી લેતા મકાનમાંથી રૂા.39,000 ની કિંમતની 78 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા નાશી ગયેલા યુવરાજસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 59-60 પાછળ આવેલા કાનાનગર વિસ્તારમાં મંદિર નજીકના ખંઢેર મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પીએસઆઈ બી.એસ.વાળા તથા સ્ટાફે રેઈડ દરમિયાન જયેશ ઉર્ફે કારો રમેશ નંદા અને કલ્પેશ ઉર્ફે કરણ હરીશ માઉ નામના બે શખ્સોને રૂા.36 હજારની કિંમતની 72 બોટલ દારૂ અને રૂા.200 નો મોબાઇલ મળી કુલ રૂા.36,200 ના મુદ્દામાલ સાથે બંને શખ્સોને દબોચી લઇ ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં આવેલી જી. જી. હોસ્પિટલના ગેઈટ નજીકથી પસાર થતા પ્રવિણ બાબુભાઈ પરમાર (રહે. રામેશ્વરનગર) નામના શખ્સે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે પ્રવિણની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં જામનગરના નવાગામ ઘેડમાં રહેતા પ્રદિપસિંહ જયરાજસિંહ જેઠવાની સંડોવણી ખુલતા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.