આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરૂપતિ મંદિરને નવા નાણાકીય વર્ષમાં 4,411 કરોડની કમાણી થવાનો અંદાજ છે. આંધ્રપ્રદેશના તિરૂપતિ જિલ્લામાં આવેલા તિરૂમાલામાં ભગવાન વેંકટેશ્ર્વરના આ મંદિરમાં દર્શન કરવા દર વર્ષે કરોડો ભક્તો આવે છે. આ મંદિરનું સંચાલન તિરૂપતિ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટના ચેરમેન વાયવી સુબ્બારેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિરના વાર્ષિક બજેટને તાજેતરમાં જ મંજૂરી મળી ગઈ હતી, પરંતુ એમએલસી ચૂંટણીમાં લાગેલી આચારસંહિતાના લીધે તે અટકાવાયું હતું. વર્તમાન નાણાકીય વર્ષના મુકાબલામાં નવા વર્ષનો આવક લક્ષ્યાંક 1,315 કરોડ રૂપિયા વધારે છે. આ વર્ષે આવકનો લક્ષ્યાંક 3,096 કરોડ રૂપિયા હતો. હવે તેમા વધારો થયો છે. રેડ્ડીએ જણાવ્યું હતું કે મંદિરમાં આવનારા તીર્થયાત્રીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોના કાળ પછી મંદિરને મળતા ચઢાવામાં વધારો થયો છે. કોરોના કાળ પહેલા મંદિરને વર્ષે લગભગ 1,200 કરોડ રૂપિયાનું દાન મળતું હતું. તેમા કોરોના દરમિયાન મોટાપાયે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મંદિરને મળતા વર્ચ્યુઅલ દાન અને જમા રકમમાં વ્યાજ પર કમી આવી હતી.
રેડ્ડીએ જણાવ્યું હતું કે અમને આ વર્ષે 900 કરોડના રોકડના ચઢાવાની આશા હતી, જે રકમ 1,588 કરોડ હોઈ શકે છે. આવામાં અમે નવા વર્ષમાં 1591 કરોડ રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમનું અનુમાન છે કે 990 કરોડની રકમ તો બેન્કોમાં જમા રકમના વ્યાજ પેટે જ મળી શકે છે. આ રીતે 500 કરોડ રુપિયાના પ્રસાદનું વેચાણ થઈ શકે છે. તેની સાથે સ્પેશ્યલ દર્શન ટિકિટથી 330 કરોડ રૂપિયાની કમાણી થવાનો અંદાજ છે. મંદિરને આ ઉપરાંત મંડપના ભાડા અને હોટેલમાં રોકાનારા લોકોના ભાડાં દ્વારા પણ 129 કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત મંદિરના વહીવટીતંત્ર દ્વારા કેટલુંક નિર્માણ પણ કરવામાં આવનાર છે. મંદિરના વહીવટી તંત્રના જણાવ્યા મુજબ 30 વધારાના લાડુ કાઉન્ટર બનાવવામાં આવશે, જેથી ભક્તોને ઝડપથી પ્રસાદ મળી શકે. તેના પર 5.25 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તમિલનાડુમાં વેંકટસ્વામી મંદિરના નિર્માણ પાછળ પણ 4.70 કરોડ રુપિયાનો ખર્ચ આવશે.