ધ્રોલ નજીક ખારવા ચોકડી પાસે આશાપુરા ટ્રાવેલ્સની ઓફિસની બહાર બુધવારે રાત્રીના સમયે ટ્રાવેલ્સ બસમાં પેસેન્જર ભરવા બાબતે આધેડ ઉપર 10 જેટલા શખ્સોએ લોખંડના પાઇપ, ધોકા વડે આડેધડ માર મારી છરી બતાવી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે પૂર્વ આયોજીત કાવતરુ રચી રાયોટીંગ અને ધમકીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વિશુભા રણુભા ગોહિલ (ઉ.વ.50) નામના આધેડને બુધવારે સાંજના સમયે જગતસિંહ નારુભા જાડેજા તથા સંજયસિંહ બળવંતસિંહ જાડેજા આધેડની ઓફિસ પાસે આવી ટ્રાવેલ્સ બસમાં પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી કરી ઝઘડો થયો હતો. ત્યારબાદ જગતસિંહ નારુભા જાડેજા તથા સંજયસિંહ બળવંતસિંહ જાડેજા, નિર્મળસિંહ ઉર્ફે નિરુભા બળવંતસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જગતસિંહ જાડેજા અને ચાર અજાણ્યા સહિતના 10 શખ્સોએ એક સંપ કરી આધેડ ઉપર લોખંડના પાઇપ, ધોકા વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ અરવિંદસિંહ ઉપર પાઈપ વડે અને ધોકા વડે હુમલો કર્યો હતો તથા રાજેન્દ્રસિંહ જાડેજાને ઢીકાપાટુનો માર મારી છરી બતાવી ધમકી આપી હતી.
પેસેન્જર ભરવા બાબતે થયેલા ડખ્ખામાં 10 શખ્સોએ વિશુભા ગોહિલ, રાજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહને ઈજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને વિશુભાના નિવેદનના આધારે 10 શખ્સો વિરૂધ્ધ પુર્વ આયોજીત કાવતરુ રચી રાયોટીંગ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.