ધ્રોલ ગામમાં જોડિયા રાજકોટ રોડ પરના રહેણાંક વિસ્તારમાં વીજ કનેકશન કાપવા તથા વીજ મીટર જમા કરવાની કાર્યવાહી કરવા ગયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેરને બે શખ્સોએ લાકડી ધારણ કરી ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી તેમજ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં જોડિયા રાજકોટ રોડ પરના રહેણાંક વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનનું વીજકનેકશન કાપવા તેમજ વીજ મીટર જમા લેવાની કાર્યવાહી કરવા ગયેલા પીજીવીસીએલના નાયબ ઈજનેર રાકેશભાઈ ઠકરાર તથા સ્ટાફને મંગળવારે બપોરના સમયે કાનજી લાલજી પઢીયાર અને ગોવિંદ લાલજી પઢીયાર નામના બે શખ્સોએ લાકડી ધારણ કરી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હતી. તેમજ મારી નાખવાની તથા એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. ફરજ દરમિયાન બે શખ્સો દ્વારા અપાયેલી ધમકી અંગેની જાણ કરતા પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે નાયબ ઈજનેર રાકેશભાઈના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.