જામનગર શહેર અને જિલ્લા સહિત રાજ્યમાં ધો.10 અને ધો.12 ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ ચાલી રહી છે. આ પરીક્ષા દરમિયાન જામનગરમાં આ વર્ષે એક માત્ર કોપીકેસ નોંધાયો હતો. જયારે જામજોધપુરમાં મંગળવારે ધો.12 નો વિદ્યાર્થી પ્રતિબંધિત મોબાઇલ સાથે ઝડપાતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ગુજરાત રાજ્યમાં ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ ચાલી રહી છે અને હવે પરીક્ષા પુર્ણ થવાના આરે છે. ત્યારે જામજોધપુરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલના બ્લોક નં.24 માં મંગળવારે ધો.12 ની પરીક્ષામાં જીણાવાડી ગામનો સંદિપ ગોવિંદભાઈ પીપરોતર (ઉ.વ.18) નામનો વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં પ્રતિબંધિત એવો મોબાઇલ લઇને આવ્યો હતો અને પરીક્ષા દરમિયાન એકાએક મોબાઇલની રીંગ વાગતા સુપરવાઈઝર બીરજુભાઈ કનેરીયા એ વિદ્યાર્થી પાસેથી મોબાઇલ ફોન કબ્જે કરી પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે હેકો આર.એચ.કરમુર તથા સ્ટાફે વિદ્યાર્થી વિરુધ્ધ કલેકટરના જાહેરનામા ભંગ હેઠળ મોબાઇલ કબ્જે કરી વિદ્યાર્થી વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.