હાલમાં દેશમાં વાતાવરણે જોરદાર પલટો લીધો છે. દેશભરમાં અનેક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થતો જોવા મળે છે. આજે પણ સવારથી અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણી જગ્યાએ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એવામાં સપનાની નગરી મુંબઈની વાત કરવામાં આવે તો ત્યાં પણ સાવરથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગે આજે અને આવતીકાલ માટે એલર્ટ જાહેર કરી દીધું છે.
તો બીજી તરફ ઉત્તર પશ્ચિમમાં ઘણી જગ્યાએ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. માત્ર મુંબઈ જ નહીં, દેશના અલગ-અલગ 12 રાજ્યોમાં આજે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે, પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેશમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ કારણે ખેડુતોમાં ચિંતાનો વધારો થયો છે. વરસાદ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કરા પડવાથી ઘઉં સહિત રવિ પાકને થોડું નુકસાન થયું છે. જો કે, રાજ્યો પાસેથી રિપોર્ટ મેળવવાનો બાકી છે. કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ આ બાબતે જણાવ્યું કે રાજ્ય સરકારો સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડના ભંડોળનો ઉપયોગ કરી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જે પણ નુકસાન થયું છે. અમે રાજ્ય સરકારો તરફથી નુકસાન અંગેના રિપોર્ટ મળ્યા નથી. જો રાજ્ય સરકારો નુકસાન અંગેના મૂલ્યાંકન કરાવ્યા બાદ તેના રિપોર્ટ જમા કરાવશે, તો કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય આપત્તિ રાહત ફંડ હેઠળ વળતર આપશે.