રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાડ ગામમાં રહેતા યુવાન મિત્રો દ્વારકાધિશના દર્શન કરવા આવતા હતાં તે દરમિયાન તેમની કાર ધ્રોલ નજીક પહોંચી ત્યારે ચાલકે કાર ફૂલસ્પીડમાં રોડની લેન બદલાવવા જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ પરથી ઉતરીને 50 ફુટ ફંગોળાઈને પલ્ટી ખાઈ જતા ત્રણ યુવાનોને ઇજા જયારે એક યુવાનનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના પાડ ગામમાં રહેતા મહેશભાઈ મોમભાઈ ટારિયા સહિતના ચાર મિત્રો રાજકોટથી દ્વારકા દર્શન કરવા માટે આવતા હતાં ત્યારે શનિવારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં જીજે-10-ડીએ-1919 નંબરની કાર યુવરાજ હિમ્મતભાઈ દાસોદિયા નામનો યુવાન ચલાવતો હતો તે સમયે ધ્રોલ પાસે રાધે ક્રિષ્ના હોટલ નજીક પહોંચ્યા ત્યારે કાર ફુલસ્પીડે જામનગર તરફ આવી રહી હતી અને ચાલકે રોડની લેન બદલવા ડાબી સાઈડમાં લેવા જતા એકાએક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર ડાબી બાજુથી સરકીને રોડની નીચે ઉતરી ગઈ હતી. અને સ્પીડ વધુ હોવાના કારણે 50 ફુટ જેટલી ફંગોળાઈને ખેતરમાં પહોંચી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર મહેશભાઇ તેના મિત્ર હાર્દિકભાઇ અને ચાલક યુવરાજને નાની મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે વિવેકભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ચારેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન વિવેકભાઇનું મોત નિપજ્યું હોવાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો ડી.પી.વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મહેશભાઈના નિવેદનના આધારે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.