ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા વિસ્તારમાં રહેતા એક પરિવારનો 11 વર્ષનો પુત્ર ગત તારીખ 2 મે 2021ના રોજ રોજ દરણું દળાવવા માટે અને દરણાનો હિસાબ કરવા માટે એક આસામીની લોટની ઘંટી ગયો જતો હતો ત્યાં વચ્ચે રહેતા ભાવેશ પાલા પરમાર નામના 34 વર્ષના દેવીપુજક શખ્સનું મકાન આવતું હોય આ શખ્સે તરૂણના મોઢે મુંગો દઈ અને પોતાના મકાનમાં લઈ ગયા બાદ રૂમમાં તરૂણ ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.
ત્યાર બાદ આરોપી સુઈ જતા મોકો મળવાથી ભોગ બનનાર તરૂણ પોતાના ઘરે ચાલ્યો જઈ અને પિતાને આ બનાવ અંગેની જાણ કરી હતી. જેથી ફરિયાદી પિતાએ આરોપી ભાવેશ પાલા પરમાર વિરુધ્ધ મીઠાપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 363 તથા 377 અને પોકસો એક્ટ ઉપરાંત એટ્રોસિટી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. જે સંદર્ભે એસ.સી.-એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સરડાની તપાસમાં ભોગ બનનાર તથા આરોપીની મેડિકલ તપાસણી બાદ ચાર્જ સીટ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ દ્વારકાના એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં કુલ 15 સાક્ષીઓની તપાસ અને ફરિયાદી, ભોગ બનનાર, તથા મેડિકલ ઓફિસરની જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા કરવામાં આવેલી વિવિઘ દલીલોને ધ્યાનમાં રાખીને દ્વારકાના સ્પેશિયલ પોક્સો જજ પી.એચ. શેઠ દ્વારા આરોપી ભાવેશ પાલા પરમારને પોક્સો એક્ટની કલમ હેઠળ તકસીરવાન ઠેરવીને વીસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 ના દંડની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગ બનનારને વિકટીમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ રૂ. ત્રણ લાખ ચૂકવવા માટે પણ હુકમ કર્યો હતો.