બજેટ સત્ર દરમિયાન જામજોધપુર વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ખેડૂત નેતા હેમંતભાઈ ખવાએ કૃષિ, પશુપાલન અને ડેરી વિકાસ વિભાગની માંગણીઓ અંગે પોતાના વિચારો વિધાનસભામાં રજૂ કર્યા હતા. જેમાં વિશાળ ખેડૂત હિતને ધ્યાને લઈને સુધારા વધારા અને કૃષિલક્ષી સહાયની રકમમાં વધારો કરવા જણાવ્યું છે. જેમાં ગત વર્ષના કૃષિ બજેટ કરતા આ વખતે અઢી ગણુ એટલે કે રૂપિયા 21,605 કરોડનુ કૃષિ બજેટ લાવવા બદલ કૃષિ મંત્રીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા. બાદમાં જણાવ્યું કે બજેટ અઢી ગણું કર્યા પછી પણ જો ગુજરાતના કૃષિ બજેટની પંજાબ કે જયાં આમ આદમી પાર્ટીની સરકાર છે. તેની સાથે સરખામણી કરીએ ગત વર્ષે પંજાબ સરકાર દ્વારા ટોટલ બજેટના 9.5 ટકા રકમ કૃષિ બજેટમાં ફાળવી હોવાનું જાણવા મળે છે. જયારે આપણા રાજ્ય ગુજરાતમાં માત્ર 7.5 ટકા એટલે કે પંજાબ કરતા પણ 2 ટકા ઓછી છે તો બજેટ અઢીગણું કરવા છતાં પણ ટોટલ બજેટમા કૃષિક્ષેત્રે માત્ર 7.5 ટકા જેટલી જ ફાળવણી કરવામાં આવી હોવાનું જણાય છે.
વધુમાં ગત વર્ષે કૃષિક્ષેત્રમાં 875ર કરોડની જોગવાઈ કરાયા બાદ પણ માત્ર 7124 કરોડ રૂપિયા જ ખર્ચ કરાયો છે જે વાસ્તવિકતા છે. કૃષિ ક્ષેત્ર વિકાસ ઝંખતું હોવા છતાં સ્ટાફની અછત અને આયોજનના અભાવને પાપે 19 ટકા જેટલી કૃષિ બજેટની રકમ વણવપરાયેલી રહી છે. હવે આ વખતે બજેટ લગભગ અઢી ગણુ કરાયું છે. પરંતુ સવાલ એ છે કે ગતવર્ષની જેમ આ વર્ષે પણ સ્ટાફની ઘટના કારણે બજેટ પૂરું વપરાશે કે કેમ? સવાલ છે.
ખેડૂત નેતા હેમંતભાઈ ખવાએ સરકારને અરીસો બતાવતા કહ્યું કે જામનગર જિલ્લામાં ખેતીવાડી વિભાગનું કામ કરતા ગ્રામ સેવકની 73 જગ્યા પૈકી 26 જેટલી ગ્રામ સેવકની જગ્યા ખાલીખમ છે. પરિણામે યોજનાઓનો ધર્યો પ્રચાર, પ્રસાર અને વિકાસ થતો નથી આથી ખેતીક્ષેત્રની વિવિધ યોજનાઓ ખેડૂત સુધી પહોચતી નથી અને ધરતીપુત્રો તેના લાભથી વંચિત રહી જાય છે.
મંત્રી સમક્ષ પોતાનું સૂચન મુકી માંગ ઉઠાવતા ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ કહ્યું કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.જેમાં ડ્રો કરીને પસંદગી પામેલા ખેડૂતોને જ આ લાભ અપાઈ રહ્યો છે. જેમાં સુધારાની તાતી જરૂરિયાત છે. જેથી આ વખતે ટ્રેક્ટર કે અન્ય કોઈ ખેત ઓજાર ખરીદવા માંગતા ખેડૂતોને સહાય આપવામાં આવે અને જે ટ્રેક્ટર ખરીદી પર માત્ર 60,000 રૂપિયા જ નહિ તે અઢી ગણી વધારી ને 1,50000 કરવામાં આવે તેવી રજુઆત કરી છે. ઉપરાંત ખેડૂત અકસ્માત વીમા યોજનામાં અકસ્માતે કોઈ ખેડૂતનું મૃત્યુ થાય તો ખેડૂતોને જે માત્ર 2 લાખ રૂપિયા જ સહાય મળે છે. તો મોંઘવારીના આ યુગમાં તેમાં વધારો કરીને 5 લાખ રૂપિયા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવી છે.
સાથે સાથે કલાઇમેન્ટ ચેન્જના કારણે ખેડૂતો પર અતિવૃષ્ટિ, દુષ્કાળ કે કમોસમી વરસાદનું સંકટ મંડરાઇ રહ્યું છે તો જૂની જે પાકવીમા યોજના હતી તે આવતા વર્ષથી ચાલુ કરવામાં આવે અને પાકવીમા યોજના જ્યારથી બંધ કરવામાં આવી આપણે અપૂરતા સ્ટાફને કારણે અને મોટાભાગના ગામોમાં વરસાદ માપવાના કે પવનની ગતિ માપવાના પૂરતા સાધનો ન હોવાથી વરસાદના કે પવનના સાચા અને સચોટ આંકડા મળતા નથી. પરિણામેં ખરેખર અસરગ્રસ્ત ખેડૂતો લાભથી વંચિત રહી જાય છે.
ઉપરાંત મોંઘવારીના આ કાળમાં રસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના ભાવો લગભગ ડબલથી પણ વધારે થઈ આસમાનને આંબી રહ્યા છે. ત્યારે સરકાર દ્રારા ખેડૂતોને જે ત્રણ લાખ રૂપિયાના પાક ધિરાણ ઉપર વ્યાજ રાહત આપવામાં આવે છે તે વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવે તે આવશક્ય બન્યું છે. એટલું જ નહીં સરકાર દ્વારા વ્યાજ સહાય સમયસર ન મળતા ખેડૂતોને તો વ્યાજ સહીત પૈસા જ ભરી નુકસાન ભોગવવાનો વારો આવે છે તો આ સહાય પણ સમયસર ચૂકવવી જરૂરી બની છે. ખેડૂત જયારે ધિરાણ ભરવા જાય ત્યારે વ્યાજ રાહત પેટે મળતી રકમ ન ભરવી પડે. તેવી વ્યવસ્થા ઉભી કરવા પણ માંગ કરાઈ છે. આપણું અર્થતંત્ર કૃષિ આધારિત હોય ત્યારે કૃષિનો વિકાસ, ખેડૂતોની માવજત એ આપણા માટે એક મહત્વનો મુદો રહેવો જોઈએ. છેલ્લા ઘણા સમયથી જે નીતિ ઉપર ચાલવામાં આવી રહ્યું છે એમાં સ્પષ્ટ દેખાય છે કે ઉદ્યોગો પાછળની જે આંધળી દોટ સરકારે મૂકી છે એ આંધળી દોટમાં કૃષિ અને ખેતીની આ સરકાર દ્વારા સદંતર ઉપેક્ષા કરવામાં આવી છે એટલે આ માંગણીઓને ટેકો આપી શકતો નથી. તેમ અંતમાં ધારાસભ્ય હેમંતભાઈ ખાવાની યાદીમાં જણાવાયું છે.


