જામનગર શહેરમાં લાલપુર બાયપાસ નજીકથી પસાર થતા તસ્કરને ચોરાઉ બાઈક અને ત્રણ મોબાઇલ ફોન સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર નજીક લાલપુર બાયપાસ ચોકડી તરફથી ચોરાઉ એકટીવા સાથે શખ્સ પસાર થવાની હેકો શૈલેષ ઠાકરીયા, પો.કો. મહેન્દ્ર પરમાર, યોગેન્દ્રસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન બાતમી મુજબનો સફેદ કલરનો ટીશર્ટ અને મેંદી કલરનું પેન્ટ પહેરેલ શખ્સ પસાર થતા પોલીસે જીજે-10-સીકયુ-5958 નંબરના એકટીવા ચાલક અને અગાઉ ચોરીમાં સંડોવાયેલા શખ્સને આંતરીને પૂછપરછ કરતાં હુશેન ઉર્ફે ટાઈગર ફારુક પટેલ નામના શખ્સે એકટીવા ચોરાઉ હોવાની કેફીયત આપી હતી.
જેના આધારે પોલીસે રૂા.30 હજારની કિંમતની એકટીવા મોટરસાઈકલ કબ્જે કર્યુ હતું અને હુશેન પાસેથી 3 મોબાઇલ મળી આવતા પોલીસે રૂા.30 હજારની કિંમતના બે મોબાઇલ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી કુલ રૂા.60 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.