જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતા યુવાન સાથે મહારાષ્ટ્રીયન યુવતીના લગ્ન કરાવી દીધા બાદ યુવતી ફરાર થઈ જતાં યુવતી અને લગ્ન કરાવનાર ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં એક મહિના પહેલાં કરેલી અરજી બાદ પણ પોલીસ દ્વારા કોઇ કારણસર ફરિયાદ નોંધવામાં બેદરકારી દાખવામાં આવી રહી છે.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતાં સુભાષ ભગવાનજી કોટડીયા (ઉ.વ.44) નામના ખેતી કરતા યુવાનના લગ્ન થતા ન હોવાથી યુવાન લગ્ન માટે મોટી ગોપના ઈશા ગુલમામદ ધુધા અને તેની પત્ની અલુબેન સાથે વાતચીત થયા બાદ આ દંપતીએ યુવાનને રાજકોટ લઇ જઈ મહારાષ્ટ્રના નાગપુરમાં રહેતી રાણીબેન ગાયકવાડ નામની અપરિણીત યુવતી સાથે પરિચય કરાવ્યો હતો અને તે સમયે યુવતીની બેન રીયા અજયસિંહ અને બનેવી સોઢા અજયસિંહ પણ સાથે હતાં. ત્યારબાદ મોટી ગોપના દંપતીએ યુવાનને નાગપુરની યુવતી સાથે લગ્ન કરવા હોય તો રૂા.1,70,000 આપવા પડશે તેવું વાતચીત દરમિયાન કહ્યું હતું. પૈસા આપવા માટે તૈયાર થઈ જતાં સુભાષ સાથે રાણીબેન ગાયકવાડ નામની યુવતી સાથે લગ્ન કરાવી દીધા હતાં.
યુવાને નકકી કરેલી રકમ પૈકીના રૂા.30 હજાર લગ્ન કરાવનાર ઈશા ધુધા અને તેની પત્ની અલુબેનને આપ્યા હતાં. ત્યારબાદ બાકીની રકમ પણ સુભાષે ચુકવી દીધી હતી. જો કે, લગ્નના ચાર – પાંચ દિવસ પછી યુવતીના સગાનો ફોન આવ્યો હતો અને તેણીની માતાને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જણાવી નાગપુર બોલાવી હતી. જેથી યુવતી તેનો સામાન લઇને નાગપુર ગઇ હતી. ત્યારબાદ યુવતીએ તેની માતાની તબિયત ખરાબ હોવાનું કહી પતિ સુભાષને નાગપુર બોલાવ્યો હતો અને ત્યાં સુભાષ પાસેથી વધુ રૂા.30 હજારની માંગણી કરી હતી. પરંતુ સુભાષ પાસે પૈસા ન હોવાથી યુવતીના સગાઓ દ્વારા ધમકી આપી છૂટાછેડા માટે દબાણ કરવામાં આવ્યું હતું. નાગપુરથી મહામુસીબતે સુભાષ પોતાનો બચાવ કરીને બગધરા આવી ગયો હતો. અને ત્યારબાદ યુવતીની તપાસ કરી હતી.
જેમાં યુવતી રાણીબેનના અગાઉ રાજકોટમાં રહેતા વિજય વાઘેલા નામના યુવાન સાથે લગ્ન થયા હતાં અને યુવતી પરિણીતા હોવાનું ખૂલ્યું હતું. યુવાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે ગત ફેબ્રુઆરી 7 ના રોજ જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં યુવતી રાણીબેન વિજય ગાયકવાડ, સોઢા અજયસિંહ ભીખુભા, રીયાબેન અજયસિંહ સોઢા અને લગ્ન કરાવનાર ઈશા ગુલમામદ ધુધા, અલુબેન ઈશા ધુધા તથા અજાણી મહિલા સહિતના છ શખ્સો વિરૂધ્ધ છેતરપિંડી તથા વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ કરવા અરજી કરી હતી. એક મહિના કરતા વધુ સમય થયો હોવા છતાં શેઠવડાળા પોલીસ દ્વારા કોઇપણ કારણસોર છેતરપિંડી આચરનારાને છાવરવા માટે ફરિયાદ નોંધવામાં આવી ન હતી અને તપાસ કરવામાં આવી ન હોવાનો યુવાન દ્વારા આક્ષેપ કરાયો હતો.