ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા અબ્દુલભાઈ ઈબ્રાહીમભાઇ શેઠા નામના 39 વર્ષના યુવાને અજમેર પીરની ટેકરી વિસ્તારમાં રહેતા અયુબ મામદ ગજ્જણ નામના શખ્સને થોડા સમય પૂર્વે રૂપિયા 30,000 હાથ ઉછીના આપ્યા હતા. જે રકમ આરોપી અયુબ પરત આપવા ન માંગતો હોય, તેણે ગત તારીખ આઠમી ફેબ્રુઆરીના રોજ દવા પીને આપઘાત કરવાનો કથિત રીતે ખોટો પ્રયાસ કર્યો હતો અને તેને હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ તે સ્વસ્થ થયો હતો.
આ અંગે તેણે વિડીયો બનાવી અને ન્યૂઝ ચેનલમાં વાયરલ પણ કરાવી ફરિયાદી અબ્દુલ ઇબ્રાહીમ સામે કથિત રીતે ખોટા આક્ષેપો પણ કર્યા હતા. ત્યાર બાદ સમાધાન કરવા માટે અયુબે અબ્દુલ પાસેથી બીજા રૂપિયા 50,000 ની માંગણી કરી હતી. ગઈકાલે સોમવારે ફરિયાદી અબ્દુલ તથા તેમના મિત્ર દિલીપસિંહ પ્રતાપસિંહ જાડેજા રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા સરકારી ગોડાઉન વાળી ગલીમાં બેઠા હતા, ત્યારે ત્યાં આવી અને અયુબે બિભત્સ ગાળો કાઢી, “તું મારી પાસે જે રૂપિયા માંગે છે, તે ભૂલી જજે અને બીજીવાર જો રૂપિયા માંગીશ તો તારા ટાટીયા ભાંગી નાખીશ. તને જાનથી મારી નાખીશ. હું તો ફરીથી દવા પીને આત્મહત્યા કરી લઈશ અને તારું નામ લખાવી દઈશ. તું જે રૂપિયા માંગે છે તે રૂપિયા તો આપવા નથી પણ જો તારે સમાધાન કરવું હોય તો રૂપિયા 50,000 આપી જજે” તેવી ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આમ, અવારનવાર બળજબરીપૂર્વક ફરિયાદી ઉપર દબાણ લાવીને આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે રૂપિયાની માંગણી કરી અને પોતે ખોટી રીતે દવા પીવાનું નાટક કરી, તેમાં ફરિયાદીનું નામ લખાવી, હેરાન પરેશાન કરવા સબબ અબ્દુલ ઇબ્રાહીમ શેઠાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે અયુબ મામદ ગજ્જણ સામે આઈ.પી.સી. કલમ 389, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણની વધુ તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી ચલાવી રહ્યા છે.