જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પોલીસ દ્વારા દારૂ વેચાણની પ્રવૃત્તિઓ પર કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન છ બુટલેગરો દારૂની ગેરકાયદે પ્રવૃતિ સાથે વીજ ચોરી પણ કરતાં હોવાનું સામે આવ્યું છે. પોલીસે કુલ 9 બુટલેગરો સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધ્યો છે. જે પૈકી છ સામે વીજ ચોરી સંબંધિત કાર્યવાહી પણ વીજ કંપની દ્વારા કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં દારૂ વેચાણની પ્રવૃત્તિ કડક હાથે ડામી દેવાની એસપી પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર ડીવાયએસપી ડીપી વાઘેલા તથા ધ્રોલના સર્કલ ઇન્સ્પેકટર ડી.કે. ચૌધરીની સૂચનાથી જોડિયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જોડિયા પોલીસની ટુકડી દ્વારા ગેરકાયદે દારૂ વેચાણની પ્રવૃત્તિ કરતાં બુટલેગરો પર ધોસ બોલાવવામાં આવી હતી. જેમાં જોડિયાના દલનો વાસમાં રહેતી બે મહિલાઓ ઉપરાંત નાનો વાસ મોટો વાસમાં રહેતાં અનવર મુસા, અસગર ઇલિયાસ, રમઝાન ઉર્ફે રમજુ અસગર છરેચા, નુરમામદ સિદીક છરેચા, દિનેશપરી મગનપરી ગોસાઇ, એઝાજ જુનુસ ઇબ્રાહિમ સાયચા તથા હનીફ ઇબ્રાહિમ રાધાનો સમાવેશ થાય છે. આ તમામ બુટલેગરોના મકાનોની તલાશી લેવામાં આવી હતી. જો કે, દરોડા દરમ્યાન કોઇ દારૂનો જથ્થો મળી આવ્યો ન હતો. પરંતુ આ 9 પૈકી, 6 શખ્સો નુરમામદ સિદીક, દિનેશપરી મગનપરી, બે મહિલાઓ, હુશેન ઉર્ફે હનીફ તથા એજાઝ ઉર્ફે જુનુસને ત્યાં વીજ ચોરી કરવામાં આવતી હોવાનું માલૂમ પડતાં આ અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી. વીજ કંપનીની બે ટુકડીઓને પણ સાથે રાખીને રેઇડની કામગીરી કરવામાં આવી હતી. વીજ ચોરી કરતાં પકડાયેલા તમામ 6 ઇસમો સામે વીજ કંપની દ્વારા વીજ ચોરી અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી જોડિયા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટર આરડી ગોહિલ તથા સ્ટાફના કે.કે. જાટિયા, ભારતીબેન, નિકીતાબા, સંજયભાઇ, આર.એમ. ગઢવી, મેહુલભાઇ, અશોકસિંહ, દેવેન્દ્રસિંહ, કુલદિપસિંહ, જે.કે. મકવાણા, એન.વી. જાડેજા, વી.વી. બકુત્રા, ભવદિપભાઇ વગેરે દ્વારા કરવામાં આવી હતી.