લાલપુર ગામમાં આવેલા સાનિધ્યપાર્કમાં રહેતી યુવતીના પિતાના મૃત્યુના કારણે ગુમસુમ રહેતી હતી દરમિયાન તેણીને સગપણ કરવાનું કહેતા મનમાં લાગી આવતા તેના ઘરે ચૂંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતાં યુવાનને ત્રણ દિવસથી શરદી-ઉધરસ અને તાવ દરમિયાન આંચકી ઉપડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ લાલપુર ગામમાં સાનિધ્યપાર્કમાં રહેતી ધાર્મીકીબેન મકવાણા (ઉ.વ.19) નામની યુવતીના પિતાનું 14 વર્ષ અગાઉ કેન્સરની બીમારીમાં મૃત્યુ થયું હતું. પિતાના મૃત્યુ બાદ ગુમસુમ રહેતી યુવતીને સગપણ કરવાનું કહેતા મનમાં લાગી આવતા શનિવારે સાંજના સમયે તેણીના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકની માતા નીતાબેન મકવાણા દ્વારા જાણ કરાતા હેકો એન.પી.વસરા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં રહેતાં હરેશ પરષોતમભાઈ બુસા (ઉ.વ.38) નામના ખેડૂત યુવાનને છેલ્લાં ચાર-પાંચ દિવસથી તાવ-શરદી-ઉધરસ થવાથી કાલાવડની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની તબીયત લથડતા અને શરદી-ઉધરસના કારણે આંચકી ઉપડતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની નિલેશભાઇ દ્વારા જાણ કરાતા એએસઆઈ જે.આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.


