જામનગર શહેરમાં ગુલાબનગર દયાનંદ સોસાયટી શેરી નં.2 માં રહેતાં લુહાર યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. કાલાવડમાં શિતલા કોલોનીમાં રહેતાં વૃદ્ધા તેના ઘરે સીડી પરથી ઉતરતા સમયે પડી જતા રાજકોટની સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં દયાનંદ સોસાયટી શેરી નં.2 માં રહેતાં નિખીલ પ્રકાશભાઈ પઢારીયા (ઉ.વ.27) નામના લુહાર યુવાને શનિવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં બેશુદ્ધ થઈ ગયો હતો. આ અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તેમણે યુવાનનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા પ્રકાશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી.અસારી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
બીજો બનાવ, કાલાવડ ગામમાં શિતલા કોલોનીમાં રહેતાં સવિતાબેન ભાણાભાઈ લીલાપરા (ઉ.વ.70)નામના વૃધ્ધા ગત તા.24 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે તેના ઘરે સીડી પરથી ઉતરતા હતાં ત્યારે અકસ્માતે પડી જતાં માથામાં તથા હાથમાં ઈજા પહોંચી હતી. બાદમાં ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગત શનિવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ભાણાભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી. ડી. ઝાપડીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.