ખંભાળિયામાં રહેતો એક યુવાન સાયકલ પર પોતાનો મોબાઈલ ફોન લઈને દુકાને જઈ રહ્યો હતો, ત્યારે બાઈક પર ધસી આવેલો એક શખ્સ તેમનો મોબાઈલ ફોન ઝુંટવીને નાસી જતા ખંભાળિયા પોલીસે તાકીદની કાર્યવાહી કરી, સલાયાના મુસ્લિમ શખ્સને દબોચી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરી સામે ડો. રાડીયા સાહેબ વારી ગલીમાં રહેતા જીગ્નેશભાઈ મનસુખભાઈ ચોપડા નામના 38 વર્ષના યુવાન શનિવારે બપોરે આશરે ત્રણેક વાગ્યાના સમયે પોતાના ઘરેથી જમીને દુકાને સાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે તાલુકા પંચાયત કચેરી પાસે પહોંચતા સાઇન મોટરસાયકલ પર ધસી આવેલા આશરે 20 થી 25 વર્ષના એક શખ્સે જીગ્નેશભાઈના હાથમાં રહેલો રૂપિયા 15,000 ની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધા બાદ તેમને ધક્કો મારી, પછાડીને નાસી છૂટ્યો હતો.
આ બનાવ બનતા ખંભાળિયા પોલીસે જીગ્નેશભાઈ ચોપડાની ફરિયાદ પરથી ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જે સંદર્ભે અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ખીમભાઈ કરમુર તથા તેમની ટીમે તાકીદની કામગીરી કરી, અત્રે ચાર રસ્તા વિસ્તારમાંથી રાત્રિના દોઢેક વાગ્યાના સમયે સાઈન મોટરસાયકલ પર પસાર થતા સલાયાના રહીશ સિરાજ સાલેમામદ સંઘાર નામના 23 વર્ષના શખ્સની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત મોબાઇલ ફોન ઝૂંટવીને નાસી ગયો હોવાની કબુલાત આપી હતી. જે સંદર્ભે પોલીસે ધોરણસર કાર્યવાહી કરી હતી.