દ્વારકા ખાતે વિશ્વ કલ્યાણ અર્થે યોજાઇ રહેલા શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા.
દેવભૂમિ દ્વારકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રવિવારે આગમન થતાં દ્વારકાના હેલીપેડ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર એમ.એ. પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, અધિક નિવાસી કલેકટર ભૂપેષ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.આર. પરમાર, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિતના અગ્રણીઓ તથા અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ કલ્યાણ અર્થે યોજાયેલા નવ કુંડી મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ આપણે જી-20 સમિટની યજમાની કરી રહ્યા છીએ. તેમાં પણ વસુધૈવ કુટુંબકમની થીમ રહેલી છે. આ જ સમયે દ્વારકામાં વિશ્વ કલ્યાણ માટે મહાયજ્ઞ યોજાય રહ્યો છે. તેમાં પણ બહુજન સુખાય બહુજન હિતાય સહિત સર્વના કલ્યાણની ભાવના રહેલી છે. તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
સર્વના કલ્યાણની પ્રાર્થના એ આપણી ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે તેમ જણાવી આધ્યાત્મિક ચેતનાને સામાજિક અને લોકસેવાની ચેતના સાથે જોડીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે આગળ વધવું છે. એમ તેમણે ઉમેર્યું હતું.
ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં દ્વારકા કોરિડોરની કામગીરીની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ ગુજરાતના તીર્થ અને પ્રવાસન સ્થળોના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે- તેમ પણ વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં 1008 મહંત માધવાચાર્યજી મહારાજ, શ્રી લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞના સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે દ્વારકા હોટેલ એસોશીએશન, વેપારી એસોશીએશન, દ્વારકાધીશ મંદિર પૂજારી તેમજ બ્રહ્મ સમાજ, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોશીએશન દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેન્ટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક અને મેઘજીભાઈ ચાવડા, મહંત નરસિંહદાસજી મહારાજ, જગતગુરુ મહંત અયોધ્યાચાર્યજી મહારાજ હરિદ્વાર, મહંત 1008 દિલીપદાસજી મહારાજ વિગેરે સાથે કલેકટર એમ.એ. પંડ્યા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી, ધન્યતા અનુભવી હતી. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા ગુજરાત રાજ્ય પર બની રહે તેવી પ્રાર્થના કરી, પાદુકા પૂજન પણ કર્યું હતું.