ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (જી.એસ.એફ.એ.)ના પ્રમુખ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ અમદાવાદમાં રાષ્ટ્રીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમની યજમાની કરી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો. નથવાણીએ 33 ખેલાડીઓની ટીમ, કોચ તથા મેનેજરનું અભિવાદન કર્યું હતું. તેમણે મહિલા ફૂટબોલ ટીમને આંતર્રાષ્ટ્રીય રમતના અનુભવ માટે શુભેચ્છા પાઠવી હતી. ભારતીય વરિષ્ઠ મહિલા ટીમ તેમના કેમ્પની સમાપ્તિ બાદ 16મી માર્ચ, 2023ના રોજ અમદાવાદથી નિકળીને માર્ચના અંતમાં બે મૈત્રી મેચ રમવા માટે જોર્ડન અને પછી એક મેચ રમવા ઉઝબેકીસ્તાનની મુલાકાત લેશે. ત્યારબાદ, ટીમ એપ્રિલની શરૂઆતમાં કિર્ગીસ્તાનમાં ઓલમ્પિક ક્વોલિફાયર માટેની બે મેચ રમશે. જી.એસ.એફ.એ. પ્રમુખ નથવાણીએ ગુજરાતના અમદાવાદમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.)ની રાષ્ટ્રીય વરિષ્ઠ મહિલા ફૂટબોલ ટીમનો કોચિંગ કેમ્પ યોજવા બદલ ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરીટી (જી.એસ.એ.)નો આભાર માન્યો હતો. ટીમ ફરીથી કોચિંગ કેમ્પ માટે ગુજરાત આવે તેવી શક્યતા છે. આ પ્રસંગે જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ અરુણસિંહ રાજપૂત, સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમા અને કારોબારી સમિતિના સભ્યો દિવ્યરાજસિંહ રાણા તથા શપથ શાહ ઉપસ્થિત રહ્યા હતા