જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા નજીકથી બુધવારે સાંજના સમયે 30 ટન કોલસી ભરેલા ટ્રક ચાલકને આંતરીને ચાર શખ્સોએ માર મારી 24 લાખના ટ્રક સહિતની લૂંટ ચલાવ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
લૂંટના બનાવની વિગત મુજબ, જામનગરના બેડી વિસ્તારમાં રહેતાં ઈસુબભાઈ સાંધાણી નામનો ડ્રાઈવિંગ કરતો વાઘેર યુવાન બુધવારે સાંજના સમયે જીજે-10-ટીએકસ-4523 નંબરના ટ્રકમાં 30 ટન કોલસી ભરી જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા પાસેથી પસાર થતો હતો તે દરમિયાન યશ ઉર્ફે ડાડો ગોસ્વામી અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી ટ્રકને આંતરી લીધો હતો અને ચાલક ઈસુબ સાંધાણી નામના યુવાનને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી 30 ટન કોલસી ભરેલ 24 લાખની કિંમતના ટ્રકની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં. ટ્રક લુંટના બનાવ બાદ ચાલક દ્વારા જાણ કરાતા પીએસઆઈ વાય.ડી.રાણા તથા સ્ટાફે લૂંટનો ગુનો નોંધી નાશી ગયેલા લૂંટારુઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.