જામનગર શહેરના પંચવટી સોસાયટી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી શખ્સને એલસીબીની ટીમે 47 બોટલ દારૂ, મોબાઇલ અને બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. કાલાવડ તાલુકાના સોરઠા ગામના પૂલ પાસેથી સ્થાનિક પોલીસે 20 બોટલ દારૂ સાથે શખ્સને દબોચી લીધો હતો.
દારૂના દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના પંચવટી સોસાયટી શેરી નં.2 માં રહેતા દિપક ઉર્ફે અટાપટુ જમનદાસ જેઠવાણી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.18800 ની કિંમતની 47 બોટલ ઈંગ્લીશ દારૂ અને પાંચ હજારનો મોબાઇલ તથા રૂા.30 હજારના કિંમતની બાઈક મળી કુલ રૂા.53,800 ના મુદ્દામાલ સાથે દિપક જેઠવાણીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં મહેન્દ્ર ઉર્ફે બુસીંગ જેન્તી મંગે અને જીજ્ઞેશ ઉર્ફે જીગો રહીશ વિનોદ ખીચડાની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, કાલાવડ તાલુકાના સોરઠા ગામમાંથી સ્થાનિક પોલીસે અશ્ર્વિન કનેસ રાઠવા નામના આદિવાસી શ્રમિકની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.10000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 20 બોટલો મળી આવતા પોલીસે અશ્ર્વિનની પૂછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં સુરંગભાઈ દામજી રાઠવા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગરના રણજીતસાગર રોડ પરથી સિટી એ ડીવીઝન પોલીસે પરેશ જીવા ગોરડિયા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.6000ની કિંમતની12 બોટલ મળી આવતા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં મોમાઈનગર શેરી નં.3 માં પાર્ક કરેલા જીજે-10-સીબી-0109 નંબરના એકટીવાની ડેકીમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.3500 ની કિંમતની પાંચ બોટલ દારૂ મળી આવતા પોલીસે ચાલક મયુરસિંહ ઉર્ફે જાકુબ ભરતસિંહ જેઠવા નામના શખ્સની શોધખોળ આરંભી હતી.
પાંચમો દરોડો, જામનગર તાલુકાના ધોરીવાવ ગામમાંથી પંચ બી પોલીસે વિજય રામજી ચાંડપા નામના શખ્સને દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.
છઠો દરોડો, જામનગર તાલુકાના વિસ્તારમાં રવિરાજસિંહ ગોવુભા રાઠોડની તલાસી લેતા તેના કબ્જામાંથી 500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી હતી.