અમેરિકી ગુપ્તચર વિભાગે અમેરિકી સંસદમાં એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર પાકિસ્તાની ઉશ્કેરણીનો સૈન્ય બળથી જવાબ આપે તેવી શક્યતા પહેલા કરતા વધુ છે. એટલા માટે જ તે ભારતને છંછેડવાની ભૂલ ન કરે. એટલું જ નહીં, આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહેશે. અમેરિકાના ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બે પરમાણુ સંપન્ન દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ ચિંતાનો વિષય છે. ભારત અને પાકિસ્તાન દ્વારા 2021માં સરહદ પર યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. એટલે કે બંને દેશો તેમના સંબંધોમાં હાલની શાંતિને મજબૂત કરવા આતુર છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જોકે પાકિસ્તાન ભારત વિરોધી ઉગ્રવાદી જૂથોને સમર્થન કરવાનો લાંબો ઈતિહાસ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનની ઉશ્કેરણીનો સૈન્ય બળથી જવાબ આપવાની સંભાવના પહેલા કરતા વધારે છે. કાશ્મીરમાં વધતા તણાવ અને અશાંતિ અથવા ભારતમાં અન્ય આતંકવાદી હુમલાના સંજોગોમાં બંને પક્ષો વચ્ચે મોટું યુદ્ધ થવાની વધુ શક્યતા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન વચ્ચે દ્વિપક્ષીય સરહદી વાટાઘાટો થઈ હતી અને અનેક સરહદી મુદ્દાઓ પર તણાવ દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ 2020માં હિંસક અથડામણને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ થયા. વિવાદિત સ્થળ પર બંને દેશો દ્વારા દળોની તૈનાતી સરહદ વિવાદને લઈને બે પરમાણુ શક્તિઓમાં સશસ્ત્ર જોખમ વધારે છે. ભૂતકાળના ગતિરોધ દર્શાવે છે કે વારંવાર નાની-નાની અથડામણો મોટી લડાઈમાં પરિણમી શકે છે.
મોદી સરકાર ચીન-પાકિસ્તાનને ભરી પીવા તૈયાર : અમેરિકન રિપોર્ટ
રિપોર્ટમાં પાકિસ્તાનને ગર્ભિત ચેતવણી, ભારતને છંછેડવાની ભૂલ ન કરે : ચીન સાથે ટેન્શન વધવાનો પણ દાવો