રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ તારાજી થઈ છે જેમા સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં પડ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો જેમા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી તેમજ ભારે વરસાદને કારણે પાકને મોટાપાયે નુકસાન થયુ છે અને હવે લીલા દુકાળની પડવાની ભીતી છે ત્યારે હવામાન વિભાગ તરફથી રાહત આપતા સમાચાર સામે આવ્યા છે જેમા વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરી છે ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 136 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો તેમજ વલસાડના ધરમપુર, કપરાડામાં સવા ત્રણ ઈંચ તેમજ પારડીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના 207 ડેમની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 66 ટકા, મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.85 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 63.06 ટકા, કચ્છના 20 ડેમમાં 67.02 ટકા, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 81.17 ટકા અને સરદાર સરોવરમાં 70.46 ટકા પાણીનો જથ્થો છે. જેથી રાજ્યના કુલ 207 ડેમમાં હાલ 70.46 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યમાં 90 ટકાથી વધુ ભરેલા 87 ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 16 ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી એલર્ટ પર રખાયા છે. તે ઉપરાત 17 ડેમમાં 70 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે બાકીના 86 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી હોવાથી તેમને કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી. આ સાથે જ રાજ્યના 59 જળાશયો સંપૂર્ણ છલકાયા છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ કચ્છ ઝોનમાં સૌથી વધુ 132.65 ટકા, સૌરાષ્ટ્રમાં 105.92 ટકા, ઉત્તર ગુજરાતમાં 61.53 ટકા, દક્ષિણ ગુજરાતમાં 59.24 ટકા, પૂર્વ ગુજરાતમાં 55.61 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ 72.57 ટકા વરસાદ વરસ્યો છે.