Connect with us

રાજ્ય

રાવલ ગામે કિસાન કોંગ્રેસ દ્વારા ખેતરમાં ભરાયેલા પાણીમાં તરણ સ્પર્ધાયોજી અનોખો વિરોધ

તરણ સ્પર્ધા મહોત્સવ યોજી કિસાન સહાય યોજનાને લોલીપોપ ગણાવતા ખેડૂતો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા જિલ્લામાં આજ સુધી 335 ટકા જેટલો ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના અનેક ગામોમાં સતત આશરે બે માસથી અનેક ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતો ભારે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. જેના અનુસંધાને અસરગ્રસ્ત ખેડૂતોને વિશેષ પેકેજ આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા નાના એવા રાવલ ગામમાં આ વર્ષે જાણે માઠી બેઠી હોય તેમ ભારે વરસાદ તથા આસપાસના જળસ્રોતોના હિસાબે પાંચથી છ વખત ભારે પુર આવ્યા હતા. આટલું જ નહીં, તંત્રની કથિત બેદરકારી તથા નિષ્ફળતાના કારણે રાવલ ગામ અવારનવાર બેટમાં ફેરવાઈ ગયાની પરિસ્થિતિ પણ સામે આવી હતી. આ વિસ્તારના ખેતરો મહદ્ અંશે ધોવાઈ ગયા છે અને ખેતરોમાં જ્યારે નદી કરાઈ હોય તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.
આ વિકટ પરિસ્થિતિમાં ખેડૂતોની હાલાકી તંત્ર સમક્ષ રજુ કરવાના આશય સાથે રાવલ ગામના ખેડૂતોએ ખેતરમાં તરણ સ્પર્ધા યોજી અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે રાવલ ગામ આશરે પાંચ – છ વખત ભારે પૂરના કારણે બેટમાં ફરવાયું હતું. આટલું જ નહીં, આ તમામ વખત તંત્રની માનતી બેદરકારી તથા કથિત ભૂલનો ભોગ રાવલના રહેવાસીઓ, ખેડૂતો બન્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આ વિસ્તારના વર્તુ ડેમના વીસ દરવાજા એકસાથે છ ફૂટ ખોલવામાં આવ્યા, સાથે સાથે સાની ડેમના દરવાજા જ કાઢી લીધા અને સોરઠી નદી બે કાંઠે જતી હોય ત્યારે વર્તુમાં એકત્ર થયેલું પાણી એક સાથે છોડવામાં આવ્યું જેના કારણે આ તારાજી થઈ હોવાનું ચિત્ર ખેડુતો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
આ પરિસ્થિતિમાં જ્યાં ખેડૂતોના ખેતર હતા ત્યાં નદીઓ થઈ ગઈ અને આ ખેતર રૂપી નદીમાં બુધવારે ખેડૂતોએ તરણ સ્પર્ધા મહોત્સવ યોજી ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયા સહિતના ખેડૂતો આગેવાનો જોડાયા હતા અને આ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રાજ્ય

ખંભાળિયા નજીક હાઈવેના વાહનો શહેરમાંથી ડાઈવર્ટ કરાતા પ્રદૂષણથી નગરજનો ત્રસ્ત

નાગરિક સમિતિ દ્વારા વિવિધ મુદ્દે રજુઆતો કરાઈ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા નજીકમાં હાઈવે માર્ગ પરથી ફોર લેન સહિતના રસ્તાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ખંભાળિયાના પાદરમાં આવેલા એક પુલનું પણ કામ ચાલુ હોય, આ રસ્તાનો ટ્રાફિક ખંભાળિયા શહેરમાંથી ડાઈવર્ટ કરાતા વધી રહેલા પ્રદૂષણના મુદ્દે સંબંધિત સત્તાવાળાઓને સવિસ્તૃત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના દેવળિયા ગામથી દ્વારકાના કુરંગા સુધી ફોર લેન રસ્તાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ખંભાળિયાના પાદરમાં રસ્તા ઉપરાંત પુલ અંગેનું કામ પણ હાલ પૂરજોશમાં ચાલુ હોવાથી આ હાઈવે માર્ગ પરનો ટ્રાફિક કામ ચલાઉ ધોરણે ખંભાળિયા શહેરના ચાર રસ્તા વિસ્તારમાં થઈને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ પર ડાઈવર્ટ થઈને દોડતા વાહનોના કારણે વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ વધી રહ્યું છે. આટલું જ નહીં, આ વર્ષે વરસેલા ભારે વરસાદના કારણે આ માર્ગ તદ્દન ધોવાઈને બિસ્માર થઈ ગયો છે. આ વચ્ચે માર્ગ પરથી દિવસ-રાત દોડતા નાના-મોટા અનેક વાહનોના કારણે આ માર્ગ પર આવેલા દુકાનો, ગેરેજ તથા નજીક આવેલા રહેણાક મકાનોમાં પણ પ્રદૂષણના કારણે આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. છેલ્લા ઘણા સમયથી ધૂળ તેમજ રજકણના કારણે સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિના કારણે આ વિસ્તારના દુકાનદારો તથા નગરજનો ત્રસ્ત બની ગયા છે. આ ગંભીર મુદ્દે અહીંની નાગરિક સમિતિના પ્રમુખ ડૉ. એચ.એન. પડિયા, ડૉ. તુષાર ગોસ્વામી, ડૉ. શાલીન પટેલ દ્વારા આ વિસ્તારના રહીશો, દુકાનદારોની સહીઓ સાથેનો એક લેખિત પત્ર પાઠવી આ મુદ્દે નેશનલ હાઇવેના ટ્રાફિકનું ડાયવર્ઝન યોગ્ય આપીને અન્ય સ્થળેથી કાઢવા તેમજ ઉપરોક્ત જર્જરીત રોડ તાકીદે અને યુદ્ધના ધોરણે નવેસરથી બનાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. આમ, હાઈવે પરના ટ્રાફિકને શહેરમાંથી ડાઈવર્ટ કરાતા સર્જાયેલા પ્રદૂષણના મુદ્દે તાકીદે નક્કર પગલાં લેવા માટે અધિકારીઓ તથા પદાધિકારીઓને રજૂઆતો કરાઈ છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુર પોલીસે જૂગારનો ખોટો કેસ કરી ‘તોડ’ કર્યાની ફરિયાદ

મંદિરના જિર્ણોધ્ધાર માટે બેસેલા લોકોને જૂગારમાં ફીટ કરી દીધાં!: જિર્ણોધ્ધારની દોઢ લાખની રકમ ગાયબ: ખોટા જૂગાર કેસમાં મામુલી રકમ દર્શાવી : જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના રબારિકા ગામની સીમમાં મંદિરના જિર્ણોધ્ધાર માટે ભેગા થયેલા ગ્રામજનોને પોલીસે જૂગારમાં ફીટ કરી જિર્ણોધ્ધારની દોઢ લાખની રોકડ રકમના બદલે જૂગારમાં મામુલી રકમ બતાવી ખોટો કેસ કર્યાની જામજોધપુરના ફોજદાર સહિતના પોલીસકર્મીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના રબારિકા ગામની સીમમાં આવેલા મંદિરના જિર્ણોધ્ધાર માટે ગત તા.19 ના રોજ રાત્રિના સમયે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માલદે પરબતભાઈ કરમુર સહિતના 14 થી 15 વ્યક્તિઓ મંદિર પાસે બેઠા હતાં. તે દરમિયાન રાત્રિના સમયે જામજોધપુર પીએસઆઈ ઝાલા અને સુરેન્દ્રસિંહ જાડેજા તથા રાકેશ ભના ચૌહાણ સહિતના પોલીસકર્મીઓએ આવીને ગ્રામજનોને અહિયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેવી બાતમી મળી છે અને આ લોકોને માસ્ક માટે દંડ ભરવો પડશે તેમ જણાવી પહોંચ મેળવવા માટે સાથે આવવું પડશે તેમ કહી બધાંને પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. જ્યાં માલદેભાઈના ખીસ્સામાં રહેલી મંદિરના જિર્ણોધ્ધારની દોઢ લાખની રોકડ અને અને અન્ય છ લોકોના ખીસ્સામાં રહેલી રોકડ પોલીસે કાઢી લીધી હતી અને ત્યારબાદ આ વ્યક્તિઓ ઉપર જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા હોવાનો મામુલી રોકડ રકમ સાથેનો કેસ કર્યો હતો.
જે સ્થળે જૂગાર રમતા હોવાનું પોલીસ રેકર્ડમાં દર્શાવાયું છે તે સ્થળે બેસવાની જગ્યા પણ નથી અને પોલીસે ગ્રામજનો વિરૂધ્ધ કરેલા ખોટા જૂગારના કેસ અને મંદિરના જિર્ણોધ્ધારની રોકડ રકમ દર્શાવી ન હતી. આ લોકો વિરૂધ્ધ પોલીસ દ્વારા દાખવેલી ક્ધિનાખોરી મામલે માલદેભાઈ કરમુર દ્વારા જામનગર જિલ્લા પોલીસવડા, રાજકોટ રેંજ આઈજી, લાંચ-રૂશ્વત શાખા અને જામનગર સાંસદને લેખિત રજૂઆત કરી આવી રીતે ગ્રામજનોને પરેશાન કરી ‘તોડ’ કરતા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી હતી.

રબારિકાના અગ્રણી સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન માલદેભાઈ બે દાયકાથી રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તેમજ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ પણ રહી ચૂકયા છે અને જિલ્લા પંચાયતના માજીસભ્ય તથા જુદી જુદી સમિતિઓમાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી છે. આ આગેવાનની રાજકીય કારકિર્દી પૂર્ણ કરી દેવા કિન્નાખોરી રાખી જૂગારના ખોટા કેસમાં ફીટ કરી દીધાની રજૂઆત કરી હતી.

વધુ વાંચો

રાજ્ય

બનાવટી ડીઝલ સરકારનું ધ્યાન દોરવા છતાં ચેકીંગ નહીં !

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રાજયમાં હાઇવે પર ગ્રામ્ય વિસ્તારમાં અને અર્ધશહેરી વિસ્તારમાં બાયોડિઝલ પંપના હાટડા ખુલી ગયા છે. તેના કારણે ત્રણ સરકારી કંપનીઓના પેટ્રોલ-ડિજલનું વેચાણ કરતાં પંપધારકોને નુકસાન જઇ રહયું છે. છેલ્લા એક વર્ષની બાયોડિઝલ નામે શું વેચાઇ છે તેની કોઇ તપાસ સુધ્ધાં કરતું નથી. અનેક વખત ધ્યાન દોરવા છતાં પણ સરકારે કોઇ પગલાં નહીં ભરતા પેટ્રોલ-ડિઝલ પંપધારકરોએ મંગળવારે અને શુક્રવારે રાજયવ્યાપી નો પરચેઝનું એલાન જાહેર થયું છે.
રાજયમાં છેલ્લા એક વર્ષથી ડુપ્લીકેટ બાયોડિઝલનું ગેરકાયદે વેચાણ થાય છે તેનાથી રાજયને ગ્રાહકને, પર્યાવરણને તથા ડિલરોને ખૂબજ નુકસાન વેઠવું પડે છે. આ બાબતે ત્રણેય સરકારી ઓઇલ કંપની તથા સરકારનું અનેક વખત ધ્યાન દોયું છે. પરંતુ આજ સુધી આ વાતને ગંભીરતાથી લેવાઇ નથી. તેના કારણે ગેરકાયદે ડુપ્લીકેટ બાયોડિઝલનો ધંધો અનેકગણો વધી ગયો છે, તેમ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગના સેક્રેટરીને પાઠવેલા આવેદનમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને જણાવ્યું છે.

એસોસિએશન જણાવે છે કે, સરકારે કોઇ પગલાં નહીં લેતા અમારે નાછૂટકે તા. 29-9ને મંગળવારે નો-પરચેઝનું એલાન કરવું પડે છે. અમારા પ્રશ્ર્નનો નિકાલ થાય નહીં ત્યા સુધી અમે દરેક સપ્તાહના મંગળવાર અને શુક્રવારે પેટ્રોલ તથા ડિઝલની ખરીદી કરીશું નહીં. આ દિવસે રાજયના તમામ ડિલરો પેટ્રોલ તથા ડિઝલની ખરીદી ઓઇલ કંપનીઓ પાસેથી નહીં કરે પરંતુ પેટ્રોલ-ડિઝલનું વેચાણ ચાલુ રહેશે જેથી ગ્રાહકોને તકલીફ પડે. રાજયવ્યાપી નો-પરચેઝ એલાનમાં અમદાવાદ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના તમામ સભ્ય પંપધારકો જાણે જોડાવાના છે તેમ પ્રમુખ ધર્મેન્દ્રભાઇ પટેલ અને પદ્યજયરાજસિંહ રાઠોડે જણાવ્યું છે તેમણે કહયું કે બાયોડિઝલના નામે કેમિકલ સોલ્યુશન વેચાય છે. સરકાર ચેક કરતી નથી તેના કારણે કશું પકડાતું નથી. ડીઝલના બજારભાવ કરતાં રૂા. 12 થી 15 નીચા ભાવે બાયોડિઝલ વેચાતું હોય વાહનચાલકો પણ કશું વિચારતા નથી. નો-પરચેઝથી સામાન્ય ગ્રાહકોને કોઇ તકલીફ નહીં પડે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ