Connect with us

રાજ્ય

કાલાવડ નજીક કારે બાઈકને ઠોકરે ચડાવતા બે પ્રૌઢના મોત

રીનારીથી કાલાવડ ખરીદી કરવા જતા સમયે બાઈકસવારને અકસ્માત : અકસ્માત બાદ ચાલક કાર મૂકી નાશી ગયો : પોલીસ દ્વારા કાર કબ્જે કરી ચાલકની શોધખોળ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કાલાવડ નજીક અઢી કિલોમીટર દૂર રીનારીથી કાલાવડ ખરીદી કરવા માટે આવી રહેલા બાઈકને સામેથી પૂરઝડપે બેફીકરાઈથી કારના ચાલકે ઠોકરે ચડાવી હડફેટે લેતા બે પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. અકસ્માત બાદ ચાલક કાર મૂકીને પલાયન થઈ ગયો હતો. પોલીસે કાર કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના રીનારી ગામમાં રહેતા અમરશીભાઈ નથુભાઈ રાઠોડ (ઉ.વ.55) અને ધર્મેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજા (ઉ.વ.50) નામના બન્ને પ્રૌઢ તેમના જીજે-03-ડીએસ-4742 નંબરના બાઈક પર તેના ગામથી કાલાવડ ખરીદી કરવા માટે જતા હતાં તે દરમિયાન કાલાવડથી અઢી કિ.મી. દૂર ગીતા મીલની ગોલાઈ પાસે પહોંચ્યા ત્યારે સામેથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-03-એફકે-0348 નંબરની કારના ચાલકે સામેથી આવતા બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા બાઈક પર સવાર બન્ને પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.

અકસ્માતના બનાવની જાણ થતા મૃતક અમરશીભાઈના પુત્ર બાબુભાઈ સહિતના પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતાં અને પોલીસમાં જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ ચાલક કાર મૂકીને પલાયન થઈ ગયો હતો. જેથી પોલીસે કાર કબ્જે કરી ચાલકની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

ગુજરાત

CM રૂપાણી એ મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મુક્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર (Modhera Sun Temple)ના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ (uttarardh mahotsav 2021)નો પ્રારંભ થયો. કોરોના મહામારી વચ્ચે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) દ્વારા ગાંધીનગરથી ઇ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, શિલ્પ કલાના ઉત્કૃષ્ટ સ્થાપત્યો ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. સૂર્ય મંદિરનો વરસાદનો વાયરલ વિડીયો 33 મિલિયન લોકોએ નિહાળ્યો હતો. સંગીત,નૃત્ય અને કલા સ્થાપત્યનો ત્રિવેણી સંગમ એટલે જ ઉત્તરાર્ધ મહોત્સવ. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કલા અને સ્થાપત્ય સાથે નૃત્યના આ અનોખા સંગમનો નજારો આજે મોઢેરા સૂર્ય મંદીર ખાતે જોવા મળ્યો હતો.

મોઢેરા સુર્યમંદિરના પટાંગણમાં વિવિધ નૃત્ય પ્રદર્શન કરી નૃત્યકારોએ પ્રાચીન શૈલીને જીવંત રાખવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કલાકારો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર તૈયારીઓ કરવામાં આવી હતી. મોઢેરા સૂર્ય મંદિર, સૂર્ય કુંડને આબેહૂબ રંગબેરંગી રોશની કરવામાં આવી હતી, જેનાથી મંદિર અને મંદિર પરિસર સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. રોશનીથી ઝગમગાટ સૂર્ય મંદિર ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

પ્રાચીન નગરી મોઢેરા ખાતે આ સૂર્ય મંદિરના વર્ષો જુના સ્થાપત્યને લોકો જુવે અને આ મંદિર પરિસરમાં કલાના કામણ પાથરીને સૂર્ય દેવની અર્ચના શાસ્ત્રીય નૃત્ય દ્વારા કરવામાં આવે અને કલાકારોને સારું પ્લેટફોર્મ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા આ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો, જેમાં કલાકારોએ જુદી જુદી પોતાની કલાના કામણ પાથરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર વર્ષે 2 દિવસ માટે આ મહોત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ફફ્ત 1 દિવસ ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ ફફ્ત આમંત્રિત મહેમાનોને પ્રવેશ અપાયો હતો અને લોકો ઘરે બેસી આ કાર્યકમ નિહાળી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.

વધુ વાંચો

જામનગર

છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ

સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.

છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.

વધુ વાંચો

રાજ્ય

દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લાની 26મી જાન્યુઆરી-2021, પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળીયા ખાતે કરવામાં આવશે. આજે ઉજવણીના આયોજન અંગે કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ બેઠક વ્યવસ્થા, પ્રવેશ તથા બહાર જવાના રસ્તાની બાબતો, વાહન પાર્કિગની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ, મંડપ સાઉન્ડ, પાણીની વ્યવસ્થા, વૃક્ષારોપણ તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા વગેરે બાબતો વિશે ચર્ચા કરી લગત વિભાગ/કચેરીઓને જરૂરી સુચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સુનીલ જોષી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, અધિક નિવાસી કલેકટર કે.એમ.જાની, પ્રાંત અધિકારી ગુરવ, ખંભાળીયા મામલતદાર લુકકા સહિત સંકલન સમિતિના અધિકારીઓ /પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ