કોરોના કાળમાં બંધ પડેલા ટ્યૂશન ક્લાસીસ હવે ટુંક સમયમાં ગુજરાતમાં શુર થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેનદ્રસિંહ ચૂડાસમાએ રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટ કરી દીધુ છે કે હવે રાજ્યમાં ટ્યૂશન ક્લાસીસ આગામી દિવસોમાં શરૂ થશે. સાથે રાજકોટના ટયુશન ક્લાસીસના સંચાલકો સાથે પણ શિક્ષણમંત્રીની બેઠક થઇ હતી. જેમાં ક્લાસીસ સંચાલકોને ખાતરી આપી હતી કે, ટુંક સમયમાં ક્લાસીસ શરૂ કરવા અંગેની પણ લીલીઝંડી અપાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઇ 11મી જાન્યુઆરીથી ગુજરાતમાં ધોરણ.10 અને 12ની શાળાઓમાં અને ઉચ્ચ શિક્ષણના છેલ્લા વર્ષનું ફિઝિકલ શિક્ષણ શરૂ કરવા રાજ્ય સરકારની મંજૂરી મળી ચૂકી છે. હાલ 80 ટકા કરતાં પણ વધુ સ્કૂલોમાં ધોરણ.10 અને 12નું ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે અને 50 ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓની હાજરી થઇ રહી છે. જોકે હવે આગામી ટુંક સમયમાં ધોરણ.9 અને 11માં પણ ફિઝિકલ શિક્ષણનો પ્રારંભ થશે. કોરોના કાળમાં બંધ પડેલા ધો.9-11ના વર્ગો શરૂ કરવા આગામી 27મી ના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણમંત્રીએ રાજ્યમાં ટ્યૂશન કલાસીસ શરૂ કરવા માટે સંચાલકો પણ મળ્યા હતા અને બેઠક પણ કરી છે. જે પ્રમાણે હવે ટુંક સમયમાં ખાનગી કલાસીસ શરૂ કરવાની હૈયા ધારણા આપી હોવાનું કલાસીસ સંચાલકોએ જણાવ્યું હતુ.