Tuesday, March 2, 2021
Tuesday, March 2, 2021
Home બિઝનેસ શેરબજાર માટે મંગળવાર ‘મંગલ’ પૂરવાર

શેરબજાર માટે મંગળવાર ‘મંગલ’ પૂરવાર

શેરબજાર માટે આજનો દિવસ મંગળ સાબિત રહ્યો હતો. સતત 16મા મંગળવારે શેરબજાર વધારા સાથે બંધ થયું છે. સેન્સેક્સમાં આજે 834 પોઈન્ટનો વધારો થયો હતો અને સેન્સેક્સ 49398 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 240 પોઈન્ટના વધારા સાથે 14521 પર બંધ થયો હતો. નિફ્ટી બેંક 613 પોઈન્ટ વધીને 32425 પર બંધ થયો હતો. મિડકેપ 499 અંક વધીને 21969 પર બંધ રહ્યો હતો. રૂપિયા પણ આજે 11 પૈસા મજબૂત થઈને 73.17 પર બંધ થયો હતો. શેરબજારનું 4 મહિનાનું આ સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ હતું. રોકાણકારોને એક જ દિવસમાં 3.5 લાખ કરોડની કમાણી થઈ હતી.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ટાટા મોટર્સ, હિંડાલ્કો, સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને બજાજ ફાયનાન્સના શેર ગ્રીન સિગ્નલ પર બંધ થયા હતા. તો ઈંઝઈ, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા અને MMના શેર રેડ સિગ્નલ પર બંધ થયા હતા. જ્યારે સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે તમામ સેક્ટર્સ ગ્રીન સિગ્નલ પર બંધ થયા હતા. તેમાં FMCG, PSU, બેંક, ફાર્મા, ઓટો, IT, બેંક, મીડિયા, પ્રાઈવેટ બેંક, રિયલ્ટી અને ફાયનાન્સ સર્વિસ સામેલ છે.
આજે શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 359.64 અંકોના ઉછાળા સાથે 48,923ના સ્તરે ખુલ્યું હતું. જ્યારે નિફ્ટી 100.10 અંકો એટલે કે 14,381.40ના સ્તરે ખુલ્યું હતું.
બજારમાં આવેલી તેજીમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ભૂમિકા મહત્વપુર્ણ રહી હતી. કંપનીના શેરોમાં આજે 1.57 ટકાનો ઉછાળો આવ્યો હતો અને તે 2015 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પહેલાં સોમવારે તેમાં 2.4 ટકાની તેજી આવી હતી. કંપનીએ શુક્રવારે ત્રીમાસિક પરિણામોની ઘોષણા કરી હતી. શેરોમાં તેજીની સાથે રિલાયન્સનું માર્કેટ કેપ ફરીથી 13 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.

Most Popular