કેન્દ્ર સરકારે વર્ષ 2021ના પદ્મ અવોર્ડની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને સવાયા ગુજરાતી ફાધર વાલેસ સહિત કુલ 5 ગુજરાતી હસ્તીને પદ્મ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે. કેશુભાઈ પટેલને મરણોત્તર પદ્મભૂષણ, જ્યારે કનોડિયા બંધુ બેલડી મહેશ-નરેશ (મરણોત્તર), દાદુદાન ગઢવી, ડો. ચંદ્રકાંત મહેતા અને ફાધર વાલેસ(મરણોત્તર)ને પદ્મશ્રી અવોર્ડ એનાયત કરવામાં આવશે.
ફાધર વાલેસની વાત કરીએ તો જન્મ સ્પેનના લોગ્રોનોમાં ચોથી નવેમ્બર, 1925ના રોજ થયો હતો. મૂળ નામ વાલેસ કાલોસ જોસેફ. માતાનું નામ મારિયા અને પિતાનું નામ જોસેફ. 1941માં તેમણે એસએસસી કર્યું. 1945માં ગ્રીક વિષય સાથે બી.એ. થયા અને 1949માં તત્ત્વજ્ઞાન વિષય સાથે બીજી વખત સ્નાતક કર્યું. 1953માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેમણે ગણિતશાસ્ત્ર વિષયમાં એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેમની વય દસ વર્ષની હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેનિસ આંતરવિગ્રહને કારણે તેમનું ઘર છૂટી ગયું અને ચર્ચમાં તેઓ શરણાર્થી તરીકે રહ્યા હતા. માત્ર 15 વર્ષની વયે તેમણે દીક્ષા લીધી હતી. ઉલ્લેખનીય છે કે તેમનું 9 નવેમ્બર 2020ના રોજ નિધન થઈ ગયું હતું.
કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. એટલું નહીં, તેમણે અમદાવાદના ડોન લતીફને તેના હોમગ્રાઉન્ડ એવી પોપટિયાવાડમાં જઈ પડકાર્યો હતો. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રીપદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો હતો. વર્ષ 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે 29 ઓક્ટોબર 2020ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું.
મહેશ અને નરેશ કનોડિયા મૂળ કનોડા ગામના. મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકામાં કનોડા ગામ આવ્યું છે. કનોડાથી પાટણ, અમદાવાદ અને ત્યાંથી મુંબઈ આવ્યા હતા, જ્યાં ભારે સંઘર્ષ કરીને દક્ષિણ મુંબઈમાં પેડર રોડ જેવા પોશ વિસ્તારમાં ઘર વસાવ્યું હતું. આ પછી લોકપ્રિય ગાયકો થયા, મહેશ કુમાર એન્ડ પાર્ટી નામે ઓર્કેસ્ટ્રા અને ત્યાંથી ઠેઠ સંસદભવન સુધીની સફર બંને ભાઈઓએ કરી. મહેશ કનોડિયાએ પોતાના ભાઈ નરેશ કનોડિયા સાથે મળીને મહેશ-નરેશ તરીકે સંગીતકાર તરીકે સંગીત આપ્યું હતું, જેમાં વેલીને આવ્યાં ફૂલ (1970)જિગર અને અમી (1970)તાના-રીરી (1975)તમે રે ચંપો ને અમે કે વણઝારી વાવ, ભાથીજી મહારાજ, મરદનો માંડવો, ઢોલા મારુ, હિરણને કાંઠે, જોડે રહેજો રાજ, સાજણ તારાં સંભારણાં જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરના રોજ 25 ઓક્ટોબરે સિંગર-મ્યુઝિશિયન એવા મહેશ કનોડિયાનું નિધન થયું જ્યારે 27 ઓક્ટોબરે નરેશ કનોડિયા અનંતની સફરે ઊપડી ગયા હતા.