સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર (Modhera Sun Temple)ના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ (uttarardh mahotsav 2021)નો પ્રારંભ થયો. કોરોના મહામારી વચ્ચે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) દ્વારા ગાંધીનગરથી ઇ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, શિલ્પ કલાના ઉત્કૃષ્ટ સ્થાપત્યો ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. સૂર્ય મંદિરનો વરસાદનો વાયરલ વિડીયો 33 મિલિયન લોકોએ નિહાળ્યો હતો. સંગીત,નૃત્ય અને કલા સ્થાપત્યનો ત્રિવેણી સંગમ એટલે જ ઉત્તરાર્ધ મહોત્સવ. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કલા અને સ્થાપત્ય સાથે નૃત્યના આ અનોખા સંગમનો નજારો આજે મોઢેરા સૂર્ય મંદીર ખાતે જોવા મળ્યો હતો.
મોઢેરા સુર્યમંદિરના પટાંગણમાં વિવિધ નૃત્ય પ્રદર્શન કરી નૃત્યકારોએ પ્રાચીન શૈલીને જીવંત રાખવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કલાકારો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર તૈયારીઓ કરવામાં આવી હતી. મોઢેરા સૂર્ય મંદિર, સૂર્ય કુંડને આબેહૂબ રંગબેરંગી રોશની કરવામાં આવી હતી, જેનાથી મંદિર અને મંદિર પરિસર સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. રોશનીથી ઝગમગાટ સૂર્ય મંદિર ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પ્રાચીન નગરી મોઢેરા ખાતે આ સૂર્ય મંદિરના વર્ષો જુના સ્થાપત્યને લોકો જુવે અને આ મંદિર પરિસરમાં કલાના કામણ પાથરીને સૂર્ય દેવની અર્ચના શાસ્ત્રીય નૃત્ય દ્વારા કરવામાં આવે અને કલાકારોને સારું પ્લેટફોર્મ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા આ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો, જેમાં કલાકારોએ જુદી જુદી પોતાની કલાના કામણ પાથરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર વર્ષે 2 દિવસ માટે આ મહોત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ફફ્ત 1 દિવસ ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ ફફ્ત આમંત્રિત મહેમાનોને પ્રવેશ અપાયો હતો અને લોકો ઘરે બેસી આ કાર્યકમ નિહાળી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.