દેશની રાજધાની દિલ્હી અને દેશના આર્થિક પાટનગર મુંબઇ વચ્ચે દેશનો સૌથી લાંબો એકસપ્રેસ નેશનલ હાઇવે 2 વર્ષ પછી આપણે જોઇ શકીશું. આ હાઇ-વેની લંબાઇ 1350 કિમી રહેશે.આ રાજમાર્ગના નિર્માણ પાછળ સરકાર રૂા.900 અબજનો ખર્ચ કરશે. આ હાઇ-વે દેશના પાંચ રાજયોમાંથી પસાર થશે. જેમાં ગુજરાત ઉપરાતં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટવીટ્ મારફત આ જાણકારી આપી છે જેમાં વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. આ હાઇ-વેનો પ્રારંભ 2018માં થયા પછી 2019ની 9મી માર્ચે હાઇ-વેનું ભુમિપૂજન થયું હતું. 100 કિમીથી વધુ લંબાઇના માર્ગ માટેનો કોન્ટ્રાકટ અપાઇ ચૂકયો છે અને કામ ચાલુ છે.દિલ્હીના દૌસા સેકશન અને જયપુરને જોડવામાં આવશે. તેને જયપુર એકસપ્રેસ નામથી ઓળખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરાથી અંકલેશ્ર્વર સુધીનું સેકશન ઇકોનોમિક હબ ભરૂચને જોડશે. આ બન્ને સેકશન આગામી નવેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. જાન્યુઆરી 2023 સુધીમાં સંપૂર્ણ માર્ગ તૈયાર થશે.
આ માર્ગ તૈયાર થવાથી જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિતોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજજૈન, ઇંદોર, અમદાવાદ અને સુરત જેવા મહત્વના આર્થિક શહેરો એકમેકથી જોડાઇ જશે. આ હાઇ-વે બન્યા પછી દિલ્હી અને મુંબઇ વચ્ચેનું અંતર 130 કિ.મી. ઓછુ થઇ જશે. હાલમાં દિલ્હીથી મુંબઇ પહોંચવા 24 કલાકનો સમય લાગે છે આ હાઇ-વે બન્યા પછી આ સમય ઘટીને 12 કલાક થઇ જશે. જેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઇંધણની બચત થશે.
આ હાઇ-વેની આજુબાજુ 15,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ હાઇ-વે એશિયાનો પ્રથમ અને દુનિયાનો બિજો એવો હાઇ-વે હશે જેમાં જંગલના પ્રાણિઓ માટે એનિમલ ઓવરપાસ બનાવવામાં આવશે. એટલે કે, જંગલ નિચે ટનલ બનાવી હાઇ-વે કાઢવામાં આવશે. તેથી જંગલ યથાવત રહેશે. આ હાઇ-વેમાં ત્રણ અંડરપાસ અને પાંચ ઓવરપાસ રહેશે. આ હાઇ-વે બનાવવામાં પાંચ લાખ ટન લોખંડનો ઉપયોગ થશે.60 લાખ ટ્રકના ફેરા કરીને 50 કરોડ ઘન મીટર માટીને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવશે.
આ હાઇ-વેના નિર્માણમાં 35 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ થશે. જે દેશના સિમેન્ટના કુલ ઉત્પાદનનો એક ટકા હિસ્સો છે. આ હાઇ-વે નિર્માણ દરમ્યાન 15 લાખ શ્રમિક દિવસ લાગશે. જેના કારણે રોજગારીમાં મોટો વધારો થશે.