ઉત્તરાખંડના હરિદ્વારમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી રાષ્ટ્રિય બાલિકા દિવસ 24મી જાન્યુઆરીએ એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનશે. આ દરમિયાન વિધાનસભાના રૂમ નં. 120માં બેઠક આયોજીત કરવામાં આવશે. આ સ્વીકૃતિ અને નિર્દેશ મુખ્યમંત્રી ત્રિવેંદ્રસિંહ રાવત તરફથી દેવામાં આવી છે.
ઉત્તરાખંડના બાળ સંરક્ષણ આયોગની અધ્યક્ષ ઉષા નેગીએ બુધવારે મુખ્ય સચિવ ઓમપ્રકાશને એક પત્ર મોકલ્યો. તેમણે જણાવ્યું કે, 24 જાન્યુઆરીએ બાલિકાઓના સશક્તિકરણ માટે એક હોશિયાર વિદ્યાર્થિનીને મુખ્યમંત્રી પદની જવાબદારી સૌંપવામાં આવી છે. સૃષ્ટિ ગોસ્વામી ઉત્તરાખંડની એક દિવસની મુખ્યમંત્રી બનશે. એક દિવસના કાર્યકાળ દરમિયાન સૃષ્ટિ રાજ્યના વિકાસ કામોની સમિક્ષા કરશે. તે માટે નિયુક્ત વિભાગના અધિકારી વિધાનસભામાં પાંચ-પાંચ મીનિટ પોતાનું પ્રેઝેન્ટેશન આપશે. વિધાનસભા બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી આયોજીત થશે.ક્ષ સૃષ્ટિના માતા-પિતાનું કહેવું છે કે, આજે અમને ઘણો ગર્વ છે. દરેક દિકરી એક મુકામ હાંસલ કરી શકે છે બસ તેમનો સાથ આપવાની જરૂર છે. જ્યારે સૃષ્ટિ ગોસ્વામીનું કહેવું છે કે તે માટે હું ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હરિદ્વારના બહાદરાબાદમાં દૌલતપુર ગામમાં રહેતી સૃષ્ટિ ગોસ્વામી BSM PG કોલેજ, રૂડકીથી BSc એગ્રિકલ્ચરનો અભ્યાસ કરી રહી છે. મે 2018માં બાળ વિધાનસભામાં બાળ ધારાસભ્ય તરફથી તેમની પસંદગી મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી હતી. બાળ વિધાનસભામાં દર ત્રણ વર્ષમાં એક બાળ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવે છે.