કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેના પડઘા રાજકોટમાં પડ્યા છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ સિમિતિના સભ્ય અમરજીતસિંહ અને ઇન્દ્રપાલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. બંનેએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે ગુજરાતના ખેડૂત સમૃદ્ધ છે. પરંતુ મારે તેઓને એટલું કહેવું છે કે, એક વખત ખેડૂત આંદોલન કરવાની છૂટ આપો તો ખબર પડશે કે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ છે કે પછી મુશ્કેલીમાં.
અમરજીતસિંહે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂત આંદોલનને આગળ કેમ વધારવું તે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. આંદોલન પંજાબથી શરૂ થયું છે. દિલ્હી બોર્ડર પર અલગ અલગ રાજ્યોના ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. ખેડૂતો આ કૃષિ કાયદાને મોત સમાન માની રહ્યાં છે. હાલ રાજકોટના ખેડૂતો સાથે બેઠક ચાલી રહી છે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
જય જવાન જય કિસાન સૂત્ર આપનાર અને ખેડૂતને અન્નદાતા કહેનાર સરકાર આજે ખેડૂતની કોઇ વાત માની રહી નથી. 26 જાન્યુઆરીએ દિલ્હી જવા માટે અમને પરવાનગી આપવામાં આવે તેવી અમારી માગ છે. શાંતિપૂર્વક અમે તેમાં જોડાવવા માગીએ છીએ. કૃષિ કાયદો રદ કરી નવો કાયદો બનાવવામાં આવે અને તેમાં ખેડૂતોની એક કમિટીને સાથે રાખવામાં આવે તેવી અમારી માગ છે. સુપ્રિમ કોર્ટે બનાવેલી કમિટી પર અમને ભરોસો નથી તેવા આક્ષેપો કર્યા હતા.