Connect with us

રાજ્ય

કાલમેઘડામાં એક જ દિવસમાં બે ઘટનામાં પાંચ બાળકોના મોતથી અરેરાટી

ખેતીકામ કરતા શ્રમિક દંપતીના બે પુત્રી અને એક પુત્ર સહિત ત્રણ સંતાનોના પાણીમાં ડૂબી જતા મોત : બાઇક સ્લીપ થવાથી અન્ય શ્રમિક દંપતીના બે બાળકો પાણીમાં ગરકાવ : ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ બાદ મૃતદેહ સાંપડયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં એક જ દિવસમાં જુદાં-જુદાં બે ઘટનામાં પાંચ બાળકોના કમકમાટીભર્યા મોત નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને આ બન્ને બનાવો અંગે પોલીસે મૃતદેહોનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

કરૂણ ઘટના અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના કાલમેઘડા ગામમાં શનિવારે સવારે ઢોર ભડકતા પાણીના ખાડામાં પડી ગયેલા રાહુલ દિલીપભાઈ ઠાકોર (ઉ.વ.10), કિરણબેન દિલીપભાઈ ઠાકોર (ઉ.વ.5) અને રીયાબેન શૈલેષભાઈ ઠાકોર (ઉ.વ.5) નામના ત્રણ બાળકો તેના માતા-પિતા વાડીમાં ખેતીકામ કરતા હતાં ત્યારે ખેતરની બાજુમાં આવેલા નાના તળાવ જેવા ખાડા પાસે રમતા-રમતા અકસ્માતે પડી જતા ત્રણેય ભાઈ-બહેનોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાં હતાં. આ ઘટનાની જાણ થતા મજૂરીકામ કરતું દંપતી ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને એક સાથે ત્રણ બાળકોના મોતથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગેની મૃતકના પિતા દિલીપભાઈએ કરેલી જાણના આધારે હે.કો. એચ.કે. મકવાણા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં દિલાભાઈ મલાભાઈ રાતડિયાની વાડીમાં રહેતા કંકુબેન લખધીરભાઈ (ઉ.વ.28) નામના શ્રમિક મહિલાનોે પુત્ર અલ્પેશ (ઉ.વ.9) અને પુત્રી પુનમબેન (ઉ.વ.6) બન્ને બાળકો વિક્રમભાઈ સાથે ગામમાં ગયા હતાં. તેઓ ગામમાંથી પરત વાડીએ જતાં મોટર સાયકલ પડી ગયું હતું અને બન્ને બાળકો પાણીમાં તણાઈ ગયા હતાં તેની શોધખોળ કરતાં તે મળી આવ્યાં ન હતાં. રવિવારે સવારથી ફરી ફાયરના જવાનોએ બાળકોની શોધખોળ આરંભી હતી અને કલાકોની શોધખોળ બાદ બાળકો મળી આવ્યાં હતાં. આ અંગેની પોલીસને જાણ કરવામાં આવતાં પીએસઆઇં રાદડિયા તેમજ સ્ટાફના પી.પી. જાડેજા, એચ.કે. મકવાણા સહિતનો પોલીસ કાફલો પહોંચી ગયો હતો અને બન્ને બાળકોના કબ્જા લઇને પીએમ માટે મોકલી આપ્યાં હતાં.

જ્યારે એક જ દિવસમાં શ્રમિક પરિવારોના પાંચ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજતા પરિવારોમાં શોક વ્યાપી ગયા છે તો ગામમાં બનેલી આ કરૂણ ઘટનાથી ગામ લોકોમાં પણ શોક વ્યાપી ગયો છે.

રાજ્ય

દ્વારકા પોલીસે આંતર જિલ્લા તસ્કર ટોળકીને દબોચી લીધી

ટોળકીના 6 સભ્યની અટકાયત : રાજ્યભરની 20 ચોરીનો ભેદ ઉકેલાયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા પોલીસને એક આંતર જિલ્લા તસ્કર ટોળકીને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસની એલસીબી શાખાએ 6 સભ્યની વેડવા દેવીપૂજક ગેંગને પકડી પાડી તેની પાસેથી રૂા.1.21 લાખનો ચોરીનો માલસામાન કબ્જે કર્યો છે. જ્યારે તેમની પૂછપરછ દરમ્યાન રાજ્યવ્યાપી અન્ય 20 ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ટોળકી સમગ્ર રાજ્યમાં વેપારીઓની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરતી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર દ્વારકાના એસપી સુનિલ જોશીની સુચના અનુસાર એલસીબી પીઆઇ જે.એન.ચાવડા તેમજ પીએસઆઇ વી.એમ.ઝાલા તથા તેમની ટીમ ગુનેગારોને પકડી પાડવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ખંભાળિયા નજીકથી સતિષ ઇલાશ સીંદે, ઝફાન ઉર્ફે જગત ઉસ્વાસ પરમાર, સુનીલાબેન ઝફાન પરમાર, રેખાબેન સતિષ સીંદે, સુનિતાબેન ઝફાન પરમાર તથા નિર્મલાબેન ઉર્ફે શશીકલા ઇલાશ સીંદે નામના 6 સ્ત્રી પુરૂષોને પકડી પાડ્યા હતા. તેમના કબ્જામાંથી પોલીસને રૂા.68,000 રોકડા પાંચ નંગ મોબાઇલ, ચાંદીના દાગીના, પેનડ્રાઇવ, મેમરીકાર્ડ વગેરે મળી કુલ રૂા.1 લાખ 21 હજાર 600નો માલસામાન મળી આવ્યો હતો. આ અંગે પુછપરછ કરતા તે ચોરાવ હોવાનું બહાર આવતા પોલીસે તમામની અટકાયત કરી આગવી ઢબ્બે પુછપરછ હાથ ધરી હતી.

આ પુછપરછ દરમ્યાન આ ટોળકીએ માત્ર ખંભાળિયામાં જ નહી પરંતુ જુનાગઢ, પોરબંદર, રાજકોટ, ધોરાજી, ગોંડલ, જેતપુર, મોરબી, જામનગર, વાપી, વડોદરા, સુરત, રાજપીપળા વગેરે સ્થાનોએ કુલ 20 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આપી હતી. આ ટોળકી ભીક્ષાવૃતિના ઓઠા હેઠળ દુકાન, રેસ્ટોરન્ટ, રેલ્વે સ્ટેશનોમાં ભીડભાડનો લાભ લઇ વેપારીની નજર ચૂકવી થડા અને કાઉન્ટર પરથી રોકડ અને મોબાઇલ ફોનની ચોરી કરી પલાયન થઇ જતા હતા. તાજેતરમાં જ આ ટોળકીએ ખંભાળિયામાં દરબારગઢ પાસે ઘાંચી શેરીમાં આવેલ ફ્રુટના ગોળાઉનમાં વેપારીની નજર ચૂકવી રૂા. 50 હજારની ચોરી કરી હતી. પોલીસે તમામને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી તેમની સામે ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુરના ગઢકડા ગામના સરપંચના ભાઇ પર ફાયરીંગ

ગઇ મોડીરાત્રે બાઇક પર આવેલા 2 શખ્સો ફાયરીંગ કરી નાશી ગયા : જુની અદાવત કારણભૂત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામે ગઇરાત્રે બાઇક પર આવેલા બે અજ્ઞાત શખ્સો સરપંચના ભાઇ પર ફાયરીંગ કરીને નાસી જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સરપંચના ભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફાયરીંગ કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના ગઢકડા ગામના સરપંચ યાસીન ઓશમાણ સફિયાના ભાઇ ફિરોઝ સફિયા ગઇરાત્રે ગ્રામપંચાયતની ઓફિસમાં પાક નુકશાની અંગેના ઓનલાઇન ફોર્મ ભરતા હતા ત્યારે રાત્રે એકાદ વાગ્યે બે અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા. જેમણે ગ્રામપંચાયત ઓફિસની સામે પોતાનું બાઇક ઉભુ રાખી બાર બોરની રાયફલ જેવા હથિયારમાંથી ફાયરીંગ કર્યું હતું. ફાયરીંગનો અવાજ સાંભળી ફિરોઝ સફિયા નીચે પડી ગયો હતો. પરિણામે તેને કોઇ ઇજા પહોંચી ન હતી. પરંતુ ઓફિસમાં કોમ્પ્યુટર કામ કરી રહેલા ગામના ઇસ્માલ જુસબ સફિયાને સાથળમાં ગોળીનો છરો વાગતા ઇજા પહોંચી હતી. ફાયરીંગ કર્યા બાદ બાઇક પર આવેલા બંન્ને શખ્સો આંબરડી ગામ તરફ નાસી ગયા હતા. આ ઘટના અંગે ફિરોઝ સફિયાએ પોતાની હત્યા નિપજાવવાના પ્રયાસ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમો અંતર્ગત ગુન્હો નોંધી નાસી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

આ હુમલો જુની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચાર મહિના પહેલા ફિરોઝના ભાઇની હત્યા નિપજાવવામાં આવી હતી. જેના આરોપીઓ હાલ જેલમાં છે. ત્યારે આ આરોપીઓએ તેમના મળતીયા મારફત ફાયરીંગ કરાવ્યું હોવાની આશંકા ફિરોઝે પોલીસ સમક્ષ વ્યકત કરી છે.

વધુ વાંચો

રાજ્ય

જોડિયાના નાયબ મામલતદાર કોરોના સામેનો જંગ હારી ગયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરમાં રણજીત સાગર રોડ પર મયુર ગ્રીન્સ વિસ્તારમાં રહેતા અને જોડિયા ની મામલતદાર કચેરીમાં ઇ-ધરા નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા રસિકભાઈ પરષોત્તમભાઈ પાડલીયા (ઉ.વ.57)કે જેઓ 12 દિવસ પહેલા કોરોના સંક્રમિત બની ગયા હતા, છેલ્લા એક સપ્તાહથી તેની જામનગરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. દરમિયાન તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હતા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

આ અંગેની જાણ થતાં જામનગર જિલ્લાના સરકારી વર્તુળમાં ભારે ગમગીની છવાઈ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે જોડિયાની મામલતદાર કચેરીના ત્રણ અધિકારીઓ સંક્રમિત બન્યા હતા. જોડિયાના મામલતદાર પુનિતભાઈ સરપદડીયા, ઉપરાંત નાયબ મામલતદાર અમરીશભાઈ દવે અને નાયબ મામલતદાર રસિકભાઈ પાડલીયા કે જેઓ ત્રણેય કોરોના સંક્રમિત બન્યા હતા અને જોડીયા ની મામલતદાર કચેરી ને બંધ રાખવાની ફરજ પડી હતી. જોકે મામલતદાર પુનિતભાઈ તેમજ નાયબ મામલતદાર અમરીશભાઈ દવે હાલ હોમ કોરોન્ટાઈન થયેલા છે.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ