Connect with us

રાજ્ય

કોરોના મહામારી સામે લડવા તમામ મોરચે તંત્ર એલર્ટ-કલેકટર

જિલ્લામાં એક પણ કોરોના પોઝિટીવ કેસ નથી : આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવો – કલેકટર : જિલ્લાની ત્રણ બોર્ડર પર ચાંપતી નજર – પોલીસવડા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના વાઈરસનાને અટકાવવા પ્રારંભથી જ જિલ્લા પ્રશાસન અવિરત રીતે જાગૃત રહ્યું છે. આ મહામારી અટકાવવા જિલ્લા ભરના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ વિગેરેની જહેમત નોંધપાત્ર બની રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાએ કોરોના સંદર્ભે એક પત્રકાર પરિષદ યોજી જિલ્લાની છેલ્લી પરિસ્થિતિ અંગે વિવિધ બાબતો અંગે માહિતી આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર ડો. મીનાએ પહેલી મે ના ગુજરાત દિવસની સમગ્ર જિલ્લાની જનતાને શુભકામનાઓ પાઠવી હતી. અને જિલ્લામાં દ્વારકાધીશની કૃપાથી એક પણ કોરોના પોઝિટિવ કેસ ન હોવાનું જણાવ્યું હતું. આ જિલ્લામાં 669 વ્યક્તિઓની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તેઓનો 28 દિવસનો સમયગાળો પૂર્ણ થયો છે. આ ઉપરાંત આંતરરાજ્ય તથા આંતર જિલ્લામાંથી અત્રે આવેલા કુલ 4685 લોકો પૈકી 3508 લોકોના 14 દિવસ પૂર્ણ થયા છે. હાલ 1145 લોકોને હોમ કવોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. જયારે સલાયા બંદર નજીક 16 વ્યક્તિઓ બોટ કવોરોન્ટાઈનમાં છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાને ગ્રીન ઝોનમાં જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે રેડ ઝોનમાંથી આ જિલ્લામાં આવતા લોકોને સાત દિવસ સરકારી કવોરોન્ટાઈનમાં રાખી તેમના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવશે. આજ સુધી કુલ 188 વ્યક્તિઓ સરકારી કવોરોન્ટાઈન સેન્ટરમાં રહી ચુક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કવોરોન્ટાઈન ભંગ બદલ સાત વ્યક્તિઓ સામે એફ.આઈ.આર. કરવામાં આવી છે.

જિલ્લામાંથી આજ સુધી કોરોના 224 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જિલ્લાના જુદાજુદા 23 પી.એચ.સી. ઉપર વિડીયો કોલ મારફતે ઈલાજ મેળવી શકાય છે. જ્યારે અહીંની સરકારી જનરલ હોસ્પિટલ તથા ખાનગી સાકેત હોસ્પિટલમાં કોરોના સંદર્ભેની ફ્લૂ ઓ. પી. ડી. ચાલુ છે. આ બંનેમાં મળી 1577 કેસના નિદાન કરવામાં આવ્યા છે. કોરોના સંદર્ભે અહીંની સરકારી જનરલ હોસ્પિટલમાં 100 તથા ખાનગી હોસ્પિટલ સાંકેત હોસ્પિટલ ખાતે પણ 100 બેડ ઉપરાંત બાજુની તૈયારી બિલ્ડિંગમાં 50 બેડની સુવિધા વધારી, 250 બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ વધુ 50 બેડ તૈયાર થઈ શકે તે માટેની વ્યવસ્થા પણ છે. કોરોના સંદર્ભ માઈલ્ડ ઇન્ફેક્શન જેવા કેસમાં જિલ્લાના ચાર તાલુકામાં 5 સી.એચ.સી. ખાતે 123 બેડની પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવી છે.

આરોગ્ય સેતુ એપનો મહત્તમ સંખ્યામાં લોકો ઉપયોગ કરે તે ઈચ્છનીય: જિલ્લા કલેકટર

સરકારી એપ એવી આરોગ્ય સેતુ એપને મહત્તમ સંખ્યામાં લોકો પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી, તેનો ઉપયોગ કરે તે બાબત ઉપર જિલ્લા કલેક્ટરએ ભાર આપ્યો હતો. આ એપના કારણે કોરોના સહિતની વિવિધ બાબતે લોકો માહિતગાર થશે અને લોકને સાવચેતી માટે ઉપયોગી થશે તેમ વધુમાં જણાવ્યું હતું. આ એપ જિલ્લામાં 38,395 લોકો ડાઉનલોડ કરી ચૂક્યા હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ પૂર્વે સાવચેતીના ભાગરૂપે 860 વેન્ટિલેટરને તાલીમ અપાઈ છે. જ્યારે 44 ડોક્ટર્સ અને 92 નર્સ સહિત 182 સ્ટાફને વેન્ટિલેટર ચલાવવા માટેની તાલીમ તથા શહેરના લેબ ટેકનીશીયનોને પણ સેમ્પલ લેવાની વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવી ચૂકી છે.કોરોના વાયરસ અંગે કામગીરી કરતા જિલ્લાના તમામ સરકારી સ્ટાફની સલામતી માટે 90 હજાર જેટલા ત્રીપલ લેયર માસ્ક તથા 37 હજાર સેનીટાઈઝરની બોટલ પણ આપવામાં આવી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોને ડિસઈન્ફેક્ટેડ કરવા માટે મીઠાપુરની ટાટા કેમિકલ્સ કંપની દ્વારા વિનામૂલ્યે દવાનો મોટો જથ્થો અપાયાની બાબતને જિલ્લા કલેક્ટરે પ્રશંસનીય ગણાવી છે. આ સાથે જિલ્લાના વિવિધ વિસ્તારોને ડિસઈન્ફેક્ટેડ કરવાનો વધુ એક રાઉન્ડ નજીકના ભવિષ્યમાં લેવાશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કોરોના સંદર્ભે સાવચેતીરૂપે જિલ્લાના ત્રણ સ્થળે બોર્ડર પર ચાંપતી નજર: પોલીસ વડા રોહન આનંદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે પોલીસ વિભાગ અવિરત રીતે કામગીરી કરી રહ્યો છે. આ અંગેની માહિતી આપતાં જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે કોરોના અંગેના જાહેરનામા ભંગ સબબ આશરે 1500 જેટલી એફ.આઇ.આર. થઈ ચૂકી છે. જ્યારે બે હજાર જેટલા વાહનો ડિટેઇન કરાયા છે. હાલ કારણ વગર બહાર નીકળતા લોકો માટે જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત સી.સી.ટી.વી. કેમેરાની મદદથી નજર રાખી, આવા રખડતા લોકો સામે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના ત્રણ વિસ્તારની બોર્ડર ઉપર અવિરત રીતે 24 કલાક પોલીસ કર્મચારીઓ નજર રાખી રહ્યા છે. અન્ય જિલ્લામાંથી અહી આવવા માટે અવરજવર અંગેની ફાઇનલ ગાઈડલાઈન્સ હજુ સુધી આવી નથી. જ્યારે દુકાન ખુલ્લી રાખવા અંગે ગત તા. 20મી ના જાહેરનામાની કાયદા મુજબ અમલવારી કરવામાં આવી રહી છે.

જિલ્લા કલેકટર મીનાએ જણાવ્યું હતું કે, અન્ય જિલ્લામાંથી આ જિલ્લામાં આવતા લોકો માટે હોમ કવોરોન્ટાઈન તથા સરકારી કવોરોન્ટાઈન ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જ્યારે નવી ગાઈડલાઈન્સ મુજબ ડીસ્ટ્રીક લેવલે અહીંના સ્થાનિક પ્રશાસન પણ નિર્ણયનો ઉમેરો કરી શકશે.હાલ સરકાર દ્વારા અત્રે ફસાયેલાઓને અન્ય રાજ્યમાં જવા માટેની પરવાનગી આપવામાં આવી છે. ત્યારે આ જિલ્લામાં 316 જેટલા યાત્રાળુઓ-શ્રદ્ધાળુઓ ફસાયા છે. જે અંગે તમામ માહિતી અહીંના પ્રસાશન દ્વારા મેળવી, હાલ અત્રે વેસ્ટ બેંગાલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિગેરેના લોકોને તેમના વતન મોકલવા માટેની વ્યવસ્થા અંગેનો એકશન પ્લાન હાથમાં કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યમાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 8778 શ્રમિકો છે. જે પૈકી સૌથી વધુ 7545 મધ્યપ્રદેશના ઉપરાંત બિહાર, રાજસ્થાન વિગેરે રાજ્યના શ્રમિકો અત્રે આવેલા હોય, તેઓ માટે અન્ય રાજ્યની સરકાર, પ્રસાશન સાથેની ચર્ચા વિચારણા પણ થઈ રહી છે. આ માટે સ્થાનિક ગ્રામ પંચાયત લેવલે પણ ચર્ચા- વિચારણા કરી, લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અને મંજૂરી મળ્યે સર્ટિફિકેટ સાથે આ શ્રમિકો તથા અન્ય લોકોને જે- તે રાજ્યમાં મોકલવાની કામગીરી પૂર્ણ થશે.

આ વચ્ચે સ્વૈચ્છિક રીતે પોતાના વાહનમાં પોતાના વતનમાં જવા ઈચ્છતા લોકો મંજૂરી લઈને જઈ શકશે તેમ જિલ્લા કલેકટર દ્વારા વધુમાં જણાવાયું હતું.

આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, જિલ્લા આરોગ્ય અધિકારી, લગત કચેરીના અધિકારી અને પ્રિન્ટ તથા ઈલેકટ્રોનિક મિડીયાના પત્રકારો/પ્રતિનિધીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય

દ્વારકા જિલ્લામાં આખા ચોમાસાનો દોઢ ગણો વરસાદ વરસી ગયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે મંગળવાર સુધી અવિરત રીતે વરસી હતી. જો કે ગઈકાલે સાંજથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જ્યારે દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીના નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ગઈકાલ સુધી કુલ 54 ઈંચ સાથે 1309 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે મોસમનો કુલ 184 ટકા સુધી પહોંચી ગયો છે. મંગળવારે બપોર સુધી અવિરત રીતે ચાલુ રહેલા ભારે ઝાપટા સાથેના વરસાદે આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક માં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાં 41 ઈંચ (1021 મીમી) પાણી વરસી જતાં તાલુકામાં થોડા ઘણા અંશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના 5 કલાકના સમયગાળા દરમિયાન પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જોકે આજે પણ દિવસ દરમિયાન મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા અમીછાંટણા થયા હતા અને થોડો સમય ઉઘાડ જેવું વાતાવરણ પણ આજે સવારે જોવા મળ્યું હતું. હાલની પરિસ્થિતિમાં વરસાદી બ્રેક સાથે ઉઘાડ અનિવાર્ય ગણાય છે. ત્યારે લોકો તથા ધરતીપુત્રો હવે થોડો સમય મેઘરાજાના વિરામની આશા રાખે છે.

જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: દ્વારકામાં રાત્રે છ ઇંચ વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં પણ ગઈકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકામાં ગઈકાલે સાંજે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર આઠ ઈંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળેલ. છે આ સાથે ગઈકાલે ૨૪ કલાક દરમિયાન 9 ઈંચ (229 મીમી)  વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 24 કલાક દરમિયાન 11.5 ઈંચ ( 285 મીમી) તથા ભાણવડમાં સવા આઠ ઈંચ (208 મીમી) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે.

જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના સચરાચર અને ભારે વરસાદના પગલે નાના-મોટા તમામ ચેકડેમો સાથે વિશાળ જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઈ જતા ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં ખંભાળિયાના મહત્વના ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા, ઉપરાંત વર્તુ-1,  સોનમતી, મિણસાર (વાનાવડ), વેરાડી -1, વેરાડી-2, સિંધણી, શેઢા ભાડથરી, કબરકા, ગઢકી, કંડોરણા, વર્તુ-2 નામના ડેમનો સમાવેશ થાય છે.  આમ સમગ્ર જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ગયો છે.

જિલ્લામાં વરસાદની ટકાવારી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી આજે બુધવારે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં 41 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 29 ઈંચ, દ્વારકા તાલુકામાં 21.5 ઈંચ, અને ભાણવડમાં 19.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ટકાવારીમાં જોઈએ તો ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ 183.33 ટકા, કલ્યાણપુર તાલુકામાં 138 ટકા, દ્વારકા તાલુકામાં 147.52 ટકા અને ભાણવડ તાલુકામાં 108.72 ટકા જેટલો ભારે વરસાદ વરસી ગયો છે.

આમ, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક દિવસોમાં 108 ટકાથી 188 ટકા સુધી ભારે વરસાદ વરસી જતા અતિવૃષ્ટિ તથા નુકસાની તેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા મેઘરાજા હવે થોડા દિવસ લ્યે અને જનજીવન થાળે પડે તેમ સૌ ઇચ્છી રહ્યા છે.

વધુ વાંચો

રાજ્ય

સિક્કામાં ફાટક વચ્ચે માલગાડી રોકાય જતાં માર્ગો બંધ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાનાં સિક્કા ગામે પંચવટી ફાટક પાસે રેલ્વે પાટા ઉખડી જતા રેલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતાં માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

જામનગર જિલ્લાના સિક્કા ગામે આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિક્કા ગામમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં માલગાડી દ્વારા કોલસા માંગાવવામાં આવતાં હોય છે. આજે રાબેતા મુજબ આ માલગાડી સિક્કા પંચવટી ફાટક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રેલના પાટા ઉખડી જતાં રેલગાડી ફાટકમાં વચ્ચે ઉભી રહી ગઇ હતી. જેના પરિણામે ફાટક બંધ હોય પંચવટી ભગવતી ટીપીએસ મુંગણી ગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. એક બાજુ મુશળધાર વરસાદ ચાલું હોય રસ્તાબંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

કોરોના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પ્રૌઢને ભરખી ગયો

દ્વારકા જિલ્લામાં કોરોનાથી કુલ 3ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે આજ સુધી કુલ 29 નોંધાયા છે. તે પૈકી અગાઉ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ આજે ત્રીજું મૃત્યુ નિપજયું છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે ગત તારીખ 28 મી જૂનના રોજ સુરતથી જયંતીભાઈ ઝીણાભાઈ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ આવ્યા હતા. જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ પછી ઉપરોક્ત પ્રૌઢના 90 વર્ષનાં માતા પણ કોરોના પોઝિટિવ થતા તેમને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસની બીમારી ધરાવતા ઉપરોક્ત પ્રૌઢ જેન્તીભાઇ રાઠોડનું આજરોજ સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ત્રણ થયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ