Connect with us

રાજ્ય

રાજ્ય સરકારની VATની કલમ 84A ગેરબંધારણીય

ગુજરાત હાઇકોર્ટનો સિમાચિન્હરૂપ ચૂકાદો : સુધારા મનસ્વી પ્રકારનાં ન હોવા જોઇએ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત VATની ધારા 84Aને ગેરવાજબી, ગેરકાદેસર અને ગેરબંધારણીય ઠેરવીને તેને રદબાતલ કરવાનો સિમાચિહ્નરૂપ ચુકાદો હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ એ.સી.રાવની ખંડપીઠે આપ્યો છે. ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું છે કે,‘આ મામલે થયેલી તમામ અરજીઓ ગ્રાહ્ય રાખવામાં આવે છે અને ગુજરાત VATની ધારા 84Aને ગેરબંધારણીય ઠેરવવામાં આવે છે. એટલું જ નહીં, આ ધારા બંધારણના સેવન્થ શિડ્યૂલની લિસ્ટ બેની એન્ટ્રી ૫૪ હેઠળ પણ એ રાજ્યની ધારાસભાની કાયદેસરની ક્ષમતાની બહારનો વિષય હોઇ તેને ગેરબંધારણીય ઠરાવવામાં આવે છે. પરિણામે અરજદારોને એ અન્વયે જે પણ નોટિસો વેટ વિભાગ દ્વારા પાઠવવામાં આવી છે એને પણ રદ કરવામાં આવે છે.’ અરજદાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નિરમા લિ.ને આ ચુકાદાથી મોટી રાહત મળી છે. જ્યારે કે ચુકાદાની અમલવારી પર સ્ટેની રાજ્ય સરકારની માગ પણ ખંડપીઠે ફગાવી કાઢી હતી.

સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિ. (નિરમા લિ.) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા આ સમગ્ર મામલે રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી અને વેટ વિભાગ દ્વારા આકારણી માટેની પાઠવવામાં આવેલી નોટિસો તથા VATની ધારા 84Aને પડકારવામાં આવી હતી.

કેસની હકીકત મુજબ VATના કાયદામાં એમેન્ડમેન્ટ કરીને ધારા 84Aનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે પાછલી અસરથી આકારણી માટેની કાર્યવાહીને અમલી બનાવતી ધારા હતી. આ ધારા મુજબ એડિશનલ કમિશનરે અરજદાર કંપનીને ફ્રેશ નોટિસ પાઠવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૦૮-૦૯ની આકારણીમાં સુધારો કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટને આઠ ટકા સુધી ઘટાડવાની કાર્યવાહી કરી હતી. જો કે પ્રસ્તુત કેસમાં સમયસીમાના તબક્કો ત્રણ વર્ષ એટલે કે ૩૦-૩-૧૩થી ૩૦-૩-૧૬ સુધીનો જ હતો. પરંતુ ધારા 84A અમલમાં આવતાં આ તબક્કાનો સમય ૧૮-૧-૧૩થી ૨૨-૯-૧૭ જેટલો થઇ ગયો હતો અને ત્રણ વર્ષની સમયસીમાનો અહીં છેદ ઊડી ગયો હતો. તેથી ધારા 84Aની બંધારણીયતાને પડકારતી રિટ કરાઈ હતી.

જસ્ટિસ પારડીવાલાની ખંડપીઠે ચુકાદામાં ઠરાવ્યું હતું કે,‘દેશના બંધારણના અનુચ્છેદ ૨૪૬એ મુજબ કેન્દ્ર અે રાજ્ય ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ માટે અલગ-અલગ સત્તા મળતી નથી. કેમ કે GSTનો આશય જ ટેક્સના માળખામાં એકસૂત્રતાનો છે.’ સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટાંકતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે,‘રાજ્ય સરકારને ટેક્સ સહિતના કાયદામાં સુધારાવધારા કરવાની સત્તા છે, પરંતુ તે સુધારાવધારા ગેરવાજબી કે મનસ્વી ન હોવા જોઇએ.’

રાજ્ય

દ્વારકા જિલ્લામાં આખા ચોમાસાનો દોઢ ગણો વરસાદ વરસી ગયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી શરૂ થયેલી મેઘસવારી ગઈકાલે મંગળવાર સુધી અવિરત રીતે વરસી હતી. જો કે ગઈકાલે સાંજથી ખંભાળિયા તાલુકામાં મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જ્યારે દ્વારકા સહિતના કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીના નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો.

ખંભાળિયા તાલુકાના ગઈકાલ સુધી કુલ 54 ઈંચ સાથે 1309 મિલીમીટર વરસાદ પડ્યો છે. જે મોસમનો કુલ 184 ટકા સુધી પહોંચી ગયો છે. મંગળવારે બપોર સુધી અવિરત રીતે ચાલુ રહેલા ભારે ઝાપટા સાથેના વરસાદે આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક માં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ છેલ્લા ત્રણ દિવસના સમયગાળામાં 41 ઈંચ (1021 મીમી) પાણી વરસી જતાં તાલુકામાં થોડા ઘણા અંશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીના 5 કલાકના સમયગાળા દરમિયાન પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ પછી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. જોકે આજે પણ દિવસ દરમિયાન મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા અમીછાંટણા થયા હતા અને થોડો સમય ઉઘાડ જેવું વાતાવરણ પણ આજે સવારે જોવા મળ્યું હતું. હાલની પરિસ્થિતિમાં વરસાદી બ્રેક સાથે ઉઘાડ અનિવાર્ય ગણાય છે. ત્યારે લોકો તથા ધરતીપુત્રો હવે થોડો સમય મેઘરાજાના વિરામની આશા રાખે છે.

જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર: દ્વારકામાં રાત્રે છ ઇંચ વરસાદ વરસ્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાં પણ ગઈકાલે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દ્વારકા તાલુકામાં ગઈકાલે સાંજે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ધોધમાર આઠ ઈંચ વરસાદ વરસી ગયાનું જાણવા મળેલ. છે આ સાથે ગઈકાલે ૨૪ કલાક દરમિયાન 9 ઈંચ (229 મીમી)  વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 24 કલાક દરમિયાન 11.5 ઈંચ ( 285 મીમી) તથા ભાણવડમાં સવા આઠ ઈંચ (208 મીમી) વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળેલ છે.

જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના સચરાચર અને ભારે વરસાદના પગલે નાના-મોટા તમામ ચેકડેમો સાથે વિશાળ જળાશયો પણ સંપૂર્ણપણે ભરાઈ જતા ઓવરફ્લો થઈ ગયા છે. જેમાં ખંભાળિયાના મહત્વના ઘી ડેમ, સિંહણ ડેમ, મહાદેવીયા, ઉપરાંત વર્તુ-1,  સોનમતી, મિણસાર (વાનાવડ), વેરાડી -1, વેરાડી-2, સિંધણી, શેઢા ભાડથરી, કબરકા, ગઢકી, કંડોરણા, વર્તુ-2 નામના ડેમનો સમાવેશ થાય છે.  આમ સમગ્ર જિલ્લામાં પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ગયો છે.

જિલ્લામાં વરસાદની ટકાવારી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારથી આજે બુધવારે સવાર સુધીમાં ખંભાળિયા તાલુકામાં 41 ઈંચ, કલ્યાણપુર તાલુકામાં 29 ઈંચ, દ્વારકા તાલુકામાં 21.5 ઈંચ, અને ભાણવડમાં 19.5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે ટકાવારીમાં જોઈએ તો ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ 183.33 ટકા, કલ્યાણપુર તાલુકામાં 138 ટકા, દ્વારકા તાલુકામાં 147.52 ટકા અને ભાણવડ તાલુકામાં 108.72 ટકા જેટલો ભારે વરસાદ વરસી ગયો છે.

આમ, હવે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાના પ્રારંભિક દિવસોમાં 108 ટકાથી 188 ટકા સુધી ભારે વરસાદ વરસી જતા અતિવૃષ્ટિ તથા નુકસાની તેવી પરિસ્થિતિ સર્જાય તે પહેલા મેઘરાજા હવે થોડા દિવસ લ્યે અને જનજીવન થાળે પડે તેમ સૌ ઇચ્છી રહ્યા છે.

વધુ વાંચો

રાજ્ય

સિક્કામાં ફાટક વચ્ચે માલગાડી રોકાય જતાં માર્ગો બંધ થયા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લાનાં સિક્કા ગામે પંચવટી ફાટક પાસે રેલ્વે પાટા ઉખડી જતા રેલગાડી ફાટક વચ્ચે ઉભી રહી જતાં માર્ગ બંધ થઇ જવા પામ્યો છે.

જામનગર જિલ્લાના સિક્કા ગામે આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સિક્કા ગામમાં આવેલ થર્મલ પાવર સ્ટેશનમાં માલગાડી દ્વારા કોલસા માંગાવવામાં આવતાં હોય છે. આજે રાબેતા મુજબ આ માલગાડી સિક્કા પંચવટી ફાટક ક્રોસ કરી રહી હતી. એ દરમિયાન રેલના પાટા ઉખડી જતાં રેલગાડી ફાટકમાં વચ્ચે ઉભી રહી ગઇ હતી. જેના પરિણામે ફાટક બંધ હોય પંચવટી ભગવતી ટીપીએસ મુંગણી ગામ જવાના રસ્તા બંધ થઇ ગયા હતા. એક બાજુ મુશળધાર વરસાદ ચાલું હોય રસ્તાબંધ થઇ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વધુ વાંચો

રાજ્ય

કોરોના ભાણવડ તાલુકાના વાનાવડ ગામના પ્રૌઢને ભરખી ગયો

દ્વારકા જિલ્લામાં કોરોનાથી કુલ 3ના મોત

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના અંગે આજ સુધી કુલ 29 નોંધાયા છે. તે પૈકી અગાઉ બે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા બાદ આજે ત્રીજું મૃત્યુ નિપજયું છે.

ભાણવડ તાલુકાના વાનાવડ ગામે ગત તારીખ 28 મી જૂનના રોજ સુરતથી જયંતીભાઈ ઝીણાભાઈ રાઠોડ નામના 55 વર્ષના પ્રૌઢ આવ્યા હતા. જેમને કોરોના પોઝિટિવ આવ્યા બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી હતી. આ પછી ઉપરોક્ત પ્રૌઢના 90 વર્ષનાં માતા પણ કોરોના પોઝિટિવ થતા તેમને હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ડાયાબિટીસની બીમારી ધરાવતા ઉપરોક્ત પ્રૌઢ જેન્તીભાઇ રાઠોડનું આજરોજ સવારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુઆંક ત્રણ થયો છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ