Connect with us

રાજ્ય

જામજોધપુરના બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસવડા

જામજોધપુરમાં જૂગારસ્થળે આરઆરસેલનો દરોડો : આ દરોડા બાદ પોલીસવડા દ્વારા કડક કાર્યવાહી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુરમાં હાલમાં જ આરઆરસેલ દ્વારા જૂગાર રમાતા સ્થળે રેઈડ કરાતા આ બનાવના પગલે જિલ્લા પોલીસવડાએ બે પોલીસકર્મચારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ રેંજ આરઆરસેલ દ્વારા હાલમાં જ જામજોધપુરમાં જૂગાર રમાતા સ્થળે રેઈડ કરવામાં આવી હતી અને આ જૂગારદરોડાના પગલે જામનગર જિલ્લા પોલીસવડા શ્ર્વેતા શ્રીમાળી દ્વારા જવાબદાર બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાઈ ગયો છે. આરઆરસેલની રેઈડના પગલે જિલ્લા પોલીસવડા દ્વારા રમેશ બાવળીયા અને ખીમશી ડાંગર નામના બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

રાજ્ય

કલ્યાણપુરના મેવાસા ગામે 6.70 લાખની ખનીજચોરી ઝડપાઇ

પોલીસે 26.40 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દ્વારકા પોલીસે કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામેથી રૂા.6.70 લાખની ખનીજ ચોરી પકડી પાડી છે. આ ઉપરાંત બોકસાઇટના ગેરકાયદે ઉત્ખનન અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતા રૂા.25 લાખની કિંમતના વાહનો અને સાધનો પણ કબ્જે કર્યા છે. જ્યારે ત્રણ શખ્સોની ખનીજચોરી મામલે ધરપકડ કરવામાં આવી છે.
રેન્જ આઇ.જી. સંદિપસિંહ તથા જિલ્લા પોલીસવડા સુનીલ જોષીની સૂચના અન્વયે દ્વારકા એલસીબીના પીઆઇ જે.એમ.ચાવડા તથા તેમના સ્ટાફ દ્વારા કલ્યાણપુર તાલુકાના મેવાસા ગામે સરકારી ખરાબામાં ધમધમતા બોકસાઇટના ગેરકાયદે ઉત્ખનન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા સમયે અહીં જેસીબી મારફત ઉત્ખનન કરી રહેલા હેમતભાઇ ગાધેર તથા હદુભાઇ દેવાયતભાઇ લગારિયાના ટ્રક ડ્રાઇવર બુધાભાઇ પરબતભાઇ શાખરા તથા મંગાભાઇ ભીખાભાઇ લૂણા નામના શખ્સોની 28.5 ટન બોકસાઇટ ભરેલા ટ્રક સાથે ઝડપી લીધા હતાં. પકડાયેલા શખ્સો દરોડા સમયે નાસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે તેમને દબોચી લીધા હતાં. મેવાસાના સરકારી ખરાબામાં રાત્રિ દરમ્યાન ચોરી છૂપીથી બોકસાઇટ ખનનની પ્રવૃતિ કરવામાં આવી રહી હતી. પકડાયેલા ત્રણેય શખ્સોને મુદ્દામાલ સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યા હતાં.

વધુ વાંચો

રાજ્ય

ખંભાળિયા નજીક હાઈવેના વાહનો શહેરમાંથી ડાઈવર્ટ કરાતા પ્રદૂષણથી નગરજનો ત્રસ્ત

નાગરિક સમિતિ દ્વારા વિવિધ મુદ્દે રજુઆતો કરાઈ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયા નજીકમાં હાઈવે માર્ગ પરથી ફોર લેન સહિતના રસ્તાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે ખંભાળિયાના પાદરમાં આવેલા એક પુલનું પણ કામ ચાલુ હોય, આ રસ્તાનો ટ્રાફિક ખંભાળિયા શહેરમાંથી ડાઈવર્ટ કરાતા વધી રહેલા પ્રદૂષણના મુદ્દે સંબંધિત સત્તાવાળાઓને સવિસ્તૃત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખંભાળિયા તાલુકાના દેવળિયા ગામથી દ્વારકાના કુરંગા સુધી ફોર લેન રસ્તાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. ખંભાળિયાના પાદરમાં રસ્તા ઉપરાંત પુલ અંગેનું કામ પણ હાલ પૂરજોશમાં ચાલુ હોવાથી આ હાઈવે માર્ગ પરનો ટ્રાફિક કામ ચલાઉ ધોરણે ખંભાળિયા શહેરના ચાર રસ્તા વિસ્તારમાં થઈને ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
ખંભાળિયાના મિલન ચાર રસ્તા, જડેશ્વર રોડ, સ્ટેશન રોડ પર ડાઈવર્ટ થઈને દોડતા વાહનોના કારણે વ્યાપક પ્રમાણમાં પ્રદુષણ વધી રહ્યું છે. આટલું જ નહીં, આ વર્ષે વરસેલા ભારે વરસાદના કારણે આ માર્ગ તદ્દન ધોવાઈને બિસ્માર થઈ ગયો છે. આ વચ્ચે માર્ગ પરથી દિવસ-રાત દોડતા નાના-મોટા અનેક વાહનોના કારણે આ માર્ગ પર આવેલા દુકાનો, ગેરેજ તથા નજીક આવેલા રહેણાક મકાનોમાં પણ પ્રદૂષણના કારણે આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે. છેલ્લા ઘણા સમયથી ધૂળ તેમજ રજકણના કારણે સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિના કારણે આ વિસ્તારના દુકાનદારો તથા નગરજનો ત્રસ્ત બની ગયા છે. આ ગંભીર મુદ્દે અહીંની નાગરિક સમિતિના પ્રમુખ ડૉ. એચ.એન. પડિયા, ડૉ. તુષાર ગોસ્વામી, ડૉ. શાલીન પટેલ દ્વારા આ વિસ્તારના રહીશો, દુકાનદારોની સહીઓ સાથેનો એક લેખિત પત્ર પાઠવી આ મુદ્દે નેશનલ હાઇવેના ટ્રાફિકનું ડાયવર્ઝન યોગ્ય આપીને અન્ય સ્થળેથી કાઢવા તેમજ ઉપરોક્ત જર્જરીત રોડ તાકીદે અને યુદ્ધના ધોરણે નવેસરથી બનાવવામાં આવે તે માટે રજૂઆત કરી હતી. આમ, હાઈવે પરના ટ્રાફિકને શહેરમાંથી ડાઈવર્ટ કરાતા સર્જાયેલા પ્રદૂષણના મુદ્દે તાકીદે નક્કર પગલાં લેવા માટે અધિકારીઓ તથા પદાધિકારીઓને રજૂઆતો કરાઈ છે.

વધુ વાંચો

રાજ્ય

જામજોધપુર પોલીસે જૂગારનો ખોટો કેસ કરી ‘તોડ’ કર્યાની ફરિયાદ

મંદિરના જિર્ણોધ્ધાર માટે બેસેલા લોકોને જૂગારમાં ફીટ કરી દીધાં!: જિર્ણોધ્ધારની દોઢ લાખની રકમ ગાયબ: ખોટા જૂગાર કેસમાં મામુલી રકમ દર્શાવી : જવાબદાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગણી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુર તાલુકાના રબારિકા ગામની સીમમાં મંદિરના જિર્ણોધ્ધાર માટે ભેગા થયેલા ગ્રામજનોને પોલીસે જૂગારમાં ફીટ કરી જિર્ણોધ્ધારની દોઢ લાખની રોકડ રકમના બદલે જૂગારમાં મામુલી રકમ બતાવી ખોટો કેસ કર્યાની જામજોધપુરના ફોજદાર સહિતના પોલીસકર્મીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના રબારિકા ગામની સીમમાં આવેલા મંદિરના જિર્ણોધ્ધાર માટે ગત તા.19 ના રોજ રાત્રિના સમયે જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય માલદે પરબતભાઈ કરમુર સહિતના 14 થી 15 વ્યક્તિઓ મંદિર પાસે બેઠા હતાં. તે દરમિયાન રાત્રિના સમયે જામજોધપુર પીએસઆઈ ઝાલા અને સુરેન્દ્રસિંહ જાડેજા તથા રાકેશ ભના ચૌહાણ સહિતના પોલીસકર્મીઓએ આવીને ગ્રામજનોને અહિયા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેવી બાતમી મળી છે અને આ લોકોને માસ્ક માટે દંડ ભરવો પડશે તેમ જણાવી પહોંચ મેળવવા માટે સાથે આવવું પડશે તેમ કહી બધાંને પોલીસ સ્ટેશને લઇ ગયા હતાં. જ્યાં માલદેભાઈના ખીસ્સામાં રહેલી મંદિરના જિર્ણોધ્ધારની દોઢ લાખની રોકડ અને અને અન્ય છ લોકોના ખીસ્સામાં રહેલી રોકડ પોલીસે કાઢી લીધી હતી અને ત્યારબાદ આ વ્યક્તિઓ ઉપર જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમતા હોવાનો મામુલી રોકડ રકમ સાથેનો કેસ કર્યો હતો.
જે સ્થળે જૂગાર રમતા હોવાનું પોલીસ રેકર્ડમાં દર્શાવાયું છે તે સ્થળે બેસવાની જગ્યા પણ નથી અને પોલીસે ગ્રામજનો વિરૂધ્ધ કરેલા ખોટા જૂગારના કેસ અને મંદિરના જિર્ણોધ્ધારની રોકડ રકમ દર્શાવી ન હતી. આ લોકો વિરૂધ્ધ પોલીસ દ્વારા દાખવેલી ક્ધિનાખોરી મામલે માલદેભાઈ કરમુર દ્વારા જામનગર જિલ્લા પોલીસવડા, રાજકોટ રેંજ આઈજી, લાંચ-રૂશ્વત શાખા અને જામનગર સાંસદને લેખિત રજૂઆત કરી આવી રીતે ગ્રામજનોને પરેશાન કરી ‘તોડ’ કરતા પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા રજૂઆત કરી હતી.

રબારિકાના અગ્રણી સામાજિક કાર્યકર અને રાજકીય આગેવાન માલદેભાઈ બે દાયકાથી રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તેમજ જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પ્રમુખ પણ રહી ચૂકયા છે અને જિલ્લા પંચાયતના માજીસભ્ય તથા જુદી જુદી સમિતિઓમાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી છે. આ આગેવાનની રાજકીય કારકિર્દી પૂર્ણ કરી દેવા કિન્નાખોરી રાખી જૂગારના ખોટા કેસમાં ફીટ કરી દીધાની રજૂઆત કરી હતી.

વધુ વાંચો

ટ્રેન્ડીંગ