ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં નાની મોટી નદીઓ પર લાખોની સખ્યામાં બ્રિજ બનતાં હોય છે. પરંતુ કયારેક કુદરત પણ નવા પ્રકારનું એન્જીનીયરીંગ કરતી હોય છે. આ ફોટો જોઇને કોઇને એમ થાય કે, આ બ્રિજનો એન્જીનીયર ઇજનેરી ભણતી વખતે ચોરી કરીને પાસ થયો હશે ! પરંતુ એવું નથી, બ્રિજ બની ગયા પછી નદીએ વ્હેણ બદલી નાંખ્યુ છે.
મધ્ય અમેરિકાના હોન્ડારૂસમાં ચોલુટેકા નામની નદી પર નેશનલ હાઇ-વેને જોડવા માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. ભયાનક તોફાનો માટે જાણીતા આ પ્રદેશમાં બાંધકામો કરવા એક પ્રકારની ચેલેન્જ હોય છે એટલે આ બ્રિજનું બાંધકામ જાપાનની કંપનીને સોેંપવામાં આવ્યું. આ બ્રિજ બની ગયા પછી થોડા દિવસમાં હરિકેન (વાવાઝોડું) ત્રાટકયું સાથે વરસાદ. ચાર દિવસમાં 75 ઇંચ વરસાદ પડયો, 7000 લોકોના મોત થયા. પારાવાર નુકશાન થયું. મોટાંભાગના બાંધકામો પડી ગયા પરંતુ આ બ્રિજની એક પણ કાંકરી ખરી નહી. પરંતુ એક બીજી સમસ્યા ઉભી થઇ, બ્રિજ નકામો બની ગયો કારણ કે, બ્રિજ નીચેથી પસાર થતી નદીએ ભારે વરસાદને કારણે પોતાનું વ્હેણ બદલી નાખ્યું.