Connect with us

શહેર

જામનગરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું : જામનગર ટાઉનહોલ ખાતે પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો : શહેરના સાત સ્વસહાય જૂથો સાથે બેંકોએ એમઓયુ કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગુજરાતના 1 લાખ લાયેબીલીટી એન્ડ અર્નીંગ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં એક ગ્રુપમાં 10બહેનો આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાશે. આમ આ યોજના થકી ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રીએ ગઇકાલે આ યોજનાનું ઇ-લોન્ચિંગ કર્યું હતું. જેમાં જામનગર ખાતે આ યોજનાના લોકાર્પણ પ્રસંગે શહેરમાં 7 સ્વસહાય જુથની લોન મંજૂર થઈ કરવામાં આવી હતી, જેના માટે જામનગરની વિવિધ ક્રેડિટ સોસાયટીઓ-સહકારી બેંકો સાથે એમ.ઓ.યુ કર્યા હતા અને આ સાત સ્વસહાય જુથોને ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લોન મંજૂર અંગેના પત્રોની ફાઈલ સોંપવામાં આવી હતી.


આ ઇ-લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ સન્માનનીય અને પૂજનીય સ્થાન ધરાવે છે. હાલના સમયમાં આ સ્ત્રીઓ પુરુષ સમોવડી બનીને સત્તામાં, નોકરીમાં દરેક સ્થાને તે આગળ વધી છે. દેશના વિકાસમાં સ્ત્રીઓનું પણ પુરુષ જેટલું યોગદાન છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા અનેક બહેનોને આર્થિક ટેકો મળશે. અગાઉ બેંકમાં ખાતું ખોલાવવાની પણ અઘરી પ્રક્રિયા હતી ત્યારે આજે શૂન્ય બેલેન્સથી પણ બેન્ક એકાઉન્ટ ખૂલે છે. અનેક બહેનોની આત્મનિર્ભર થવાની નેમને સાકાર કરવા રાજ્ય સરકારે આ યોજના થકી ઝીરો ટકા વ્યાજથી આ જૂથોને એક લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવામાં બહેનોનું આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનવું પ્રથમ પગલું છે.

જામનગર ખાતેના આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ લાવી લોકોને સહાય રૂપ બની રહી છે. કોરોનાના કાળમાં આ લડાઈ જીતવા માટે સક્ષમ બનાવવાની આવશ્યકતા છે ત્યારે આત્મનિર્ભર પેકેજ અંતર્ગત દરેક બહેનો આત્મનિર્ભર બનવા, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બનવા આ કોરોનાના કાળમાં પણ સંઘર્ષ કરી રહ્યા છે. આ યોજના થકી મહિલાઓએ પગભર થવાનો પ્રયાસ કરવાનો છે. મહિલાઓ સશક્ત બને પરિવારને સક્ષમ બનાવે તે માટે મહિલાઓને આત્મનિર્ભર બનવું જરૂરી છે. આ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના ઘરને, સમાજને આગળ વધારી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકશે તેમ પુર્વ મંત્રીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, દંડક જડીબેન સરવૈયા, કમિશનર સતીશ પટેલ, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, અન્ય કોર્પોરેટરો અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

શહેર

જામનગરમાં વધુ એક કોવીડ હોસ્પીટલનું મંગળવારે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ

આધુનિક એક્સ-રે મશીન, પ્લાઝમા બેંક અને પોસ્ટ કોવીડ રીહેબીલીટેશન સેન્ટર પણ ખુલ્લા મુકવામાં આવશે

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સૌપ્રથમ 720 બેડની સુવિધા સાથેનું કોવિડ સેન્ટર ઉભુ કરાયા પછી બાજુમાં જ આવેલા બીજા બિલ્ડિંગમાં 127 બેડની સુવિધા ઉભી કરાઈ હતી, ત્યાર પછી આજે જી.જી.હોસ્પિટલના જુના બિલ્ડિંગના સર્જીકલ વિભાગમાં 232 બેડની સુવિધા સાથેની નવી કોવિડ-સી હોસ્પિટલ તૈયાર થઈ છે. જેનું રાજ્યના મુખ્યમંત્રી મંગળવારે ઈ-લોકાર્પણ કરશે.

જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર, મ્યુનિ. કમીશનર સતીષ પટેલ, તેમજ જીજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.તિવારી અને ડીન ડો.નંદિની દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીજી હોસ્પિટલના જુના બિલ્ડિંગના સર્જીકલ વિભાગને કોવિડ હોસ્પિટલ તરીકે કન્વર્ટ કરી દેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કોવિડ માટેના બેડ વધારવા માટેની સૂચના અપાયા પછી વહીવટીતંત્ર દ્વારા જી.જી.હોસ્પિટલમાં બેડ વધારવાની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

સર્જીકલ વિભાગ કે જેની એન્ટ્રી મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી થઈ શકે તેમ હોવાથી ત્યાં સંપૂર્ણ સુવિધા ઉપલબ્ધ કરી લેવામાં આવી છે. કોવિડ-સી નામના આ સેન્ટરમાં કુલ 232 બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. જે પૈકી 22 બેડ વેન્ટિલેટરની સુવિધા સાથે ના રહેશે, જ્યારે બાકીના તમામ બેડમાં ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરી લેવામાં આવી છે. અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નવા કોવિડ-સી બિલ્ડિંગનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવશે.

આ ઉપરાંત જામનગરની સ્વાસ્થ્ય સુવિધાઓને સુદ્રઢ કરવા માટે લીનીયર એક્સીલરેટર તથા સીટી સિમ્યુલેટર મશીન, પોસ્ટ કોવીડ કાર્ડીયેક અને પલ્મોનરી રીહેબીલીટેશન સેન્ટર તેમજ અત્યાધુનિક એક્સ-રે મશીન અને પ્લાઝમા બેન્કનું પણ મુખ્યમંત્રી દ્વારા મંગળવારે સવારે ૧૧ વાગ્યે એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડીટોરીયમમાં વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે.

વધુ વાંચો

શહેર

પતિએ મોબાઇલ લઈ લેતા ઘરેથી ચાલી ગયેલી યુવતીનો મૃતદેહ સાંપડયો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામજોધપુરમાં માકડિયાવાસ વિસ્તારમાં રહેતી યુવતીને તેણીના પતિએ યુવતી ઘરેથી ચાલી ગયા બાદ તેનો મૃતદેહ સાંપડયો હતો. જામનગર શહેરના ભગવતીપાર્ક વિસ્તારમાં રહેતા યુવાને દશ વર્ષથી થયેલી માનસિક બીમારીથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામનગર શહેરના એસટી ડેપોમાં એકાએક બેશુધ્ધ થઈ જતા અમદાવાદના યુવાનનું મોત નિપજ્યું હતું. જામનગરમાં ડીસીસી હાઇસ્કુલની પાળી પરથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે.

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામજોધપુર ગામમાં માકડિયાવાસ શેરી નં.2 મા રહેતી પ્રીયંકા જયકુમાર સંતોકી (ઉ.વ.18) નામની યુવતી ગત તા.13 ના રોજ રાત્રિના સમયે કોઇ વ્યકિત સાથે ફેસબુક પર ચેટિંગ કરતી હતી જેની જાણ થઈ જતા તેણીના પતિએ પ્રિયંકાનો મોબાઇલ લઇ લેતા યુવતી ગત તા.15 ના રોજ તેના ઘરેથી ચાલી ગઈ હતી અને શનિવારે સવારના સમયે તેનો મૃતદેહ સાંપડયાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલ્યો હતો. મૃતક યુવતીના બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકના પતિનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

બીજો બનાવ, જામનગર શહેરમાં મયુરગ્રીન ભગવતી પાર્ક શેરી નં.3 મા રહેતા નિમેષ પ્રતાપભાઈ રાબડિયા (ઉ.વ.45) નામના યુવાનને છેલ્લાં 10 વર્ષથી માનસિક બીમારી હોય અને છેલ્લાં છ માસથી બીમારી વધી જવાથી જિંદગીથી કંટાળીને રવિવારે સવારના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની મૃતકના પિતા પ્રતાપભાઈ દ્વારા જાણ કરાતા હે.કો. ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના એસટી ડેપોમાં બહારગામ જવા માટે આવેલા અમદાવાદના વાંસણા વિસ્તારમાં રીંગરોડ પર રહેતા મુનાભાઈ ધામજીભાઈ સોની (ઉ.વ.42) નામના યુવાનને રવિવારે બપોરના સમયે અચાનક ચકકર આવવાથી બેશુધ્ધ થઈ જતા 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા યુવાનને મૃતક જાહેર કરાતા પોલીસે આ બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે ચોથો બનાવ જામનગરમાં ડીસીસી હાઇસ્કૂલની પાસે કોઇ યુવાનનો મૃતદેહ સાંપડયો હોવાની રમેશભાઈ સૈની દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ આશરે 45 વર્ષના યુવાનનો મૃતદેહ પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો

શહેર

જામનગરના બ્રાસપાર્ટના ત્રણ વેપારીઓ સાથે એક કરોડ સાત લાખની છેતરપિંડી

કોઈ અજ્ઞાત સાઇબર હેકરોએ બ્રાસના વેપારીના ઇમેલ મારફતે આઇડી હેક કર્યા : અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી સાઈબર સેલ દ્વારા તપાસ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના બ્રાસપાર્ટના ત્રણ વેપારીઓ સાઇબર હેકરો નો શિકાર બન્યા છે, અને એક કરોડ સાત લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો છે. જે અંગે જામનગરના સાઇબર ક્રાઈમ સેલ માં ફરિયાદ નોંધાવાતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ઓનલાઈન ટ્રાન્ઝેકશન મારફતે સાઇબર હેકરોએ જામનગરની ત્રણ વેપારી પેઢી પાસેથી એક કરોડ સાત લાખની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી આચરાયાની ફરિયાદ નોંધાવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.

આ અંગેની વિગત મુજબ, જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર એકતા એપાર્ટમેન્ટમાં રહેતા અને દરેડ જીઆઇડીસી ફેઇસ 3 મીરા, ઇમ્પેક્ષ નામની સ્ક્રેપ આયાત કરી કમિશન થી વેચાણ કરતા મિતેશભાઈ મુકેશભાઈ કનખરા કે જેઓ લાંબા સમયથી ઇંગ્લેન્ડની યુરોપિયન મેટલ રિસાયક્લિંગ લિમિટેડ નામની કંપની સાથે બ્રાસ સક્રેપનો આયાતનો વ્યવસાય કરે છે. જે બંને પેઢી વચ્ચે ઓર્ડર અને પેમેન્ટ ઓનલાઇન થતા હોવાથી જામનગરની પેઢી એ યુકેની પેઢી મારફતે બ્રાસનો સક્રેપ મંગાવી સ્થાનિક વ્યવસાયકરોને કમિશનથી માલ પૂરો પાડી રહ્યા છે. આ વ્યવહાર દરમિયાન વેપારી મિતેશભાઇની પેઢીના ઇમેલ આઇડી સાથે કોઇપણ રીતે કંપનીનું મેલ આઇડી કોઈ અજ્ઞાત હેકરોએ હેક કરી યુકેની કંપનીના લોગો સહિત ફોર્મેટ વાળો ઈમેલ કરી બ્રાસ અંગેનો મેલ કર્યો હતો.

મિતેશભાઇ એ પોતાની પેઢીના મેલ આઈડી પરથી વર્કિંગ પાર્ટી ની જરૂરિયાત મુજબ ક્ધટેનર મંગાવ્યું હતું. હેકરોએ ઇ મેઇલમાં જ નક્કી થયા મુજબ પોતાના બેન્ક એકાઉન્ટ ની વિગતો આપી મિતેશભાઇ પાસેથી વીસ ટકા પેમેન્ટ મંગાવી લીધું હતું જે પેમેન્ટ અગાઉ બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવ્યું હતું ત્યાર પછી મિતેશભાઇ તા.4/10ના દિવસે જે તે કંપની તરફથી મેલ મળી ગયો હોવાથી તેમાં નવા એકાઉન્ટમાં વઘુ રકમ ભરપાઇ કરવાની સુચના મળતા જ જુદા જુદા એકાઉન્ટ નંબર આવ્યા હતા જેને લઈને મિતેશભાઈ પાસે માલનો ઓર્ડર આપનાર જામનગરના કેતન વેલજીભાઈ ગોરી નામના અન્ય વેપારીને નવા એકાઉન્ટમાં 63318 ડોલર પેમેન્ટની ભરપાઈ કરવા જણાવ્યું હતું. જેથી તે અંગેનું રૂા.61,13,100 નું પેમેન્ટ ટેલીગ્રાફિક પેમેન્ટ મારફતે કરાવી દીધું હતું.

એ જ રીતે અન્ય પાર્ટી જલારામ મેટલના માલિક મેહુલભાઈ જોબનપુત્રા એ પણ માલના ઓર્ડર મુજબ 63683 ડોલર ભરી દેવા જણાવ્યું હોવાથી તેના પર ડોલરની સરખામણીએ ભારતીય ચલણ મુજબ રૂા.47, 17,000 ભરી દીધા હતા. જે તમામ આર્થિક વ્યવહાર થયા બાદ યુકેની મૂળ કંપનીના જવાબદાર કર્મચારી અને જે તે પેમેન્ટની રીસીપ્ટ વોટ્સએપ નંબર પર મોકલવામાં આવતા સમગ્ર છેતરપિંડી કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને કોઈ હેકરોએ તેમના ઇ-મેલ આઇડી વગેરે હેક કરીને કુલ રૂા.1,07,86,100 ની રકમ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડ્યું હતું જેથી જામનગર સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. જેના આધારે અજ્ઞાત શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા આજ્ઞાત હેકરોની શોધખોળ ચલાવાઈ રહી છે.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ