કોરોના મહામારીનો સામનો કરતા કરતા આખરે તે દિવસ આવી ગયા છે. અમદાવાદમાં આજથી કોરોના રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં રાજ્યના મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો. હાલ વેક્સિન લેવાના લઈને નર્સિંગ સ્ટાફ, ડોક્ટરોમાં ચિંતાનો માહોલ છે. આ ચિંતાને હળવી કરવા માટે સિવિલ હોસ્પિટલના બે તબીબે સૌપ્રથમ રસી લીધી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના જે.વી.મોદી અને ડો.એચ.પી.ભાલોડિયા નામના બે ડોક્ટર્સએ સૌ પ્રથમ કોરોનાની રસી લીધી હતી.
વેકસીનને લઈને રાજ્યમાં તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે અનેક તજજ્ઞોની ટીમે વેકસીન કોને લેવાય અને કોણ ના લઇ શકે? તેના માટે અમદાવાદ સિવિલના ડો. રાકેશ જોશીએ માર્ગદર્શન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ધાત્રીમાતાઓ અને ગંભીર દર્દીઓ કોરોના વેક્સિન નહિ લઈ શકે. 18 વર્ષથી નાના બાળકોને પણ વેક્સિન નહીં મળે. એટલું જ નહીં, ગંભીર ઓપરેશન કરેલા લોકોને પણ પ્રથમ ફેઝમાં વેક્સિનનો પ્રથમ ડોઝ નહિ મળે.
ડો. રાકેશ જોશીએ માર્ગદર્શનમાં જણાવ્યું કે, વેકસીનેશન સમયે થોડી તકલીફ થાય તો ગભરાવવા જેવું કંઈ જ નથી. તમામ સેન્ટરો પર તેના માટેની પૂરતી તૈયારીઓ પણ રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનમાં આવતા લોકોને જ પ્રથમ દિવસે એટલે કે આજે વેકસીન અપાશે. વધુમાં વધુ લોકો વેકસીન લે તેવી તેમને લોકોને અમારી અપીલ છે. જે લોકોએ રજિસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેઓ ઝડપી રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લે.