Connect with us

જામનગર

જામનગરમાં લેબોરેટરીની એકાઉન્ટન્ટ અને એડમિન યુવતી દ્વારા લાખોની ઉચાપત

24 દિવસ દરમિયાન સ્ટર્લિંગ લેબોરેટરીના 6.71 લાખ અને અન્ય લેબોરેટરીના 19.36 લાખ મળી કુલ 26.08 લાખની છેતરપિંડી : કંપનીના કર્મચારી દ્વારા વિધીવત ફરિયાદ : પોલીસ દ્વારા યુવતીની ધરપકડ માટે ચક્રો ગતિમાન

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરમાં એસટી રોડ પર આવેલી વી.એમ. શાહની હોસ્પિટલમાં સ્ટર્લિંગ લેબોરેટરીમાં ફરજ બજાવતી એકાઉન્ટન્ટ યુવતીએ 24 દિવસ દરમિયાન કલેકશનના રૂા.6.71 લાખ જુદી જુદી લેબોરેટરીના આવેલા રૂા.19.36 લાખ મળી કુલ રૂા.26 લાખની ઉચાપાત કર્યાની કંપનીના કર્મચારીની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગરમાં એસટી રોડ પર આવેલી વી. એમ. શાહ હોસ્પિટલમાં સ્ટર્લિંગ લેબોરેટરીમાં એકાઉન્ટન્ટ એન્ડ એડમિન ઓફિસર તરીકે ફરજ બજાવતી જલ્પાબેન મનસુખ રાઠોડ નામની યુવતીએ તેની ફરજ દરમિયાન 14 જૂનથી 7 જૂલાઈ સુધીના 24 દિવસના સમય દરમિયાન લેબોરેટરીમાં આવેલા કલેકશનના રૂા.6,71,411 ની રોકડ રકમ તેમજ સ્ટર્લિંગ લેબોરેટરી સાથે ટાયબ થયેલી અન્ય લેબોરેટરીના કંપનીને આપવાના થતા રૂા.19,36,734 મળી કુલ રૂા.26,08,145 ની રોકડ રકમ જલ્પાએ કંપનીમાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગમાં લીધી હતી. આ વિશ્ર્વાસઘાત-છેતરપિંડીની જાણ થતા કંપનીના કર્મચારી કલ્પેશ સેજલિયા નામના યુવાને આ બનાવ અંગેની ફરિયાદ પોલીસ મથકમાં કરી હતી. જેના આધારે પોલીસે જલ્પા રાઠોડ વિરૂધ્ધ 26.08 લાખની ઉચાપાતની ફરિયાદ નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર

સ્વચ્છતા મામલે 5(ફાઇવ) સ્ટાર રેટીંગ મેળવવા જામ્યુકોનો દાવો

હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવી રહ્યું છે જામનગર શહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જામનગર શહેરનું રેટીંગ વધારવા જામ્યુકોએ કવાયત હાથ ધરી છે. હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવતા શહેરને 5(ફાઇવ) સ્ટાર રેટીંગ અપાવવા માટે તેમજ શહેરને વોટર પ્લસ જાહેર કરવા દાવેદારી કરવામાં આવી છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા દર વર્ષે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશના જુદા-જુદા શહેરોને રેટીંગ્સ આપવામાં આવે છે. જે મુજબ સ્વચ્છતાની બાબતમાં જામનગર શહેર હાલ 3(થ્રી) સ્ટાર રેટીંગ ધરાવી રહ્યું છે. હવે સરકારના રેટીંગ પ્રોટોકોલ અંતર્ગત 5(ફાઇવ) સ્ટાર રેટીંગ મેળવવા માટે જામ્યુકો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. આ માટે શહેરને ગાર્બેજ ફ્રી સીટી બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ શહેરને વોટર પ્લસ ડીકલેર કરવા એટલે કે શહેરમાં આવેલા તમામ શૌચાલયોમાં પાણીની સુવિધા ઉપરાંત શૌચાલયમાંથી નીકળતા વેસ્ટનું ભૂગર્ભ ગટર સાથે જોડાણ તેમજ ભૂગર્ભ ગટરનું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાણ કરવું આવશ્યક હોય છે. જામ્યુકોના અધિકારી અશોક જોશીના જણાવ્યા અનુસાર શહેરના તમામ શૌચાલયોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે. જેને લઇને વોટર પ્લસ માટેની દાવેદારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રેટીંગ મામલે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં ગમે ત્યારે સર્વે કરવામાં આવશે. જેના આધારે શહેરનુ રેટીંગ્સ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો

જામનગર

પાણી ચાર્જની સેટલમેન્ટ યોજનાનો લાભ લઇને 375 કરોડ બચાવશે જામ્યુકો

યોજના અંતર્ગત સરકારને 98 કરોડ ભરવા ઠરાવ: આ રકમ પણ આવશે ક્યાંથી તે એક મોટો સવાલ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાસે લાંબાસમયથી બાકી રોકાતી પાણીચાર્જની રકમ પર વ્યાજ તથા પેનલ્ટી માંડવાળ કરવા અંગે રાજ્ય સરકારે વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. આ યોજનાનો લાભ લઇને ભારે ભરખમ વ્યાજ અને પેનલ્ટીમાંથી છૂટકારો મેળવવા જામ્યુકોએ નિર્ણય કર્યો છે. આ અંગે પાણીચાર્જની બાકી રોકાતી મૂળ રકમ કે જે રૂા.98 કરોડ જેટલી થવા જાય છે, તે ભરપાઇ કરવા યોજનાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
જામનગર મહાપાલિકા દ્વારા શહેરમાં પાણી પુરુ પાડવા માટે રાજ્ય સરકાર હસ્તકના જુદા-જુદા જળાશયોમાંથી વર્ષોથી પાણી ઉપાડવામાં આવે છે. આ પાણી અંગે રાજ્યસરકાર દ્વારા મહાપાલિકા પાસેથી ચાર્જ વસૂલવામાં આવે છે. ઘણા લાંબા સમયથી મહાપાલિકા રાજ્યસરકારની પાણીનો ચાર્જ ચૂકવી શકી ન હોય તેના પર વ્યાજ અને પેનલ્ટી સહિત અત્યારે આ રકમ 473 કરોડે પહોંચી ગઇ છે. જામ્યુકોની આર્થિક સ્થિતિ ખરાબ હોય આટલી મોટી રકમ ભરી શકે તેમ નથી. પરિણામે આ રકમમાં વ્યાજ અને પેનલ્ટીનો સતત ઉમેરો થતો રહે છે. દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા પાણીચાર્જ પર વ્યાજ અને પેનલ્ટી માફ કરવા માટે એક વન ટાઇમ સેટલમેન્ટ યોજના જાહેર કરી છે. જે અન્વયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ પાણીચાર્જની બાકી રોકાતી મૂળ રકમ ભરપાઇ કરવાની તક આપવામાં આવી છે. આ યોજના મુજબ જામનગર મહાપાલિકાને પાણીચાર્જની 98 કરોડની રકમ ચૂકવવાની થાય છે. આમ આ યોજના અન્વયે જામ્યુકોને 375 કરોડ જેવો તોતિંગ ફાયદો થતો હોય મહાપાલિકાએ આ યોજનાનો લાભ લેવાનું સ્વીકાર્યું છે. ગુરૂવારે યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનર દ્વારા આ અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જામનગર મહાપાલિકાની આર્થિક સ્થિતિ જોતા યોજના મુજબની 98 કરોડની રકમ ભરપાઇ કરવી પણ મુશ્કેલ જણાય રહી છે. જામ્યુકોનું બજેટ પણ હાલ ખાધમાં ચાલી રહ્યું છે. એટલું જ નહીં, કર્મચારીઓના પગાર કરવા માટે પણ અન્ય સરકારી ગ્રાન્ટને ટ્રાન્સફર કરવાનો સહારો લેવો પડે છે. ત્યારે 98 કરોડની રકમ ભરપાઇ કઇ રીતે કરવામાં આવશે તે પણ એક મોટો પ્રશ્ર્ન છે. જો કે, જામ્યુકો શહેરમાં પોતાની માલિકીની કેટલીક જમીનો અને મિલ્કતો વેંચીને આ માટેના નાણા ઉભા કરી શકે છે.

વધુ વાંચો

જામનગર

જામનગર વીજતંત્રમાં આજે મોટું ઓપરેશન

પીજીવીસીએલની રાજકોટ કોર્પોરેટ ઓફિસથી ચીફ વિજીલન્સ ઓફિસર અને ચીફ ફાયનાન્સ મેનેજર જામનગરના બહુચર્ચિત વીજ કૌભાંડની તપાસ માટે નગરના આંગણે : સમગ્ર વીજતંત્ર સહિત લાગતાવળગતાઓમાં ‘શું થશે ?’ નો ઇન્તજાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના અન્ય કેટલાક સરકારી તંત્રોની માફક જામનગરનું વીજતંત્ર પણ અવારનવાર સમાચારોમાં ચમકે છે. વીજતંત્રની કામગીરી અને વીજતંત્રની લાલબંગલા સ્થિત કચેરીમાં થતાં ચોકકસ પ્રકારના ‘વહિવટ’ કાયમ ચર્ચામાં રહે છે. સૌ જાણે છે એમ તાજેતરમાં જામનગર વીજતંત્રનું એક તોતિંગ કૌભાંડ જાહેર થયું છે. આ કૌભાંડના એપી સેન્ટર એવા અધિકારીની રાજકોટ કોર્પોરેટ સુધી પહોંચ હોવાની અને કોર્પોરેટ ઓફિસને પણ ખુશ કરવાની તેઓની આવડત અંગે જામનગર શહેર-જિલ્લામાં ઘણા પ્રકારની ચર્ચાઓ ચાલે છે. પરંતુ પીજીવીસીએલના મહિલા મેનેજિંગ ડિરેકટર નોખી માટીના છે. આ કથિત કૌભાંડની તપાસમાં તેઓ ચમરબંધીની પણ શેહમાં આવે એમ નથી અને તપાસને નિર્ણાયક તબકકા સુધી પહોંચાડવા માટે તેઓ કટિબધ્ધ હોવાનું જાણવા મળે છે. તેઓની આ કટિબધ્ધતાના ભાગરૂપે કોર્પોરેટ ઓફિસના બે વડા અધિકારીઓને તેઓએ આ કથિત કૌભાંડની તપાસ માટે ખાસ સૂચનાઓ સાથે જામનગર મોકલ્યા છે. જેને પરિણામે જામનગરના વીજતંત્રમાં આંચકાઓ શરૂ થઇ ગયા છે. જે ગમે ત્યારે ધડાકાના રૂપમાં જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

ઔદ્યોગિક વીજ જોડાણોને રહેણાંક વીજ જોડાણો દેખાડવા અને હાઇ ટેન્શન એટલે કે, ભારે વીજ દબાણવાળા વીજ જોડાણોને લો ટેન્શન એટલે કે, ઓછા વીજ દબાણવાળા જોડાણો દેખાડી વચ્ચેથી ‘મલાઇ’ તારવી લેવાની વીજતંત્રની પરંપરા સૌ કોઇ જાણે છે. તાજેતરમાં એક અધિકારી આ પ્રકારના કથિત કૌભાંડમાં મલાઇ તારવી લીધા પછી બધી બાજુથી ઘેરાયા છે. તેને બચાવવા માટે પણ મોટાપાયે કામગીરી ચાલી રહી છે. પરંતુ પીજીવીસીએલના એમ.ડી. આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના મૂડમાં હોય આગામી દિવસોમાં જામનગરના વીજતંત્રમાં મોટો ધડાકો થાય તો નવાઇ નહીં લેખાય એમ વીજ કંપનીના અંતરંગ વર્તુળો જણાવે છે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજકોટ કોર્પોરટ ઓફિસથી જામનગર આવેલા આ બન્ને વડા અધિકારીઓએ ગુરૂવારની રાત્રિથી જ પોતાનું ઓપરેશન શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ