Connect with us

જામનગર

જામનગર વીજતંત્રમાં આજે મોટું ઓપરેશન

પીજીવીસીએલની રાજકોટ કોર્પોરેટ ઓફિસથી ચીફ વિજીલન્સ ઓફિસર અને ચીફ ફાયનાન્સ મેનેજર જામનગરના બહુચર્ચિત વીજ કૌભાંડની તપાસ માટે નગરના આંગણે : સમગ્ર વીજતંત્ર સહિત લાગતાવળગતાઓમાં ‘શું થશે ?’ નો ઇન્તજાર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગરના અન્ય કેટલાક સરકારી તંત્રોની માફક જામનગરનું વીજતંત્ર પણ અવારનવાર સમાચારોમાં ચમકે છે. વીજતંત્રની કામગીરી અને વીજતંત્રની લાલબંગલા સ્થિત કચેરીમાં થતાં ચોકકસ પ્રકારના ‘વહિવટ’ કાયમ ચર્ચામાં રહે છે. સૌ જાણે છે એમ તાજેતરમાં જામનગર વીજતંત્રનું એક તોતિંગ કૌભાંડ જાહેર થયું છે. આ કૌભાંડના એપી સેન્ટર એવા અધિકારીની રાજકોટ કોર્પોરેટ સુધી પહોંચ હોવાની અને કોર્પોરેટ ઓફિસને પણ ખુશ કરવાની તેઓની આવડત અંગે જામનગર શહેર-જિલ્લામાં ઘણા પ્રકારની ચર્ચાઓ ચાલે છે. પરંતુ પીજીવીસીએલના મહિલા મેનેજિંગ ડિરેકટર નોખી માટીના છે. આ કથિત કૌભાંડની તપાસમાં તેઓ ચમરબંધીની પણ શેહમાં આવે એમ નથી અને તપાસને નિર્ણાયક તબકકા સુધી પહોંચાડવા માટે તેઓ કટિબધ્ધ હોવાનું જાણવા મળે છે. તેઓની આ કટિબધ્ધતાના ભાગરૂપે કોર્પોરેટ ઓફિસના બે વડા અધિકારીઓને તેઓએ આ કથિત કૌભાંડની તપાસ માટે ખાસ સૂચનાઓ સાથે જામનગર મોકલ્યા છે. જેને પરિણામે જામનગરના વીજતંત્રમાં આંચકાઓ શરૂ થઇ ગયા છે. જે ગમે ત્યારે ધડાકાના રૂપમાં જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

ઔદ્યોગિક વીજ જોડાણોને રહેણાંક વીજ જોડાણો દેખાડવા અને હાઇ ટેન્શન એટલે કે, ભારે વીજ દબાણવાળા વીજ જોડાણોને લો ટેન્શન એટલે કે, ઓછા વીજ દબાણવાળા જોડાણો દેખાડી વચ્ચેથી ‘મલાઇ’ તારવી લેવાની વીજતંત્રની પરંપરા સૌ કોઇ જાણે છે. તાજેતરમાં એક અધિકારી આ પ્રકારના કથિત કૌભાંડમાં મલાઇ તારવી લીધા પછી બધી બાજુથી ઘેરાયા છે. તેને બચાવવા માટે પણ મોટાપાયે કામગીરી ચાલી રહી છે. પરંતુ પીજીવીસીએલના એમ.ડી. આ પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવાના મૂડમાં હોય આગામી દિવસોમાં જામનગરના વીજતંત્રમાં મોટો ધડાકો થાય તો નવાઇ નહીં લેખાય એમ વીજ કંપનીના અંતરંગ વર્તુળો જણાવે છે. વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજકોટ કોર્પોરટ ઓફિસથી જામનગર આવેલા આ બન્ને વડા અધિકારીઓએ ગુરૂવારની રાત્રિથી જ પોતાનું ઓપરેશન શરૂ કરી દીધું હોવાનું જાણવા મળે છે.

જામનગર

છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ

સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.

છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.

વધુ વાંચો

જામનગર

જામનગરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવકે કોઇ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી યુવતી તેણીના ઘરે દૂધ ગરમ કરવા જતા સમયે અકસ્માતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

જામનગર શહેરના સાધના કોલોની એમ-75 સામે આવેલા મયુર બંગલોમાં રહેતા પ્રશાંતભાઈ શુકલાનો પુત્ર ધ્રુવ શુકલા (ઉ.વ.18) નામના વિપ્ર યુવકે શુક્રવારે બપોરના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર પંખામાં કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મેહુલભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા વાલીબેન જાલુભાઈ ધોડા નામની યુવતી ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરે દૂધ ગરમ કરતી હતી તે દરમિયાન પવનના કારણે ચૂલાના ઝાળ કપડામાં અડી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પાલરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર. આર. કરંગીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુ વાંચો

જામનગર

1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ થશે જામ્યુકોનું બજેટ

કર દર દરખાસ્તોમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં

ખબર ગુજરાત

પ્રકાશિત

on

આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ જામનગર મહાપાલિકાનું બજેટ રજૂ થશે. આ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ જામ્યુકોની સામાન્ય સભા અસ્તિત્વમાં ન હોય આ બજેટમાં કોઇપણ નીતિ વિષયક દરખાસ્ત કે નિર્ણયો કરવામાં આવશે નહીં. જામનગર મહાપાલિકાનું નાણાંકિય વર્ષ 2021-22નું બજેટ આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચીફ એકાઉન્ટન્ટ દ્વારા બજેટને કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિશનર જ તેને મંજૂરી આપશે. જો કે, આ બજેટને અંતિમ મંજૂરી કોણ આપશે તે હજુ નિશ્ર્ચિત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, નિયમ મુજબ 20 ફેબ્રુઆરી પહેલાં બજેટને સામાન્ય સભામાં બહાલી આપી દેવાની હોય છે. પરંતુ 20 ફેબ્રુઆરી સુધીમાં નવી બોડી રચાઇ તેવી સંભાવના ઓછી હોય હાલ તૂર્ત કમિશનર જ આ બજેટને મંજૂરી આપશે અને આગળનો નિર્ણય રાજય સરકારની સૂચના મુજબ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર બજેટની દરખાસ્તો રાબેતા મુજબની હશે. જેમાં હાલના કર દર જે છે તે પ્રમાણે જ રાખવામાં આવશે. જો કે, કાયદાકિય જોગવાઇ મુજબ નવી બોડી આવ્યા બાદ પુરક બજેટ રજૂ કરીને નવી કર દરની દરખાસ્તો કરી શકે છે. ઉપરાંત નીતિ વિષયક બાબતોનો પણ ઉમેરો કરી શકાય છે.

વધુ વાંચો
Advertisement
Advertisement

ટ્રેન્ડીંગ