Connect with us

શહેર

જામનગર જિલ્લામાં છેલ્લા 20 વર્ષનો સૌથી વધુ વરસાદ વરસ્યો

જાણો વર્ષ 2001 થી 2020 સુધીના આંકડાઓ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસુ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યું છે. આ વર્ષે પણ જામનગર જિલ્લામાં છેલ્લા 20 વર્ષનો સૌથી વધુ વરસાદ થયો છે. છેલ્લે 2010માં જિલ્લામાં સરેરાશ 1331 મી.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે આ વર્ષે ગઇકાલ સુધીમાં સરેરાશ 1367 મી.મી. સાથે બે દાયકાનો સૌથી વધુ વરસાદ નોંધાય ચૂક્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 215 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

ગ્લોબલ વોર્મિંગને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસું અનિશ્ર્ચિત અને ઉગ્ર બન્યુ છે. ગત વર્ષ પણ જામનગર જિલ્લામાં ખુબ મોડા શરૂ થયેલા વરસાદ બાદ માત્ર બે મહિનામાં જ 192 ટકા વરસાદ વરસી ગયો હતો. ત્યારબાદ આ વર્ષે સતત બીજા વર્ષે અતિવૃષ્ટી જેવો માહોલ સર્જાયો છે. અને જિલ્લામાં 215 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસી ગયો છે. જિલ્લાના કેટલાંક વિસ્તારો તો ચેરાપૂંજી બની ગયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. તાલુકાના ત્રણ ગામો એવા છે જ્યાં મોસમનો કુલ વરસાદ 2000 મી.મી.ને પાર કરી ગયો છે. આ ગામોમાં પરડવા (2277 મી.મી.), ધુનડા (2024 મી.મી.), વાંસજાડિયા (2113 મી.મી.) આ એ ગામો છે. જ્યાં વર્ષા માપક યંત્રો ગોઠવવામાં આવ્યા છે. જેથી ત્યાંનો વરસાદ માપી શકાયો છે. પરંતુ કેટલાક ગામો એવા પણ છે. જ્યાં 2500 મી.મી. કરતા પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. પરંતુ માપવાના સાધનો ન હોવાને કારણે રેકોર્ડ પર આવી શક્યો નથી.

બીજી તરફ તાલુકા વાઇસ વરસાદ જોઇએ તો અત્યાર સુધીમાં જામનગરમાં 1139 મી.મી. (158 ટકા), કાલાવડમાં 1426 મી.મી. (239 ટકા), ધ્રોલમાં 1063 મી.મી. (188 ટકા), જોડિયામાં 1314 મી.મી. (220 ટકા), લાલપુરમાં 1501 મી.મી. (218 ટકા) જ્યારે જામજોધપુરમાં 1757 મી.મી. (264 ટકા) વરસાદ વરસી ચૂક્યો છે. જે છેલ્લા બે દાયકાનો સૌથી વધુ સરેરાશ વરસાદ છે. હજુ પણ ચોમાસાને પખવાડિયા જેટલો સમય બાકી હોય આ વર્ષનું ચોમાસું નવા રેકોર્ડ સર્જી શકે છે.

જામનગર જિલ્લામાં છેલ્લા 20 વર્ષનો સરેરાશ વરસાદ

વર્ષ સરેરાશ વરસાદ(મી.મી.)
2001 538
2002 381
2003 937
2004 601
2005 713
2006 642
2007 1205
2008 636
2009 824
2010 1331
2011 772
2012 346
2013 980
2014 478
2015 499
2016 732
2017 674
2018 342
2019 1161
2020 1367

શહેર

જામનગરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું : જામનગર ટાઉનહોલ ખાતે પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો : શહેરના સાત સ્વસહાય જૂથો સાથે બેંકોએ એમઓયુ કર્યા

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગુજરાતના 1 લાખ લાયેબીલીટી એન્ડ અર્નીંગ ગ્રુપ બનાવવામાં આવશે. જેમાં એક ગ્રુપમાં 10બહેનો આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિમાં જોડાશે. આમ આ યોજના થકી ગુજરાતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે મુખ્યમંત્રીએ ગઇકાલે આ યોજનાનું ઇ-લોન્ચિંગ કર્યું હતું. જેમાં જામનગર ખાતે આ યોજનાના લોકાર્પણ પ્રસંગે શહેરમાં 7 સ્વસહાય જુથની લોન મંજૂર થઈ કરવામાં આવી હતી, જેના માટે જામનગરની વિવિધ ક્રેડિટ સોસાયટીઓ-સહકારી બેંકો સાથે એમ.ઓ.યુ કર્યા હતા અને આ સાત સ્વસહાય જુથોને ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લોન મંજૂર અંગેના પત્રોની ફાઈલ સોંપવામાં આવી હતી.


આ ઇ-લોન્ચિંગ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓ સન્માનનીય અને પૂજનીય સ્થાન ધરાવે છે. હાલના સમયમાં આ સ્ત્રીઓ પુરુષ સમોવડી બનીને સત્તામાં, નોકરીમાં દરેક સ્થાને તે આગળ વધી છે. દેશના વિકાસમાં સ્ત્રીઓનું પણ પુરુષ જેટલું યોગદાન છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના દ્વારા અનેક બહેનોને આર્થિક ટેકો મળશે. અગાઉ બેંકમાં ખાતું ખોલાવવાની પણ અઘરી પ્રક્રિયા હતી ત્યારે આજે શૂન્ય બેલેન્સથી પણ બેન્ક એકાઉન્ટ ખૂલે છે. અનેક બહેનોની આત્મનિર્ભર થવાની નેમને સાકાર કરવા રાજ્ય સરકારે આ યોજના થકી ઝીરો ટકા વ્યાજથી આ જૂથોને એક લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આત્મનિર્ભર ભારતની કલ્પનાને સાકાર કરવામાં બહેનોનું આત્મનિર્ભર બનવા તરફ અગ્રેસર બનવું પ્રથમ પગલું છે.

જામનગર ખાતેના આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અનેક યોજનાઓ લાવી લોકોને સહાય રૂપ બની રહી છે. કોરોનાના કાળમાં આ લડાઈ જીતવા માટે સક્ષમ બનાવવાની આવશ્યકતા છે ત્યારે આત્મનિર્ભર પેકેજ અંતર્ગત દરેક બહેનો આત્મનિર્ભર બનવા, માનસિક અને શારીરિક રીતે સક્ષમ બનવા આ કોરોનાના કાળમાં પણ સંઘર્ષ કરી રહ્યા છે. આ યોજના થકી મહિલાઓએ પગભર થવાનો પ્રયાસ કરવાનો છે. મહિલાઓ સશક્ત બને પરિવારને સક્ષમ બનાવે તે માટે મહિલાઓને આત્મનિર્ભર બનવું જરૂરી છે. આ યોજના થકી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના ઘરને, સમાજને આગળ વધારી રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી શકશે તેમ પુર્વ મંત્રીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, ડેપ્યુટી મેયર કરસનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, દંડક જડીબેન સરવૈયા, કમિશનર સતીશ પટેલ, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, અન્ય કોર્પોરેટરો અને બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

વધુ વાંચો

શહેર

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા ઈ-બુકનું લોન્ચિંગ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

વિશ્વ મહામારી કોરોના લોકડાઉન દરમિયાન પક્ષના પ્રત્યેક કાર્યકર્તા, પ્રત્યેક ચૂંટાયેલ સભ્યો, નેતા, શહેર સંગઠનના હોદેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓએ પ્રજાહિત અર્થે અનેકવિધ કામગીરી કરી, આ તમામ કામગીરીની આંકડાકીય માહિતી, લાભાર્થીઓના મંતવ્યો સહીતના અહેવાલને ડિજિટલ ઈ-બુકના સ્વરૂપે રજુ કરી શહેર ભાજપ કાર્યાલયે લોન્ચ કરવામાં આવેલ હતી. આ તબક્કે શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, ડો. વિમલ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખ જેઠવા, ડે મેયર કરશન કરમુર, સ્ટે.કમિટી ચેરમેન સુભાષ જોશી, પૂર્વપ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, મુકેશ દશાણી, ધીરુભાઈ કનખરા ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયા, ગોપાલભાઈ સોરઠીયા, એસ.એમ.આઈ.ટી. વિભાગના પારસ ઘેલાણી, અશ્વિનભાઈ કોઠારી સહીત વોર્ડ પ્રમુખો તથા કાર્યકર્તાઓ વેબમિટિંગ થકી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા દ્વારા ઉદબોધન કરવામાં આવેલ. ભાજપ મીડિયા વિભાગના આશિષભાઈ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વધુ વાંચો

શહેર

ધ્રોલમાં દિનદહાડે હત્યા નિપજાવનાર મુખ્ય સૂત્રધાર સહિતના બે શખ્સો ઝડપાયા

છ માસ અગાઉ ટોલનાકાની બોલાચાલી અને જમીનના પ્લોટના પૈસાની લેતી-દેતી મામલે યુવાનની ફાયરીંગ કરી હત્યા : ચાર શખ્સો અગાઉ ઝડપાયા : ઝડપાયેલા બે શખ્સો પાસેથી ત્રણ પિસ્તોલ અને મોબાઇલ કબજે કરતું આરઆર સેલ-એલસીબી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ધ્રોલ ગામમાં ત્રિકોણબાગ પાસે ગત માર્ચ માસમાં યુવાન ઉપર ફાયરીંગ કરી હત્યાના પ્રયાસમાં સંડોવાયેલા બે શખ્સોને આરઆર સેલ અને જામનગર એલસીબીએ ત્રણ પિસ્તોલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.
બનાવ અંગેની વિગત મુજબ છ માસ પૂર્વે ધ્રોલ ગામમાં ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવિરસિંહ જાડેજા નામના યુવાન ઉપર જીજે-03 જેઆર-8218 નંબરની સ્વિફટ કારમાં આવેલા અનિરુધ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણ તથા બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ આડેધડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં દિવ્યરાજસિંહનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

આ હત્યાના બનાવમાં પોલીસે અનિરુધ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ, અજીત વિરપાલસિંહ ઠાકુર અને અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર નામના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા નામના બે શખ્સો ફરાર હોય જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં.

દરમિયાન રાજકોટ રેન્જ ડીઆઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા શ્ર્વેતા શ્રીમાળીની સૂચનાથી સાઇબર સેલ પીઆઇ આર.એ. દોડીયા, એલસીબી પીઆઇ એમ.જે. જલુ તેમજ એલસીબી અને આરઆર સેલના સ્ટાફની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી હતી અને આ હત્યાના બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન આ બંને શખ્સો જામનગરથી રાજકોટ થઇ ચોટીલા આવવાની મળેલી બાતમીના આધારે પોલીસે ચોટીલાથી જસદણ પરના માર્ગ પર વોચ ગોઠવી મુખ્ય સૂત્રધાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા અને નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો કાળુભા જાડેજા (રે. બંને હાડાટોડા) નામના બંને શખ્સોને આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી ત્રણ પિસ્તોલ અને મોબાઇલ ફોન મળી આવતાં કબજે કર્યા હતાં.

વધુમાં મળતી વિગત મુજબ મૃતક દિવ્યરાજસિંહ જદુવિરસિંહ જાડેજા અને અનિરુધ્ધસિંહ સોઢાને પડધરી ટોલનાકે વાહનોનો ટોલ ન ઉઘરાવવા બાબતે બોલાચાલી થઇ હતી અને તેમજ આ બંને વચ્ચે જમીનના પ્લોટના રૂા. 50 લાખની લેતી-દેતીના વિવાદમાં અનિરુધ્ધસિંહ સહિતનાઓએ દિવ્યરાજસિંહની હત્યા નિપજાવી હતી. જેમાં શૂટરો બોલાવી રેકી કરાવનાર ઓમદેવસિંહ જાડેજા અને મૃતકની ગતિવિધિઓ ઉપર વોચ રાખી રેકી કરનાર નરેન્દ્રસિંહ નામના બંને શખ્સોને આજે આરઆર સેલ અને એલસીબીએ ઝડપી લીધા હતાં તેમજ અગાઉ અનિરુધ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વિશુભા સોઢા (મુખ્ય આરોપી), મુસ્તાક રફીક પઠાણ (ફાયરીંગ કરનાર), અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામદાસ ઠાકુર (ફાયરીંગ કરનાર) અને અજીતસિંહ વિરપાલસિંગ ઠાકુર (હથિયાર સપ્લાય કરનાર) નામના ચાર શખ્સોને અગાઉ દબોચી લેવામાં આવ્યા હતાં. હજી આ ઘટનામાં ફાયરીંગ કરનાર ત્રીજો શખ્સ રોહિતસિંહ ઉર્ફે સોનુસિંગ રાપ્રસાદસિંગ ઠાકુર (ઉત્તરપ્રદેશ) ફરાર હોય જેની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતાં અને ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર સહિતના બે શખ્સોની રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ