Connect with us

રાજ્ય

દ્વારકા જિલ્લામાં આઠ ઈંચ સુધીના વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાયા

કલ્યાણપુરમાં બે દિવસમાં સવા આઠ ઇંચ વરસાદ : ખંભાળિયામાં સવા ચાર ઇંચ, દ્વારકામાં ત્રણ ઇંચ, ભાણવડમાં સવા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો

ખબર ગુજરાત

પ્રકાશિત

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાનો પુનઃ મુકામ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક ત્રણથી સવા આઠ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ અસરગ્રસ્ત મનાતા કલ્યાણપુર તાલુકામાં મુશળધાર સવા આઠ ઈંચ જેટલા વરસાદથી અનેક સ્થળે ખાના-ખરાબી જેવા દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલી આગાહી મુજબ અન્ય સ્થળો સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ શનિવારથી વરસાદી માહોલ સર્જાયો હતો.

કલ્યાણપુર તાલુકામાં શનિવારથી બપોરથી શરૂ થયેલા મેઘરાજાએ જાણે સટાસટી બોલાવી હોય તેમ શનિવારે બપોરથી સાંજ સુધીમાં સવા પાંચ ઈંચ (136 મીમી) પાણી વરસાવી દીધું હતું. આ ઉપરાંત ગઈકાલે રવિવારે પણ કલ્યાણપુર તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં દિવસ દરમિયાન વધુ 68 મીમી પાણી વરસી ગયું હતું. આમ, બે દિવસ દરમિયાન કલ્યાણપુર તાલુકામાં કુલ 204 મીલીમીટર (સવા આઠ ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સાથે કલ્યાણપુર તાલુકાનો મોસમનો કુલ વરસાદ 2451 મીમી થયો છે. કલ્યાણપુર તાલુકાના રાવલ સહિતના ગામોમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત અનેક ખેતરોમાં પાણી ભરાઇ જતા ઊભા મોલને વ્યાપક નુકસાની થવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા પંથકમાં પણ છેલ્લા બે દિવસ દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસી ગયો. ખંભાળિયા તાલુકામાં શનિવારે ગાજવીજ સાથે 54 મીમી બાદ ગઈકાલે રવિવારે પણ વીજળીના કડાકા-ભડાકા સાથે 51 મીમી સાથે બે દિવસ દરમિયાન સવા ચાર ઈંચ (105 મીમી) વરસાદ વરસી ગયો હતો. આટલું જ નહીં ગતરાત્રીના અવિરત રીતે હળવા વરસાદી ઝાંપટાનો દૌર યથાવત રહ્યો હતો. આજે સવારે પણ મેઘાવી માહોલ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા ન હતા જોકે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ખંભાળિયા દ્વારકા માર્ગ પરના સોનારડી, હંજિયાખડી, સહિતના ગામોમાં ગઇકાલે બપોરે ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી જતા કેટલાક સ્થળોએ પાણી ભરાયા હતા. આ જ રીતે ખંભાળિયા ભાણવડ પટ્ટીના ગામો માંઝા, તથીયા, વિગેરે ગામોમાં પણ બે દિવસ દરમિયાન ભારે ઝાપટા રૂપે ત્રણથી ચાર ઈંચ વરસાદ વરસી ગયાના સમાચાર છે.

ખંભાળિયા તાલુકામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેમ વીજળીના કડાકા-ભડાકાએ લોકોને ભયભીત કરી મુક્યા હતા. આ વચ્ચે શનિવારે અહીંના ધરમપુર વિસ્તારના એક રહેણાંક મકાન પર આકાશી વીજળી ત્રાટકતાં આ મકાનનો કેટલોક ભાગ તૂટી ગયો હતો અને ઘરમાં રહેલા એક વ્યક્તિને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત રવિવારે ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે એક મંદિર પર વીજળી પડતા કેટલોક ભાગ ક્ષતિગ્રસ્ત થવા પામ્યો હતો. ખંભાળિયા તાલુકામાં છેલ્લા બે દિવસના સવા ચાર ઈંચ વરસાદ મળી, મોસમનો કુલ વરસાદ 104 ઈંચ (2591 મીમી) નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા તાલુકામાં પણ મેઘરાજાએ બે દિવસ દરમિયાન નોંધપાત્ર પાણી વરસાવી દીધું છે. શનિવારે માત્ર હળવા ઝાપટા રૂપે 6 મીમી, જ્યારે ગઈકાલે રવિવારે બપોરે ધોધમાર ત્રણ ઈંચ (70 મીમી) મળી, બે દિવસ દરમિયાન દ્વારકામાં 76 મીમી પાણી વરસી ગયું હતું. આ સાથે દ્વારકાનો મોસમનો કુલ વરસાદ 55 ઈંચ (1379 મીમી) થયો છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર થયેલી આગાહી મુજબ જિલ્લાના ભાણવડ પંથકમાં પણ બે દિવસથી અવિરત મેઘ મુકામ રહ્યો હતો. ભાણવડ તાલુકામાં શનિવારે 40 મીમી જ્યારે ગઈકાલે રવિવારે 39 મીમી મળી કુલ સવા ત્રણ ઈંચ (79 મી.મી) પાણી વરસી ગયું હતું. આ સાથે ભાણવડ તાલુકાનો મોસમનો કુલ વરસાદ 94 ઈંચ (2358 મીમી) સુધી પહોંચી ગયો છે.

આમ, જિલ્લામાં હાલ સરેરાશ  સવા ત્રણસો ટકાથી વધુ ભારે વરસાદ વરસી ચૂકયો છે, ત્યારે હવે લીલો દુષ્કાળ સર્જાય તે પહેલા મેઘરાજા ખમૈયા કરે તેમ સૌ ઈચ્છી રહ્યા છે.

રાજ્ય

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખંભાળિયાના રહેણાંક મકાનમાં દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં એક મંદિરની બાજુમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના વતની એવા હસમુખભાઈ મનજીભાઈ પરમાર નામના 43 વર્ષીય યુવાન ગત તારીખ 24 થી 27 સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં પ્રસંગ અર્થે તેમના વતન ગયા હતા, અને પાછળથી કોઈ અજાણ્યા શખ્સોએ તેમના રહેણાંક મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી અને મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો.
આ મકાનના રૂમની અંદર રહેલા કબાટની તિજોરી તોડી, તેમાં રાખવામાં આવેલા રૂપિયા દસ હજાર રોકડા તથા રૂપિયા પંદર હજારની કિંમતના ચાંદીના દાગીના મળી, કુલ રૂપિયા 25 હજારનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે હસમુખભાઈ પરમારની ફરિયાદ પરથી ધોરણસર ગુનો નોંધી પી.એસ.આઇ. અનિરુદ્ધસિંહ ઝાલાએ તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

ભાણવડની બેંકમાં મહિલાની નજર ચૂકવી રૂપિયા 50 હજારની રોકડની ઉઠાંતરી

અજાણી મહિલા સામે ફરિયાદ

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ભાણવડના ભગવતી શેરી વિસ્તારમાં રહેતા મનસુરભાઇ અલ્લાઉદીનભાઈ બરડાય નામના 42 વર્ષીય યુવાનના માતા દોલતબેને  પોતાના કામની અંગત બચત દ્વારા ભેગા કરેલા રૂપિયા 50 હજાર રોકડા ભાણવડની બેન્ક ઓફ ઇન્ડિયામાં સોમવારે સવારે જમા કરવા ગયા હતા. ત્યાં બેંકની પૈસા ભરવાની લાઈનમાં તેઓ ઉભા હતા, ત્યારે દોલતબેનની પાછળ લાઈનમાં ઉભેલા એક પીળી સાડી પહેરેલા મહિલાએ દોલતબેનની નજર ચૂકવી, તેમની પાસે રહેલા રૂપિયા પચાસ હજારની રોકડ રકમ ચોરી કરીને લઇ ગયાનો બનાવ જાહેર થયો છે.
આ બનાવ અંગે મનસુરભાઈ બરડાયની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે પીળી સાડી પહેરેલા અજાણ્યા મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

વધુ વાંચો

રાજ્ય

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી નો કાર્યક્રમ જાહેર

ખબર ગુજરાત

પ્રકાશિત

on

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણીની આજે જાહેરાત થઈ ગઈ છે. આઠ બેઠકોની પેટાચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરવામાં આવી છે. આ 8 બેઠકની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. 9 થી 16 ઓક્ટોબર સુધી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકશે જયારે 19 ઓક્ટોબર ફોમ પાછા ખેચવાની અંતિમ તારીખ છે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસે પણ પુરજોશમાં બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. અગાઉ આ આઠ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો પરિણામે કૉંગ્રેસ દ્વારા આ બેઠકો ના સક્ષમ ઉમેદવારની શોધ ચલાવવામાં આવી રહી છે. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેની પ્રાથમિક ત્રણ નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે.

હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એકબાજુ ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે તેને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધનો વંટોળ ઉપડયો છે. તેવા સંજોગોમાં વધુને વધુ બેઠકો જીતવા કોંગ્રેસ કમર કરી રહ્યું છે.

 

વધુ વાંચો
Advertisement

ટ્રેન્ડીંગ