સમગ્ર રાજયમાં ગુજરાત સરકારના નવા કાયદા ગુજસીટોકની ચર્ચા છે. સ્થાનિક પોલીસતંત્રોની મદદથી સરકારે વિવિધ શહેરોમાં સંખ્યાબંધ આરોપીઓને આ કાયદા હેઠળ ઝડપી લીધાં છે. જે પૈકી મોટાંભાગના આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. સૌના આશ્ર્ચર્ય વચ્ચે ગુજસીટોકના એક આરોપીએ હાઇકોર્ટમાં આ કાયદાની કેટલીક જોગવાઇઓને પડકારી છે. આ પિટીશનના અનુસંધાને વડીઅદાલતે રાજયસરકારની વિવિધ ઓથોરિટીને નોટિસ આપી છે. જેનાં કારણે સમગ્ર રાજયમાં આ કાયદા અંગે નવેસરથી ચર્ચાઓ શરૂ થઇ છે.
ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે ગુરૂવારે આ મામલે સરકારની વિવિધ ઓથોરિટીને નોટિસ મોકલાવી છે. એક પિટીશનમાં આ કાયદાની કેટલીક જોગવાઇઓને પડકારવામાં આવી છે. શકયતા એવી છે કે, અદાલત દ્વારા આપવામાં આવેલી નોટિસનો જવાબ સરકાર બીજી ફેબ્રુઆરીએ આપશે.
બકુલખાન પઠાણ(બકસૈયદ) નામના 45 વર્ષના અરજદારે આ પિટીશન કરી છે. પઠાણ ખુદ આ કાયદા હેઠળનો આરોપી છે. તેણે પોતાની અરજીમાં જણાવ્યું છે કે, આ કાયદાની કલમો 2(1)(સી), 20(3),20(4) અને 20(5) નાગરિકના મુળભુત અધિકારોનો બંધારણના આર્ટિકલ 20 મુજબ ભંગ કરે છે. આ ઉપરાંત બંધારણના આર્ટિકલ 21માં નાગરિકને સ્વતંત્રતાનો જે અધિકાર આપવામાં આવ્યો છે તેનો પણ ભંગ થાય છે.
અરજદારના વકીલોનું નામ ભદ્રીશ રાજુ અને નિમિત શુકલા છે. બકુલખાન પઠાણના કેસમાં ઉપરોકત ચાર કલમોનો ગેરબંધારણીય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેથી આ કલમો રદ કરવી જોઇએ. એવી માંગણી પઠાણના વકીલો દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પઠાણે એવી પણ માંગણી કરી છે કે, વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેના વિરૂધ્ધમાં જે એફઆઇઆર થઇ છે તે રદ થવી જોઇએ અને આ એફઆઇઆરના સંદર્ભમાં ચાલી રહેલી તપાસ સામે મનાઇ હુકમ આપવો જોઇએ.
પઠાણ તથા અન્ય 10 આરોપીઓ વિરૂધ્ધ આ ફરિયાદમાં તેઓ સામે એવો આક્ષેપ છે આ આરોપીઓએ ષડયંત્રને પાર પાડવા ગેંગ બનાવી છે અને સંગઠિત અપરાધને અંજામ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પઠાણ નામના આ આરોપી વિરૂધ્ધ આ અગાઉ અસલાલી, સરખેજ અને શાહપુર પોલીસ સ્ટેશનોમાં 2010 થી 2020 દરમ્યાન વિવિધ ગુનાઓ હેઠળ કુલ પાંચ ફરિયાદો નોંધાયેલી છે. તેના વિરૂધ્ધમાં નોંધાયેલી ફરિયાદોમાં ઇજાઓ પહોંચાડવી, રાયોટીન, લુંટ, ફોર્જરી અને વિશ્ર્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત તેની વિરૂધ્ધ જુગાર અને પશુઓ વિરૂધ્ધના ઘાતકીપણા અંગેની ફરિયાદો પણ નોંધાયેલી છે. જો કે, પઠાણે એમ કહ્યું છે કે, તેના વિરૂધ્ધ પાંચ ફરિયાદો છે પરંતુ એક જ ચાર્જશીટ 2012 માં દાખલ કરવામાં આવી હતી. તેથી ગુજસીટોક હેઠળ તેની વિરૂધ્ધ ગુનો નોંધવો યોગ્ય નથી. એમ પઠાણના વકીલોએ પિટીશનમાં જણાવ્યું છે. પઠાણના વકીલોએ પિટીશનમાં એમ પણ જણાવ્યું છે કે, ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યો એ પહેલાંના ગુનાઓને ધ્યાનમાં લઇ પોલીસતંત્રએ પઠાણને ગુજસીટોક હેઠળ આરોપી જાહેર કર્યો છે તે યોગ્ય નથી. અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બર 2020માં પણ આ રીતે અન્ય એક આરોપીએ આ કાયદાની આ ચાર કલમોને પડકારી હતી.
વિરાટ પોપટ નામના એક ધારાશાસ્ત્રીએ અગાઉ એમપણ કહ્યું હતું કે, ગુજસીટોક અને મકોકા બન્ને સરખા કાયદા છે. ત્યાં સુધી કે, બન્ને કાયદાઓમાં પ્રિન્ટીંગ એરર પણ સરખી છે. અગાઉની પિટીશન અને પઠાણની આ પિટીશન બન્નેની સુનાવણી બીજી ફેબ્રુઆરીએ થવાની શકયતા છે. અત્રે નોંધનીય છે કે,વડોદરામાં આ કાયદા હેઠળ નોંધાયેલા પ્રથમ કેસમાં 26 પૈકી 12 આરોપીઓની ગુરૂવારે ધરપકડ થઇ છે અને અદાલતે આ 12 આરોપીઓની 14 દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.