સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વના નક્શા પર મુક્યા બાદ કેવડિયાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશન સહિત અન્ય નવા તૈયાર કરાયેલા સ્ટેશનનું દિલ્હીથી ઓનલાઈન લોકાર્પણ કરશે. તેની સાથે જ તેઓ અમદાવાદ ઉપરાંત હઝરત નિઝામુદ્દીન (દિલ્હી), વારાણસી, ચેન્નઈ, રીવા, દાદર અને પ્રતાપનગરથી કુલ 10 નવી ટ્રેનોને ઝંડી આપી કેવડિયા માટે રવાના કરશે.
વડોદરાથી કેવડિયા સુધી ગેજ કન્વર્ઝન, નવી લાઈન તેમજ પ્રતાપનગરથી કેવડિયા સુધીના ટ્રેકનું ઈલેક્ટ્રિફિકેશન પણ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ડભોઈ, ચાણોદ સ્ટેશન નવા તૈયાર કરવાની સાથે કેવડિયા સુધીની નવી લાઈન પર મોરિયા, તિલકવાડા, ગરૂડેશ્વર તેમજ કેવડિયા સ્ટેશન તમામ પેસેન્જર સુવિધાઓ સાથે નવા તૈયાર કરાયા છે. આ કામગીરી લગભગ પૂર્ણ થતા વડાપ્રધાન 17મીએ સવારે 11 વાગે દિલ્હીથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કેવડિયાના તમામ રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
કેવડિયા પ્રોજેક્ટના લોકાર્પણની સાથે જ કેવડિયા માટે એક સાથે 10 નવી ટ્રેનો શરૂ કરાશે. જેમાં અમદાવાદથી બે જનશતાબ્દી એક્સપ્રેસ, પ્રતાપનગર (વડોદરા)થી કેવડિયા માટે 3 ડેલી ડેમુ ટ્રેન, હઝરત નિઝામુદ્દીનથી કેવડિયા (સપ્તાહમાં બે દિવસ), ચેન્નઈથી કેવડિયા સાપ્તાહિક એક્સપ્રેસ, વારાણસીથી કેવડિયા મહામના સાપ્તાહિક સુપરફાસ્ટ, રિવાથી કેવડિયા મહામના સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ તેમજ દાદરથી કેવડિયા ડેઈલી એક્સપ્રેસ ટ્રેનને પણ ઝંડી આપી તેઓ કેવડિયા માટે પ્રસ્થાન કરાવશે.
કેવડિયા જતી તમામ ટ્રેનોમાં વડોદરાથી આગળ અને પાછળ બે એન્જિન જોડાશે. વડોદરાથી ડભોઈ સુધી સીધા ટ્રેક પર ટ્રેન જશે. ત્યારબાદ ડભોઈથી સીધો રૂટ છોટા ઉદેપુર તરફ જાય છે. જ્યારે કેવડિયા માટે ડભોઈથી વી શેપમાં નવી લાઈન નાખવામાં આવી છે. જેના કારણે ડભોઈથી કેવડિયા જવા માટે સામાન્ય રીતે ટ્રેનનું એન્જિન આગળથી બદલી પાછળ લાવવાની જરૂર ઉભી થશે. આ પ્રક્રિયામાં ટ્રેન ડભોઈ ખાતે 20થી 30 મિનિટ સુધી ઉભી રાખવી પડે તેમ છે. પેસેન્જરોનો સમય ન બગડે તે માટે તમામ ટ્રેનો વડોદરાથી જ બે એન્જિન સાથે દોડાવાશે. જેથી ડભોઈ પહોંચ્યા બાદ પાછળનું એન્જિન આગળ થઈ જશે અને ટ્રેનને કેવડિયા પહોંચાડશે.